VADODARA : વડોદરા (VADODARA) ના પૂર્વ વિસ્તારમાં આવેલી વૈકુંઠ સોસાયટીમાં વરસાદી પાણી ઓસરી ગયા બાદ હવે ગટરના પાણી ફરી વળતા સ્થાનિકોની મુશ્કેલીઓ વધવા પામી છે. અધિકારીઓ દ્વારા અહીંયાની સમસ્યા દુર કરવાની સ્પષ્ટ સુચના બાદ પણ લોકોની હાલાકીનો કોઇ અંત આવતો નથી. જેના કારણે સ્થાનિકો રોષે ભરાયા છે. આ સમસ્યા ઉજાગર થતા મોડે મોડી અધિકારીએ મુલાકાત લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.
સોસાયટીમાં ગટર ઉભરાઇ
વડોદરામાં 22 જુલાઇના રોજ અવિરત વરસાદ વરસ્યો હતો. તે બાદ શહેરના પૂર્વ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અને લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેવામાં શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી વૈકુંઠ સોસાયટીમાં પણ પાણી ભરાયા હતા. આ બાદ મેયર, ચેરમેન તથા પાલિકાના અધિકારીઓ વિસ્તારની મુલાકાતે આવ્યા હતા. દરમિયાન વિસ્તારની સમસ્યા દુર કરવા માટેની સ્પષ્ટ સુચના બાદ પણ વિસ્તારના લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં આ સોસાયટીમાં ગટર ઉભરાઇ રહી છે. ગટરનું ગંદુ દુર્ગંધ મારતું પાણી ઉભરાઇને રોડ-રસ્તા પર ફરી વળ્યું છે. જેના કારણે સ્થાનિકોની મુશ્કેલીઓ વધી છે. વરસાદના પાણી ઓસરી ગયા બાદ હવે નવી સમસ્યાએ લોકોની નિંદર હરામ કરી છે.
ટાઉનશીપનું નિર્માણ 2001 માં થયું
સ્થાનિકના જણાવ્યા પ્રમાણે, 24, જુલાઇથી વૈકુંઠ સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. ગઇ કાલે જ પાણી ઓછું થયું છે. ત્યાર બાદ હવે ડ્રેનેજ લાઇન ઉભરાઇ રહી છે. પાલિકાના ચેરમેન સહિતના લોકો અહિંયા આવી ચુક્યા છે. કોઇ પગલાં લેતા નથી. આ ટાઉનશીપનું નિર્માણ 2001 માં થયું છે. વરસાદે વધુ પડે ત્યારે અહિંયા પાણી ભરાવવું સ્વભાવીક છે. પાણી ભરાયું ત્યારે મેયર, ચેરમેન અને પાલિકાના કોર્પોરેટર આવ્યા હતા.
રોજબરોજના જીવન પર ભારે અસર થઇ
વધુમાં ઉમેર્યું કે, અમારી 2 હજાર મકાનોની સોસાયટી છે. આગળની ડ્રેનેજ લાઇનમાં પુરાણો અને દબાણો થયા છે. ત્યાં પાણીની કાંસ નાંખવામાં આવે, તો પાણીને હાઇવે સુધી પહોંચાડવામાં આ સારો, અને ટુંકો ઉકેલ છે. આ અંગેની અનેક રજુઆતો કરવા છતાં કોઇએ અમારી વાત ધ્યાને લીધી નથી. અમારા રોજબરોજના જીવન પર ભારે અસર થઇ રહી છે. બાળકોને ખભા પર બેસાડીને બહાર લઇ જવું પડે છે. શહેરના અન્ય વિસ્તારના લોકોની જેમ અમે પણ ટેક્સ ભરીએ છીએ. અધિકારીઓના લીધે અમારી કામગીરી થતી નથી.
આ પણ વાંચો — VADODARA : પંચાયતની સભામાં વિપક્ષના અણિયારા સવાલો બાદ અધિકારી રડી પડ્યા