SABARKANTHA : સાબરકાંઠા (SABARKANTHA) અને અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકો આખુ વર્ષ સાબરડેરીમાં દૂધ ભરાવ્યા બાદ વર્ષ આખરે સાબરડેરી દ્વારા ભાવફેરની રકમ ચુકવવામાં આવે છે ત્યારે આ વર્ષે બંને જિલ્લાના દૂધ ઉત્પાદકોને અંદાજે રૂ.૬૦ર કરોડ ચુકવાશે જે સ્થાનિક મંડળીઓના ખાતામાં તા.ર ઓગસ્ટના રોજ જમા આપી દેવામાં આવશે. જોકે થોડાક દિવસ અગાઉ દૂધ ઉત્પાદકોને ચુકવાયેલ હંગામી ભાવફેરની રકમનો સમાવેશ કરી દેવાયો છે એમ બુધવારે સાબરડેરી દ્વારા યોજાયેલી ખાસ સામાન્ય સભામાં જાહેરાત કરાઈ હતી. જોકે સાધારણ સભા પૂર્ણ થયા બાદ કેટલાક લોકોએ ઓછી રકમ મળી હોવાના આક્ષેપ સાથે હોબાળો કરીને ડેરીના એક ડીરેકટરને ઘેરી લીધા હતા.
ભાવફેરની રકમ ચુકવવામાં વિલંબ થયો
આ અંગે ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશન અને સાબરડેરીના ચેરમેન શામળભાઈ પટેલ તથા એમડી સુભાષભાઈ પટેલ તથા અન્ય ડીરેકટરોના જણાવાયા મુજબ સાબરડેરીના ચેરમેનની ચુંટણીનું કોકડું ગુંચવાયેલુ હોવાને કારણે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાવફેરની રકમ ચુકવવામાં વિલંબ થયો હતો પરંતુ ડેરીના ચેરમેન અને ડીરેકટરોએ સહકારી કાયદાના જાણકારોને મળી સલાહ મેળવ્યા બાદ ખાસ સાધારણ સભા બોલાવવાનું નક્કી કરાયા બાદ બુધવારે સાબરડેરીના ઓડીટોરીયમમાં સાધારણ સભા યોજાઈ હતી. જેમાં બંને જિલ્લાના સ્થાનિક મંડળીઓના પ્રતિનિધિઓની હાજરીમાં સાધારણ સભાની કાર્યવાહી શરૂ થઈ હતી.
પોષણક્ષમ ભાવ ચુકવ્યા
જેમાં એમડીએ દૂધ સંઘે કરેલે પ્રગતિ અને સિધ્ધીઓની છણાવટ કર્યા બાદ જણાવ્યુ હતુ કે વર્ષ દરમ્યાન સાબરડેરીએ દૈનિક દૂધનું સંપાદન ભુતકાળના વર્ષો કરતાં વધુ કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. તેમજ આખુ વર્ષ સાબરડેરીએ દૂધ ઉત્પાદકોને અંદાજે રૂ.૮પ૦નો પોષણક્ષમ ભાવ ચુકવ્યા છે તેમ છતાં વર્ષ આખરે સરેરાશ પ્રતિ કિલો ફેટ દૂધના ભાવ રૂ.૯૯૦ પ્રમાણે રહ્યા છે. આમ કિલો ફેટે રૂ.૧૪૦ પ્રમાણે ભાવફેર ચુકવાશે. ચાલુ વર્ષે સાબરડેરી દ્વારા બંને જિલ્લાના દૂધ ઉત્પાદકોને અંદાજે રૂ.૬૦ર કરોડ મળવાપાત્ર છે.
ઓછી ચુકવાઈ હોવાનું માનીને હોબાળો
વધુમાં જણાવાયા મુજબ સરેરાશ પ્રતિ કિલો ફેટ દૂધના ભાવ રૂ.૯૩૩ની સામે પ્રતિ કિલો ફેટે રૂ.પ૭ વધુ ભાવો ચુકવ્યા છે. તો બીજી તરફ સાધારણ સભા પૂર્ણ થયા બાદ કેટલાક ઉપસ્થિત લોકોએ પોતાનો મત વ્યક્ત કરીને ભાવફેરની રકમ ઓછી ચુકવાઈ હોવાનું માનીને હોબાળો કર્યો હતો પરંતુ મોટાભાગના સભાસદોએ સાધારણ સભાની કાર્યવાહીમાં સંતોષ વ્યક્ત કર્યો હોવાથી આ હોબાળાને મોટાભાગના લોકોએ ધ્યાને લીધો ન હતો.
સાબરડેરીએ દૈનિક પ૧.૧૩ લાખ કિલો દૂધ સંપાદન કર્યું
વર્ષ દરમ્યાન સાબરડેરી દ્વારા બંને જિલ્લાની સ્થાનિક મંડળીઓના માધ્યમથી દૂધ ઉત્પાદકોએ ભરાવેલ દૂધ સાબરડેરીમાં મોકલી આપ્યુ છે ત્યારે આ વષેઐતિહાસિક રીતે દૈનિક અંદાજે પ૧.૧૩ લાખ કિલો દૂધ સંપાદન કર્યુ હોવાનો દાવો કરાયો છે. રોજબરોજ સ્થાનિક ડેરીઓમાં લગાવાયેલ બીએમસી યુનિટમાં ઠંડુ કરાયેલુ દૂધ ટેન્કરો મારફતે સાબરડેરીમાં લવાઈ રહયુ છે ત્યારે અત્યારે દૈનિક ૩૩.પ૩ લાખ કિલો દૂધનું સંપાદન કરવામાં આવે છે.
અહેવાલ – યશ ઉપાધ્યાય, સાબરકાંઠા
આ પણ વાંચો — BHARUCH : ઢોર અને ગંદકી મુદ્દે વિપક્ષ અને સત્તાપક્ષ વચ્ચે ભારે તુતુ મેમે