VADODARA : વડોદરા (VADODARA) ના પૂરગસ્ત વેપારીઓને નાણાંકીય મદદ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા જાહેર કરાયેલા ખાસ રાહત પેકેજનો લાભ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધડાધડ આપવામાં આવી રહ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર કરાઇ રહેલા સરવે બાદ અત્યાર સુધીમાં કુલ ૭૪૪૮ નાનામોટા વેપારીઓને રૂ. ૧૨ કરોડની સહાય સીધી તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવી છે.
સો ટીમ દ્વારા સરવે કરવામાં આવી રહ્યો છે
ઉક્ત પેકેજનો લાભ વેપારીઓને આપવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૨૦૦ વ્યક્તિની એક કુમુક મેદાનમાં ઉતારવામાં આવી છે અને બે બે વ્યક્તિની એક એવી સો ટીમ દ્વારા સરવે કરવામાં આવી રહ્યો છે. જરૂરી આધારો સાથે સરળ ફોર્મ ભરાવીને વેપારીઓની નોંધણી કરી સંબંધિત મામલતદાર કચેરી દ્વારા સહાયની રકમ લાભાર્થીના ખાતામાં જમા કરાવવામાં આવે છે.
મોટી કેબીન ધરાવતા વેપારીઓને પણ પેકેજનો લાભ આપવામાં આવ્યો
મુખ્યમંત્રીના રાહત પેકેજ અંતર્ગત થયેલી નાણાંકીય સહાયની કામગીરી જોઇએ તો અત્યાર સુધીમાં વડોદરા શહેરમાં નાની લારી અથવા રેંકડી ધરાવતા ૪૫૯૧ વેપારીઓને રૂ. ૨.૨૬ કરોડની સહાય આપવામાં આવી છે. એ જ પ્રકારે વડોદરા શહેરમાં નાની સ્થાયી કેબીન ધરાવતા ૧૦૭૯ વેપારીઓને રૂ. ૨.૧૫ કરોડની નાણાંકીય મદદ સીધી તેમના ખાતામાં જમા કરાવવામાં આવી છે. મોટી કેબીન ધરાવતા વેપારીઓનો પણ સરવે કરીને રાહત પેકેજનો લાભ આપવામાં આવ્યો છે. આવા ૧૬૮૬ વેપારીઓને રૂ. ૬.૭૪ કરોડ ચૂકવી દેવાયા છે. નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન ધરાવતા ૯૨ વેપારીઓને રૂ. ૭૮.૨૦ લાખની મદદ મુખ્યમંત્રીશ્રીના રાહત પેકેજ અંતર્ગત કરવામાં આવી છે.
આ પણ વાંચો — VADODARA : ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા ગાયકના બે નવા ગરબા ધૂમ મચાવશે