VADODARA : વડોદરા (VADODARA) માં તહેવાર ટાણે પ્રોહીબીશનના કાયદાનું ચુસ્ત પણે પાલન કરાવવા માટે શહેર પોલીસ સતત પ્રયત્નશીલ છે. તેવામાં બાપોદ પોલીસ મથક વિસ્તારમાં પોલીસ દ્વારા બાતમીના આધારે રેડ કરવામાં આવી છે. જેમાં બોલેરો પીકઅપમાંથી તેની કિંમત કરતા વધારેની કિંમતનો દારૂ તેમાંથી ઝડપાયો છે. સમગ્ર કાર્યવાહીમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
બે જવાનોને સંયુક્ત બાતમી મળી હતી
હવે તહેવારોની મોસમ ખીલશે. વડોદરામાં ગણેશોત્સવની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તેવામાં શહેરમાં પ્રોહીબીશનના કાયદાની અમલવારીને લઇને પોલીસ તંત્ર સતર્ક રહીને કામગીરી કરી રહી છે. જેની સાબિતી આપતી ઘટના સામે આવવા પામી છે. બાપોદ પોલીસ મથક વિસ્તારમાં દારૂના જથ્થાની હેરાફેરી કરતા તથા તેનું વેચાણ કરતા અસામાજીક તત્વોને શોધી કાઢવા માટે પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અને લોકરક્ષકને સંયુક્ત બાતમી મળી કે, બિજેન્દર ઉર્ફે લલીત શર્મા (રહે. હરીયાણા) એ તેની બોલેરો પીક અપ ગાડીમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો સંતાડીને આજવા રોજ થઇ સરદાર એસ્ટેટમાં ઉતારવાનો છે. પોલીસની ટીમે તે આધારે કાર્યવાહી કરતા સફળતા મળી છે.
કારની કિંમત કરતા તેમાંથી મળેલા દારૂની કિંમત ઉંચી
પોલીસ કાર્યવાહીમાં સપ્લાયર બિજેન્દર ઉર્ફે લલીત ઇશ્વરસિંગ શર્મા (રહે. હરીયાણા) ની ધરપકડ કરીને કારમાંથી રૂ. 5.28 લાખનો દારૂનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અને રૂ. 5 લાખની કિંમતની કાર તથા રૂ. 5 હજારનો મોબાઇલ ફોન જપ્ત કર્યો છે. આ મામલે કારની કિંમત કરતા તેમાંથી મળેલા દારૂની કિંમત ઉંચી જવા પામે છે.
બે વોન્ટેડ જાહેર
આ કાર્યવાહીમાં પોલીસે બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. તે પૈકી દારૂનો જથ્થો મોકલનાર નવીન જાટ (રહે. 110, સેક્ટર, ગુરૂગ્રામ) અને દારૂનો જથ્થો લેનાર અજાણ્યો ઇસમ છે. પોલીસે ઉપરોક્ત કાર્યવાહીમાં કુલ મળીને રૂ. 10.33 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ પણ વાંચો — VADODARA : મહિલા નેતા વિરૂદ્ધ બળાપો કાઢનાર પૂર પીડિત વેપારીને જામીન