+

GONDAL : જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓને રૂ. 3.31 કરોડની સહાયનું વિતરણ

GONDAL : બહેનોને રોજગારી માટે સિલાઈ મશીન, બ્યુટી પાર્લરના સાધનો, ઉપરાંત આવાસની ચાવી, સ્વ સહાય જૂથોને નાણાકીય સહાયના ચેક, જમીનની સનદ વગેરેનું વિતરણ કરાયું. રાજ્યના ગરીબ કલ્યાણ મેળાના ૧૪મા તબક્કા…

GONDAL : બહેનોને રોજગારી માટે સિલાઈ મશીન, બ્યુટી પાર્લરના સાધનો, ઉપરાંત આવાસની ચાવી, સ્વ સહાય જૂથોને નાણાકીય સહાયના ચેક, જમીનની સનદ વગેરેનું વિતરણ કરાયું. રાજ્યના ગરીબ કલ્યાણ મેળાના ૧૪મા તબક્કા અંતર્ગત આજે રાજકોટ જિલ્લાકક્ષાનો (RAJKOT DISTRICT) ગરીબ કલ્યાણ મેળો જિલ્લા પંચાયતના અધ્યક્ષ પ્રવીણાબહેન રંગાણીની અધ્યક્ષતામાં, ગોંડલ (GONDAL) ના નવા માર્કેટિંગ યાર્ડ ખાતે યોજવામાં આવ્યો હતો. આ મેળામાં ૨૨૯૬ વ્યક્તિગત લાભાર્થીઓને વિવિધ યોજનાઓ અંતર્ગત રૂપિયા ત્રણ કરોડ ૩૧ લાખ વધુની રકમની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ગરીબોના જીવનમાં સૂર્યોદય લાવવાનું કામ

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર લાભાર્થીઓને સંબોધતા રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ પ્રવિણાબહેન રંગાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી આજે જનકલ્યાણનો સેવાયજ્ઞ ચાલી રહ્યો છે. રાજ્યમાં આજે ગરીબ કલ્યાણ મેળા થકી સરકારની વિવિધ યોજનાઓના લાભ નાગરિકોને હાથોહાથ પહોંચાડીને, ગરીબોના જીવનમાં સૂર્યોદય લાવવાનું કામ થઈ રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાની સહાય થકી લાભાર્થીઓના જીવનને નવી દિશા મળશે તેવી શુભકામના પણ તેમણે પાઠવી હતી.

૨૨૯૬ લાભાર્થીઓને મળી સહાય

આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ સ્વાગત પ્રવચન કરીને સૌને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સરકારી યોજનાના વ્યક્તિગત લાભાર્થીઓને એક જ સ્થળેથી યોજનાના લાભો પારદર્શી રીતે મળી રહે, તેમને ક્યાંય ધક્કા ખાવા ન પડે તેના શુભ આશયથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના શાસનકાળમાં ગરીબ કલ્યાણ મેળા શરૂ કરાવ્યા હતા. જેનો આજે ૧૪મો તબક્કો છે. રાજકોટ જિલ્લામાં વિવિધ વ્યક્તિલક્ષી યોજનાઓ અંતર્ગત આશરે ૪૮ હજાર લાભાર્થીઓને રૂપિયા ૧૦૮ કરોડની રકમની સહાયના લાભ અપાઈ રહ્યા છે. જે અંતર્ગત આજે રાજકોટ જિલ્લામાં ૨૨૯૬ લાભાર્થીઓને વ્યક્તિલક્ષી યોજનાના લાભો હેઠળ રૂ.૩.૩૧ કરોડની સહાય અપાઈ રહી છે.

પ્રોત્સાહન યોજના હેઠળ હેઠળ નાણાકીય સહાયનો હુકમ વગેરેનું વિતરણ

બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પ્રવચન, રાજ્યના જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના પ્રવચનનું અહીં લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ મેળામાં મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થી બહેનોને રોજગારી માટે સિલાઈ મશીન, કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ રૂ.૧૨ હજારની સહાયના ચેક, ભરતકામના સાધનો, અથાણાં બનાવટના સાધનો, પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના હેઠળ સહાયનો ચેક, પંડીત દીનદયાળ આવાસ યોજના હેઠળ ઘરની ચાવી, સ્વ સહાય જુથોને વિવિધ નાણાકીય સહાયના ચેક, બ્યુટી પાર્લરની કીટ, ૧૦૦ ચોરસ વારના પ્લોટની સનદ, આયુષ્યમાન કાર્ડ, કૃત્રિમ બીજદાનથી જન્મેલી વાછરડીની પ્રોત્સાહન યોજના હેઠળ હેઠળ નાણાકીય સહાયનો હુકમ વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અગ્રણીઓ હાજર રહ્યા

આ કાર્યક્રમના આખરમાં ગોંડલ પ્રાંત અધિકારી રાહુલ ગમારાએ આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. નવનાથ ગવ્હાણે, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબહેન ગોહિલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી -પંચાયત જય ગોસ્વામી, નાયબ વન સંરક્ષક તુષાર પટેલ, જિલ્લા વાહન વ્યવહાર અધિકારી કેતન ખપેડ, રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન પી.જી. કયાડા, રાજકોટ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજુભાઈ ડાંગર, ગોંડલ તાલુકા પંચાયતના પ્રમુખ હિનાબેન ઢોલરીયા, ગોંડલ નગરપાલિકાના ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા, ગોંડલ નગરપાલિકાના ઉપપ્રમુખ કાન્તાબેન, ગોંડલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ડિરેક્ટર પ્રફુલભાઈ ટોળીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

લાભો સરળતાથી મળે છે તે સુનિશ્ચિત કર્યું

આ મેળામાં રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓની માહિતી આપતા વિવિધ સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા. કાર્યક્રમ બાદ મહાનુભાવોએ અહીં વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી અને સરકારી યોજનાઓના સહાયની વિતરણની કામગીરીની સમીક્ષા કરી હતી અને લાભાર્થીઓને સરકારી યોજનાનો લાભો સરળતાથી મળે છે તે સુનિશ્ચિત કર્યું હતું. અહીં વિવિધ સ્ટોલ પર લાભાર્થીઓ યોજનાની સહાય માટેના ફોર્મ પણ ભરીને જમા કરાવતા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

અહેવાલ – વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો — SURAT : ગ્રામ્ય પોલીસ અધિકારીઓ આંતરષ્ટ્રીય એવોર્ડથી નવાજાયા

Whatsapp share
facebook twitter