Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સુત્રાપાડાના ગોરખમઢી ગામે SMCના દરોડા

11:29 AM Jun 18, 2024 | Vipul Pandya

SMC Raid : રાજ્યમાં દારુબંધી હોવા છતાં વર્ષે કરોડો રુપિયાનો દારુ પકડાઇ રહ્યો છે. જો કે સ્ટેટ મોનિટરીંગ સેલ (SMC) જે શહેર કે ગામમાં દરોડા(Raid )પાડે છે ત્યાંથી લાખોનો દારુ પકડાતો રહે છે અને તેમાં સ્થાનિક પોલીસની ઘોર બેદરકારી અને નિષ્કાળજી જોવા મળે છે. સ્થાનિક પોલીસની મીલીભગત વગર દારુનો ધંધો ધમધમે તે વાત માનવામાં આવે તેમ નથી. સ્ટેટ મોનિટરીંગ સેલે ગત રાત્રે ગીર સોમનાથ જીલ્લામાં ગોરખમઢી ગામે દરોડો પાડી દેશી દારુની ધમધમતી ભઠ્ઠીઓ બંધ કરાવી હતી અને દેશી દારુનો સ્થળ પર જ નાશ કર્યો હતો અને સ્થાનિક પોલીસ ઉંઘતી જ રહી હતી.

સુત્રાપાડાના ગોરખમઢી ગામે સ્ટેટ મોનીટરીંગ સેલે દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર દરોડા પાડ્યા

ગીર સોમનાથ જિલ્લામાં સુત્રાપાડાના ગોરખમઢી ગામે સ્ટેટ મોનીટરીંગ સેલે દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર દરોડા પાડ્યા હતા. સ્ટેટ મોનિટરીંગ સેલે
સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી રેડ કરી હતા અને 340 લીટર દેશી દારૂ પકડ્યો હતો જ્યારે 2200 લીટર આથાનો સ્થળ પર જ નાશ કર્યો હતો. સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડાથી પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો.

સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડતાં સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઇ

સુત્રાપાડામાં દેશી દારૂનું ધુમ વેચાણ થતું હોવાની વારંવાર ફરિયાદો ઉઠી રહી છે અને ફરિયાદો વચ્ચે સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડતાં સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઇ છે. એસએમસીએ દારૂની ભઠ્ઠી ના સ્થળ ઉપરથી બે શખ્સને ઝડપી દારૂનો જથ્થો,એક બાઈક એક ફોરવીલ, દારૂ બનાવવામાં ઉપયોગમાં લેવાતી સામગ્રી સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડાથી દારૂ વેચનારા તત્વોમાં તેમજ દારૂ વેચનારા તત્વોને છાવરનારા પોલીસ બેડામાં પણ ફફડાટ ફેલાયો છે.

સ્થાનિક પોલીસને જાણ ના હોય તે વાતમાં દમ નથી

ઉલ્લેખનિય છે કે સ્ટેટ મોનિટરીંગ સેલના સમગ્ર રાજ્યમાં અવાર નવાર દરોડા પડતાં રહે છે અને ત્યારે સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાય છે. દેશી દારુની ભઠ્ઠી ધમધમતી હોય કે પછી અંગ્રેજી શરાબનું ધુમ વેચાણ થતું હોય અને સ્થાનિક પોલીસને જાણ ના હોય તે વાતમાં દમ નથી. દારુનો ધંધો બેરોકટોક ચાલતો જ રહે છે. સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા બાદ બેદરકારી દાખવનારા જે તે સ્થાનિક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સામે કાર્યવાહી પણ કરાય છે છતાં હજું પણ રાજ્યમાં દારુની બદી ફુલીફાલી છે તે નવાઇની વાત છે. બુટલગરો પોલીસ તંત્રને જાણે કે ઘોળીને પી ગયા છે તેવું જોવા મળે છે.

આ પણ વાંચો—- Jamnagar: શાળામાં ટળી મોટી દુર્ઘટના, શહેરની મોદી સ્કૂલમાં લાગી હતી આગ