VADODARA : વડોદરા (VADODARA) વિતેલા ઘણા દિવસોથી પૂર (FLOOD – 2024) ની પરિસ્થિતીનો સામનો કરી રહ્યું હતું. ગતરોજથી પૂરના પાણી ઓસરી રહ્યા છે. ત્યારે હવે લોકોનો રોષ ધારાસભ્ય અને કોર્પોરેટર પર નિકળી રહ્યો છે. વડોદરામાં ગત મોડી સાંજે અને રાત્રે ધારાસભ્ય અને કોર્પોરેટર લોકોની વચ્ચે જતા તેમના રોષનો ભોગ બન્યા હતા. પૂરના સમયે લોકોને ધારાસભ્ય-કોર્પોરેટર પાસેથી મદદની આશ હતી. પરંતુ તે તમામ ઠગારી નીવડી હતી. એટલે હવે તેઓ લોકો વચ્ચે જતા તેમના પર રોષ ઠલવાઇ રહ્યો છે.
કેટલાક વિસ્તારમાં કોર્પોરેટરોએ ફોન ઉપાડ્યા ન્હતા
તાજેતરમાં વડોદાર ઐતિહાસીક પૂરનું સાક્ષી બન્યું હતું. શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીનું જળસ્તર સતત ત્રણ દિવસ ભયજનકથી ઉપર વહી રહ્યું હતું. જેને પગલે જે વિસ્તારોમાં ક્યારે પાણી ઘૂસ્યા ન્હતા, ત્યાં પણ પાણી ભરાયા હતા. અને શહેરના મોટાભાગના વિસ્તારમાં લોકો પૂરની સ્થિતીમાં સલવાયા હતા. તે સમયે લોકોને ચૂંટાયેલા પ્રતિનિધિઓ તરફથી મદદની આશ હતી. પણ કેટલાક વિસ્તારમાં કોર્પોરેટરોએ ફોન ઉપાડ્યા ન્હતા, તો કેટલીક જગ્યાએઓ તેમના ફોન સ્વીચ ઓફ આવતા હતા. બીજી તરફ મોટા ભાગના ધારાસભ્યો તો લોકોની વચ્ચે જવાની જગ્યાએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાંથી સ્થિતી પર નજર રાખી રહ્યા હતા. હવે પૂરના પાણી ઓસરી ગયા બાદ નેતાઓ લોકોની વચ્ચે જઇ રહ્યા છે, ત્યારે તેમણે રોષનો ભોગ બનવું પડી રહ્યું છે.
મજા નહી આવે, જતા રહો
ગત મોડી સાંજે હરણી વિસ્તારમાં પહોંચેલા મહિલા ધારાસભ્ય મનીષાબેન વકીલનો લોકોએ હુર્રિયો બોલાવ્યો હતો. અને સ્પષ્ટ કહ્યું કે, જતા રહો અહિંયાથી. લોકોના આક્રોષ સામે ધારાસભ્ય તેમની ગાડી કયા રસ્તે કાઢવી તે અંગે માર્ગદર્શન આપતા નજરે પડ્યા હતા. મહિલાઓએ પણ તેમની નજીક આવીને કહ્યું, મજા નહી આવે, જતા રહો. આમ, તેમણે લોકોના ભારે રોષનો સામનો કરવો પડ્યો હતો.
ઘેરી વળીને ખરીખોટી સંભળાવી
આ ઘટના બાદ મોડી રાત્રે વોર્ડ નં – 7 ના ભાજપના કોર્પોરેટર બંદિશ શાહ સલાટવાડા વિસ્તારમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે લોકોના રોષનો ભોગ બનવું પડ્યું હતું. સ્થાનિકોએ તેમને ઘેરી વળીને ખરીખોટી સંભળાવી હતી. બાદમાં તેઓ સ્થળ છોડીને જતા રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઘટના બને તે પહેલા રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને વિધાનસભાના દંડક બાળુ શુક્લ તથા શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે પણ લોકોના રોષનો ભોગ બનવું પડ્યું હતું.
આ પણ વાંચો — VADODARA : પાલિકાના મોટા અધિકારી વિરૂદ્ધ ધારાસભ્યની મુખ્યમંત્રીને ફરિયાદ