VADODARA : વડોદરા (VADODARA) ના ભાયલી ગેંગ રેપ કેસ (BHAYLI GANG RAPE CASE) ના પાંચેય આરોપીઓ મુન્ના બનજારા, આફતાબ બનજારા, શાહરૂખ બનજારા, સૈફઅલી અને અજમલને જેલ હવાલે કરવાનો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. તપાસ એજન્સી દ્વારા આરોપીઓના બીજી વખતના મેળવેલા રિમાન્ડની મુદત પૂર્ણ થતા તેમને કોર્ટમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી હાજર કરવામાં આવ્યા હતા. જ્યાં વધુ રિમાન્ડ માંગવામાં ના આવતા તમામને જેલ હવાલે મોકલી આપવામાં આવ્યા છે. હવે તપાસ અધિકારી દ્વારા આ મામલે જલ્દી ચાર્જશીટ રજુ થાય તેવા પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
આજે પણ સીધી રીતે તેમના પગ પર ચાલી શકતા નથી
નવરાત્રીના બીજા નોરતે વડોદરાના ભાયલી વિસ્તારમાં મિત્ર સાથે બેઠેલી સગીરા પર ગેંગ રેપ આચરવામાં આવ્યું હતું. ઘટનાના 48 કલાકમાં જ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા. આ મામલે આરોપીઓની ફુલ સર્વિસ કરવામાં આવતા તેઓ આજે પણ સીધી રીતે તેમના પગ પર ચાલી શકતા નથી. ત્યારે આજે આરોપીઓના બીજી વખતના રિમાન્ડની મુદત પૂર્ણ થતા તમામને કોર્ટમાં વીડિયો કોન્ફરન્સીંગ મારફતે હાજર રાખવામાં આવ્યા હતા. જ્યાં તપાસ અધિકારી દ્વારા વધુ રિમાન્ડની માંગણી કરવામાં નહી આવતા તમામને જેલહવાલે કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
કોર્ટે તમામને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો
સરકારી વકીલ અનિલ દેસાઇએ જણાવ્યું કે, કાયદાની જોગવાઇથી, કોર્ટ, પોલીસ, તપાસ અધિકારીનો સમય બચે અને સુલેહ-શાંતિ જળવાઇ રહે તેવા આશયથી તમામને નામદાર કોર્ટ સમક્ષ રજુ કરવા માટેની પરવાનગી માંગવામાં આવી છે. તમામ આરોપીઓને વીડિયો કોન્ફરન્સ થકી કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યા છે. વધુ રિમાન્ડની માંગણી ના હોવાના કારણે, પૂરતી તપાસ થઇ ગઇ હોવાના કારણે, કોર્ટે તમામને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે. આ મામલાની તપાસમાં ઝીણવટભરી માહિતી મેળવવામાં આવી રહી છે, મેડીકલ પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે. એફએસએલનો એવીડન્સ મેળવવામાં આવી રહ્યા છે.
ગંભીર પ્રકારના ગુનાઓમાં સખત સજાની જોગવાઇ છે
વધુમાં તેમણે જણાવ્યું કે, આવા ગંભીર ગુનાઓમાં તપાસ પૂર્ણ કરીને ટુંક સમયમાં ચાર્જશીટ રજુ કરવામાં આવે તેવું નક્કી કરવામાં આવ્યું છે. મેડીકલ એવીડન્સ એકત્ર કરવાનું ચાલી રહ્યું છે. તે તમામ ચાર્જશીટનો ભાગ થશે, ત્યારે તેના પર ધ્યાન અપાશે. આ ગંભીર પ્રકારનો ગુનો છે, ગેંગ રેપ છે, કાયદો ઘડનારાઓ દ્વારા ગંભીર પ્રકારના ગુનાઓમાં સખત સજાની જોગવાઇ છે. નામદાર કોર્ટ સમક્ષ આ કેસ ચાલશે, જે પ્રકારે પુરાવાઓ રજુ થશે, તેના આધારે નામદાર કોર્ટ તેનો નિર્ણય કરશે.
આ પણ વાંચો — VADODARA : ગેંગ રેપ કેસના આરોપીઓના મોબાઇલ પોર્ન વીડિયોથી ફૂલ, 2 ના DNA મેચ