GONDAL : આવતીકાલથી માં શક્તિના આરાધનાના પર્વ નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. નવરાત્રીમાં પ્રાચીન – અર્વાચીન તેમજ કોમર્શિયલ રાસ ગરબા રમવા માટે નાની બાળાઓ થી લઈને મોટા ખૈલાયાઓ થનગની રહ્યા છે. ત્યારે ગરબી સંચાલકો અને દાંડિયા રાસ ના આયોજકો તૈયારીને લઈને આખરી ઓપ આપી રહ્યા છે. ત્યારે આજરોજ ગોંડલ સીટી (GONDAL CITY) એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે DYSP કે.જી. ઝાલા સીટી એ અને બી ડિવિઝન PI એ.સી. ડામોર અને જે.પી. ગોસાઈની અધ્યક્ષતામાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોલીસ દ્વારા નવરાત્રિને લઈને ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવશે
ગોંડલ શહેરમાં નવરાત્રી તહેવારની ઉજવણી શાંતિ પૂર્ણ માહોલમાં થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેને લઈને ગોંડલ સીટી એ તથા બી ડિવિઝન વિસ્તારમાં કુલ 28 પ્રાચીન ગરબીઓ તેમજ અર્વાચીન અને કોમર્શિયલ રાસ ગરબાના આયોજનમાં સીટી એ અને બી ડિવિઝનના 200 પોલીસ કર્મચારીઓ ખડેપગે રહેશે તેમજ મહિલાઓની સુરક્ષા માટે શી ટીમ ની પણ રચના કરવામાં આવી છે. નવરાત્રી દરમ્યાન DYSP, PI, PSI દ્વારા રાઉન્ડ ધ ક્લોક સમગ્ર શહેરમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવશે.
નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે માટે મિટિંગ યોજાઈ
ગોંડલ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલ અયોજકોની મિટિંગમાં DYSP કે.જી. ઝાલા એ જણાવ્યું હતું કે નવરાત્રી દરમ્યાન સારી વ્યવસ્થા જળવાઈ રહે તેમજ તમામ નિયમોનું ચુસ્તપણે પાલન થાય અને ખાસકરીને મહિલાઓની સુરક્ષાને ધ્યાને રાખી પ્રાચીન – અર્વાચીન તેમજ કોમર્શિયલ ગરબાઓમાં સ્થળ પર ખાનગી કપડામાં મહિલા પોલીસ બંદોબસ્ત પેટ્રોલિંગ પોલીસ બંદોબસ્ત સાથે સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવનાર છે. અર્વાચીન ગરબાનું આયોજન કરનાર આયોજકોને ગરબા રમવા આવતા લોકો માટે અલગથી પાર્કિંગ વ્યવસ્થા કરવાની સૂચના આપવામાં આવી હતી. જે ગરબી સ્થળો કે જ્યાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય તેવા સ્થળોએ ફિક્સ પોઇન્ટ પોલીસ બંદોબસ્ત તથા પેટ્રોલિંગ કરવામાં આવશે. એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલ મિટિંગમાં સામાજિક સંસ્થાના આગેવાનો તેમજ પ્રાચીન તેમજ અર્વાચીન અને કોમર્શિયલ રાસ ગરબાના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ – વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો — Chhota Udepur : નવરાત્રીમાં અભયમની ટીમ મદદ, માર્ગદર્શન અને બચાવ માટે તૈનાત રહેશે