- ગટર અને વરસાદી પાણી વચ્ચે રહેતા સ્થાનિકો
- વરસાદી પાણીનો જમાવડો થતાં અસહ્ય ગંદકીનું સામ્રાજ્ય
- વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે પાણીનો જમાવડો
Panchmahal: ચોમાસામાં વરસાદી પાણી શહેરી વિસ્તારોમાં રહેણાંક વિસ્તારોમાં ભરાવાના દ્રશ્યો ઠેક ઠેકાણે જોવા મળતા હોય છે. વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે તંત્ર દ્વારા મોટું બજેટ ફાળવીને પ્રિ-મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. પરંતુ પંચમહાલ (Panchmahal) જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં વસ્તી બાહુલ્ય ધરાવતા એવા કેટલાય વિસ્તારો છે જે છેલ્લા કેટલાય વર્ષોથી પ્રિ-મોન્સૂન કામગીરી ની રાહ જોઈ રહ્યા છે. પરંતુ ગોધરા શહેરના ખાડી ફળિયા વિસ્તારમાં આવેલી ગાયત્રી નગર, રામેશ્વર નગર સોસાયટી, ચિત્રા ખાડી ફળીયાના વિસ્તારોમાં ચોમાસાના પાણીનો નિકાલના અભાવે ગટર ઉભરવતા ગટરનો અને વરસાદી પાણીનો જમાવડો થતાં અસહ્ય ગંદકીનું સામ્રાજ્ય ઉભું થયું છે.
વરસાદી પાણીનો જમાવડો થતાં અસહ્ય ગંદકીનું સામ્રાજ્ય
આવી સ્થિતિના કારણે અહીંના રહીશોમાં પાલિકા તંત્રની રેઢિયાળ નીતિ સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે અને રોગચાળો ફાટી નીકળવાની ચિંતા સાથે પાણીના જમાવડા વચ્ચે પોતાનો જીવન જીવી રહ્યા છે. પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક ગોધરા અંદાજિત 2 લાખ ઉપરાંતની વસ્તી ધરાવતું શહેર છે. અહીંની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે, મોટાભાગના વિસ્તારો નીચાણ વાળા છે, જેને લઇ દરેક ચોમાસામાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી મકાનોમાં ભરાઈ જાય છે. ગોધરાના ખાડી ફળિયા, આશાદીપ સોસાયટી, ચિત્રા ફળિયા, ગાયત્રી નગર આ એવા વિસ્તારો છે. જે ચોમાસામાં વરસાદી પાણી ભરાવાને લઇ જાણે કોઈ આયલેન્ડ હોય તેવી સ્થિતિમાં આવી જતા હોય છે. ભૂતકાળમાં આ વિસ્તારોમાં તો કેટલીક વખત વધારે વરસાદમાં લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવાની સ્થિતિ પણ ઉદ્યભવી છે.
આ પણ વાંચો: રોફ દેખાડવા માટે ખરીદ્યા હથિયારો, દેશી પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે બે યુવકો ઝડપાયા
વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે પાણીનો જમાવડો
સ્થાનિક લોકોના આક્ષેપો છે કે, આ વિસ્તારોમાં આજદીન સુધી ગોધરા (Panchmahal) નગર પાલિકા દ્વારા સફાઈ કે પ્રિ મોન્સૂનની કામગીરી કરવામાં આવતી નથી. ગોધરા શહેરના ખાડી ફળીયા વિસ્તારમાં આવેલા રામેશ્વર નગર સોસાયટી, ગાયત્રી સોસાયટી ચિત્રાખાડી ફળીયા વિસ્તારમાં વર્ષોથી વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે પાણીનો જમાવડો થઈ રહ્યો છે. પાલિકા તંત્રને આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો કાયમી ધોરણે હલ લાવવામાં આવતો નથી. વળી ગોધરા (Panchmahal) પાલિકાના સત્તાધિશો દ્વારા અહીંના સ્થાનિકોને જ્યારે જ્યારે રજૂઆત કરવામાં આવે ત્યારે પાઇપલાઇન મારફતે પાણીના નિકાલની ખાતરી આપી સાંત્વના આપવામાં આવતી હોય છે પરંતુ જેના બાદ પરિસ્થિતિ યથાવત જોવા મળતાં રહિશો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.
ચોમાસામાં રોગચાળો ફેલાવાનો સૌથી વધુ ભય
ગોધરાના સૌથી નીચાણવાળા વિસ્તારો છે જ્યાં ચોમાસામાં લોકોની હાલત થઇ જતી હોય છે. અહીંના રહેવાસીઓ ભારે વરસાદમાં પોતાના ઘરના ધાબા પર રહેવા માટે મજબુર બને છે અને ઘરના નીચલા ભાગમાં જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળે છે. દર ચોમાસામાં અહીંની ગટરો અને ખાડ કુવા ઉભરાઈ જતા હોય ગંદકી પણ અસહ્ય થઇ જાય છે. ચોમાસામાં રોગચાળો ફેલાવાનો સૌથી વધુ ભય આ વિસ્તારોમાં ઉદ્ભવે છે. આ વિસ્તાર ચોમાસામાં જાણે શહેરથી વિખૂટો પડી જતો હોય તેમ ગોધરા નગર પાલિકાઆ વિસ્તાર પ્રત્યે ઉપેક્ષા સેવતી જોવા મળે છે. આ વિસ્તારમાં પાણીના નિકાલ માટે કોઈ જ યોગ્ય વ્યવસ્થા જ નથી કેટલીક જગ્યાએ નાળા માત્ર નામ પૂરતા જ મુકવા માં આવ્યા છે.
