- ખારીના ચકચારી હત્યા કેસમાં યુગલ 10 દિવસના રિમાન્ડ પર
- પોલીસ જુદા જુદા સ્થળ પર યુગલને લઈને તપાસ કરશે
- પ્રેમને પામવા માટે પ્રેમી યુગલે કર્યું મોટું કારસ્તાન
Bhuj: ભુજ તાલુકાના ખાવડાના ખારી ગામના વૃધ્ધની પ્રેમ પ્રકરણમાં હત્યા કરી સળગાવી દેવાના બનાવમાં યુગલને ભુજ કોર્ટે દસ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. કેસની મળતી વિગતો મુજબ ખારી ગામે પરણેલી રામી કાનાડેભા આહિર (ચાડ) અને ખારી ગામે જ રહેતા અનિલ ગોપાલભાઇ વિશ્રામભાઇ ગાગલ (ઉ.વ.26) વચ્ચે પ્રેમ સબંધ હતો. રામીએ અનિલને કહ્યું હતું કે, તું મને મૃત જાહેર કરી દેતો, હું તારી પાસે આવી જાઉ. જેથી છેલ્લા એક મહિનાથી આરોપી અનિલ બિન વારસુ લાશની શોધખોળ કરતો હતો.
પોતાના પ્રેમ માટે કરી દીધી વૃદ્ધની હત્યા
દરમિયાન ત્રણ જુલાઇની રાત્રે હમીરસર તળાવ પાસે બાંકડા પર બેઠો હતો. ત્યારે બાજુના બાંકડા પર વૃધ્ધ માણસ બેઠો હતો તેને અનિલે નામ ઠામ પુછતાં તેણે પોતાનું નામ ભરત પ્રતાપભાઇ ભાટીયા હોવાનું જણાવ્યું હતું. અને તે પરિવારમાં કોઇ ન હોઇ એકલવાયું જીવન વિતાવતા હોવાનું જણાવતાં આરોપી અનિલને તેમનો પીછો કરીને જે જગ્યાએ હતભાગી ભરતભાઇ સુતા હતા. ત્યાંથી મોડી રાત્રીના ઇકો કારમાં અપહરણ કરીને ભોજરડો અને છછીના રણમાં લઇ જઇ ગળે ટુંપો આપીને હત્યા નીપજાવ્યા બાદ ખારી ગામે રામીને ફોન કરીને જાણ કર્યા બાદ ખારી ગામે આરોપીના વાડામાં વૃધ્ધની લાશને ઉતારી તેમના પર કચરો નાખી ઢાંકી દીધી હતી.

મૃતક વૃધ્ધનો સ્કેચ
પોતે આત્મહત્યા કરે છે તેવા બે વીડિયો પણ બનાવ્યા હતા
બાદમાં પ્લાન મુજબ રામીએ 19 જુનના પોતે જિંદગીથી કંટાળી ગઇ છું અને તમને મારા પર જે અપેક્ષાઓ છે. તે હું પુરી કરી શકુ તેમ નથી મને માફ કરજો તેવા વીડિયો બનાવ્યો હતો. 5 જુલાઇના રોજ રામીએ પોતાના પિતા સાકરાભાઇને મોકલીને પૂર્વ પ્લાન પ્રમાણે 5 જુલાઇના સવારે સાડા અગ્યાર વાગ્યે લાશને આરોપી તેના વાડામાંથી બાજુમાં આવેલા કાના કરશન ચાડના વાડામાં લાશને લઇ જઇને અનિલ અને રામીએ મૃત વૃધ્ધને લાકડાની ભારી પર મુકી ડીઝલ નાખીને સળગાવી ચિતામાં રામીએ પોતાના કપડા, ઝાજર, બંગડી અને બાજુમાં મોબાઇલ ચંપલ મુકી બન્ને આરોપીઓ મોટર સાયકલ પર નાશી જઇને રવેચી ગયા હતા.
આ પણ વાંચો: Gujarat Police અને Delhi Police નું સંયુક્ત ઓપરેશન, અંકલેશ્વરમાંથી 5 હજાર કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું
હત્યા કરી પિતાની માફી માંગવા માટે આવી પણ…
અહીં એક રાત રોકાયા બાદ બીજા દિવસે આરોપી અનિલ મૃતજાહેર કરાયેલી રામીના બેસણામાં ખારી ગામે આવ્યો હતો. ત્યાં આરોપી અનિલ અને રામી બન્ને જણાઓ એક મહિનો ભાણવડ તાલુકાના કબરખા ગામે રહ્યા હતા. ત્યાર બાદ ભુજ (Bhuj) ખાતે ઉમેદનગર કોલોનીમાં મકાન ભાડે રાખી રહ્યા હતા. દરમિયાન ગુનો કર્યાના પશ્ચયાતાપમાં રામી 27 સપ્ટેમ્બરની રાત્રે નાડાપા ગામે રહેતા તેમના પિતા સાકરાભાઇ કરમણભાઇ કેરાસીયાને મળવા ગઇ હતી અને માફી માંગતા રડી પડી હતી.
આખરે પોલીસે હત્યારા પ્રેમી યુગલને કર્યા જેલ ભેગા
નોંધનીય છે કે, સાકરાભાઇએ દીકરીને સ્વીકારવાની ના કહી પોલીસમાં હાજર થઇ જવાનું કહેતા રામી અને તેનો પ્રેમી અનિલ નાસી ગયા હતા. ખાવડા પોલીસે રાપર વિસ્તારમાંથી પ્રેમી યુગલને પકડી પાડ્યા બાદ સમગ્ર બનાવ પરથી પડદો ઉંચકાયો હતો. આરોપી અનિલની પુછપરછમાં અજાણ્ય વૃધ્ધની ઓળખ મેળવવા ખાવડા પોલીસે તપાસ કરી હતી. દરમિયાન ભુજ (Bhuj)માં જે દુકાન નીચે અજાણ્યો વૃધ્ધ સુતો હતો તે દુકાન શિવમ ટ્રેડર્સના માલિકની મદદથી મૃતક વૃધ્ધનો સ્કેચ તૈયાર કરાયો હતો. જે સ્કેચ પરથી મરણજનારના ભાઇ નરેશભાઇ પ્રતાપભાઇ ગાંધી (ભાટીયા) રહે ગણેશનગર ભુજએ મરણ જનાર તેમના ભાઇ ભરતભાઇ પ્રતાપભાઇ ભાટીયા (ઉ.વ.72) મુળ માનકુવાના હાલ ભુજ રહેતા હોવાની ઓળખ પોલીસને આપી હતી.
આ પણ વાંચો: Diu: મધ દરિયે ડૂબી વણાકબારાની ફાયબર બોટ, ડૂબતી બોટની ઘડીનો સામે આવ્યો Video
આ તમામ બાબતો સામે આવતા ખાવડા પોલીસે આરોપી રામી અને તેના પ્રેમી અનિલ ગાગલ સામે હત્યાની કલમ તળે ગુનો નોંધ્યો હતો. પોલીસે બન્નેને ભુજની કોર્ટમાં રજૂ કરતા 10 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. રિમાન્ડ દરમિયાન બન્ને યુગલ કઈ કઈ જગ્યાએ ગયા હતા. તેને સાથે રાખીને પોલીસ તપાસ કરશે. આ લોકોએ કોઈ ફિલ્મી કહાનીને જેમ પ્રેમને પામવા માટે નિર્દોષ વૃદ્ધની હત્યા કરી દીધી હતી.