SABARKANTHA : ઈડર (IDAR – SABARKANTHA) તાલુકાના કડીયાદરા ગામની એક યુવતીના લગ્ન કેશરપુરા ગામે રહેતા એક પરિવારના યુવાક સાથે કરાયા બાદ છેલ્લા સાતેક મહિનાથી મહિલાના પતિ તથા સાસુએ તુ ભીખારી બાપની દિકરી છે કરીયાવરમાં કઈ લાવી નથી. તેવા મ્હેણા મારી લગ્નમાં થયેલ ખર્ચ પેટે રૂ.પ લાખની માંગણી કરી છુટાછેડા આપી દેવાની ધમકી આપી, આ મહિલાને કેશરપુરાથી તેણીના પિયર કડિયાદરા ખાતે મોકલી દેતાં, આ યુવતીએ પતિ અને સાસુ વિરૂધ્ધ સોમવારે ઈડર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
ઝઘડો કરી શારિરીક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું
આ અંગે કડિયાદરા ગામે પિયરમાં રહેતા સુમિત્રાબેન પ્રભુદાસ ચેનવાએ નોંધાવેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ તેણીના લગ્ન કેશરપુરા ગામે રહેતા યોગેશકુમાર નરસિંહભાઈ ચેનવા સાથે કરાયા હતા દરમ્યાન લગ્નના સાત મહિના પછી તેણીના સાસુ જયોત્સનાબેન ચેનવા અને પતિ યોગેશકુમાર ચેનવા દ્વારા નાની-નાની બાબતોમાં ઝઘડો કરી સુમિત્રાબેનને શારિરીક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતુ. તેમ છતાં સુમિત્રાબેન લગ્ન જીવન બગડે નહીં તે માટે સહન કરતા હતા.
પિયરમાંથી લઈ આપ નહીંતર છુટાછેડા આપી દે
પરંતુ સુમિત્રાબેનના પતિ અને સાસુ જયોત્સનાબેન એવુ કહેતા હતા કે તુ ભીખારી બાપની દિકરી છે, કરીયાવરમાં કઈ લાવેલ નથી તેમ કહી મારઝુડ કરવામાં આવતી હતી તથા જયોત્સનાબેને એવુ કહયુ હતુ કે મારા દિકરાના લગ્નમાં રૂ.પ લાખનો ખર્ચ થયો છે જે પિયરમાંથી લઈ આપ નહીંતર છુટાછેડા આપી દે, તેમ કહી ગડદાપાટુનો માર મારવામાં આવ્યો હતો અને આજે તો બચી ગઈ છે પરંતુ એકલી મળીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી પતિ અને સાસુએ સુમિત્રાબેનને ઘરેથી કાઢી મુક્યા હતા. જેથી સુમિત્રાબેનએ પિયર કડિયાદરા ખાતે આવી પતિ અને સાસુ વિરૂધ્ધ સોમવારે ઈડર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
અહેવાલ — યશ ઉપાધ્યાય, સાબકરાંઠા
આ પણ વાંચો — Banaskantha : લો બોલો! સાઇબર પોલીસે દરોડો પાડીને દારૂ પકડ્યો, ડીસા પોલીસ ઊંઘતી ઝડપાઈ