આ પણ વાંચો: પોલીસ-પાલિકાના સંયુક્ત દરોડામાં 100 કિલોથી વધુનુ શંકાસ્પદ ઘી ઝડપાયું
પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ
નગર પાલિકાના ચૂંટાયેલા સત્તાધીશો કે પાલિકાના કર્મચારીઓ કોઈ પણ આજદિન સુધી વિસ્તારની હાલત જોવા માટે આવતા નથી. સ્થાનિક લોકો આક્ષેપો કરી રહ્યા છે કે, પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ થાય છે અને તેના નામે મોટો ભ્રષ્ટાચાર થાય છે. હાલ અહીંના રહેણાંક મકાનોની આગળ જમાવડો થયેલા વરસાદીના પાણીને લઈ હાલ અસહ્ય અને પારાવાર ગંદકીનું સામ્રાજ્ય તથા મચ્છરનો ઉપદ્રવ થઈ ગયો છે. જેથી અહીં વસવાટ કરતાં રહીશોની હાલત ખૂબ જ કફોડી બનવા સાથે બાળકો મચ્છરજન્ય બીમારીઓના લપેટમાં આવવાની દહેશત વચ્ચે શાળાએ અભ્યાસ કરવા જવા માટે મજબૂર બન્યા છે.
દૂષિત પાણી વચ્ચે સૌ રહેવા અને પસાર મજબૂર બન્યા
અહીં દૂષિત પાણી ઠેરઠેર ભરાઈ ગયું છે અને રહેણાંક મકાન બહાર આંતરિક માર્ગો ઉપર દૂષિત પાણી વચ્ચે સૌ રહેવા અને પસાર થવા મજબૂર બન્યા છે. આ વિસ્તારમાં મચ્છરનો ખુબ જ ઉપદ્રવ થવાથી હાલ 13 બાળકો બીમાર છે જે પૈકી બે બાળકોના સારવારમાં શંકાસ્પદ ડેન્ગ્યૂની અસર થી મૃત્યુ નીપજ્યાં છે. આ વિસ્તારમાં હિન્દૂ અને મુસ્લિમ બંને સમાજના રહીશો વસવાટ કરી રહ્યા છે જે પૈકી મહત્તમ પરિવારો મજૂરી કરી પોતાનો જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે. શુક્રવારે એક 13 વર્ષની બાળકીનું મોત નીપજ્યું હતું જેની દફનવિધિ માટે જનાજો મસ્જિદ ખાતે લઈ જવા માટે દૂષિત પાણી ભરેલા માર્ગ સિવાય કોઈ વિકલ્પ નહી હોવાથી સૌ અહીંથી પસાર થવા મજબૂર બન્યા હતા.
આ પણ વાંચો: બનાસકાંઠા બાદ Kheda ની શાળામાંથી શિક્ષિકા ‘છૂમંતર’! NOC વિના જ વર્ષથી વિદેશમાં હોવાનો ઘટસ્ફોટ
દૂષિત પાણીના નિકાલ માર્ગની યોગ્ય કામગીરી થઈ નથી
અહીં દૂષિત પાણી ભરેલા હોવાથી સાપ,ભૂંડ અને શ્વાનનો જમાવડો રહે છે. વધુ વરસાદની સ્થિતિમાં બાળકો શાળા એ પણ જઈ શકતા નથી એમ સ્થાનિકો જણાવી રહ્યા છે. વારંવાર Panchmahal નગરપાલિકામાં રજુઆત કરી છે પરંતુ આજદિન સુધી દૂષિત પાણીના કાયમી નિકાલ માર્ગની યોગ્ય કામગીરી થઈ નથી. અહીં ભૂગર્ભ ગટરની લાઇન નાંખવામાં આવી છે. જેનું દૂષિત પાણી બહાર નીકળી પીવાના પાણી માં ભળી રહ્યું હોવાથી રોગચાળાની દહેશત પણ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે. અહીંના રહીશો નિરાશ વદને જણાવી રહ્યા છે કે, દૂષિત પાણી વચ્ચે અમે સહન કરીને જીવી રહ્યા છે પણ મોત નો મલાજો જળવાય એટલું તો જરા વિચારવામાં આવે અને મસ્જિદ, મંદિર જવાના માર્ગો ઉપર પાણીનો નિકાલ કરાવવામાં આવે એવી સરકાર અને તંત્રને વિનંતી કરી રહ્યા છે. આ સાથે જ સમગ્ર મામલે અહીંના સ્થાનિકો દ્વારા નગર પાલિકાના સત્તાધીશોને વારંવાર રજૂઆત કરવા છતાં કાયમી ધોરણે કોઈ નિકાલ લાવવામાં નહીં આવતાં અહીંના રહીશો ખૂબ જ રોષે ભરાયેલી હાલતમાં જોવા મળી રહ્યા છે.
અહેવાલ: નામદેવ પાટીલ, પંચમહાલ
આ પણ વાંચો: World Lion Day : કેમ ઊજવાય છે ‘વિશ્વ સિંહ દિવસ’? જાણો ઇતિહાસ, મહત્ત્વ અને સિંહ વિશે રસપ્રદ વાતો