VADODARA : વડોદરા (VADODARA) માં 45 દિવસમાં ત્રીજી વખત વરસાદના પાણી લોકોની દુકાનો અને મકાનો સુધી પહોંચ્યા હોવાની ઐતિસાહીક ઘટના વડોદરામાં બની છે. આજે બપોર બાદ વરસાદી ધડબડાટી બોલાવતા શહેરના અનેક નિચાણવાળા વિસ્તારો તથા જુના સિટી વિસ્તારોમાં પાણી ભરાઇ ગયું હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ પાલિકાના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રી દ્વારા લોકોને તરાપા, દોરડા અને ટોર્ચ વસાવવા માટે આપવામાં આવેલી સલાહ આજે સાચી ઠરી રહી હોય તેમ લાગી રહ્યું છે. શહેરના સુભાનપુરા વિસ્તારમાં પાણી ભરાતા સોસાયટીની બહાર તરાપો જોવા મળ્યો છે.
લોકોના મનમાંથી માંડ ભૂંસાઇ રહેલી પૂરની યાદો વધુ એક વખત તાજી થઇ
વડોદરામાં વિતેલા એક કલાકમાં જ ત્રણ ઇંચ જેટલો વરસાદ ભારે ગાજવીજ સાથે પડ્યો છે. જેના કારણે શહેરના નવા બજાર, રાવપુરાની દુકાનો સુધી તથા આજવા રોડ વિસ્તારની કેટલીક સોસાયટીના મકાનો સુધી વરસાદી પાણી આવી પહોંચ્યું છે. જેના કારણે લોકોના મનમાંથી માંડ ભૂંસાઇ રહેલી પૂરની યાદો વધુ એક વખત તાજી થવા પામી છે.
અલકાપુરી ગરનાળું અવર-જવર માટે બંધ
વડોદરામાં વરસાદની દે ધનાધન બેટીંગમાં વડોદરાના અલકાપુરી ગરનાળાની હાલત ભારે બેહાલ થઇ છે. ગરનાળામાં પાણી ભરાઇ જવાના કારણે તેને અવર-જવર માટે સ્વયંભુ બંધ કરવો પડે તેવી સ્થિતીનું સર્જન થયું છે. અગાઉ પૂર સમયે અલકાપુરી ગરનાળું 5 થી વધુ દિવસ માટે બંધ રહ્યું હતું. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ઝાંસી કી રાણી સર્કલ પાસે પાણી ભરાતા સોસાયટી બહાર તરાપો દેખાયો
અગાઉ પૂરના પાણી ઓસરી ગયા બાદ પાલિકાના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રી દ્વારા લોકોને તરાપા અને ટ્યુબ વસાવી લેવાની સુફીયાણી સલાહ આપી હતી. જો કે, તે બાદ વિવાદ વધતા તેમણે નિવેદન ફેરવી તોડ્યું હતું. પરંતુ આજે તે વાત સાચી પડી રહી હોય તેમ લાગી રહ્યું છે. શહેરના સુભાનપુરા વિસ્તારમાં ઝાંસી કી રાણી સર્કલ પાસે પાણી ભરાતા સોસાયટી બહાર તરાપો જોવા મળ્યો હતો.
જળાશયોની સપાટી હાલ તબક્કે ભયજનક જળસ્તરથી દુર
પાલિકાની સત્તાવાર વેબસાઇટ મુજબ સાંજે ચાર વાગ્યાની સ્થિતીએ વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીનું જળસ્તર 19.50 ફૂટ નોંધવામાં આવ્યું છે. જ્યારે અડધા વડોદરાના મુખ્ય પાણી સ્ત્રોત આજવા સરોવરની સપાટી 212.80 ફૂટ નોંધવામાં આવી છે. બંને જળાશયોની સપાટી હાલ તબક્કે ભયજનક જળસ્તરથી દુર છે.
આ પણ વાંચો — VADODARA : ઐતિહાસિક ન્યાય મંદિરના ઝરૂખા-દિવાલો પર તિરાડ, તંત્રનું ધ્યાન ક્યારે જશે !