અમદાવાદ ઝોન પશ્ચિમ રેલવે પોલીસનો સૌથી મોટો નિર્ણય
સુરતમાં બનેલી ઘટના બાદ રેલવે પોલીસે લીધો નિર્ણય
તહેવાર સમયે મુલાકાતીઓ મુસાફરોને મુકવા નહીં આવી શકે
મુકવા આવતા મુલાકાતીઓ માટે પાસ વ્યવસ્થા બંધ કરાઇ
દિવસમાં 5 હજારથી વધુ પ્લેટફોર્મ પાસ માત્ર મુલાકાતીઓ માટે વપરાય
તહેવાર દરમ્યાન મુલાકાતીઓ પ્લેટફોર્મ પર નહીં જઇ શકે
પ્લેટફોર્મ પર પ્રવેશ અને બહાર નીકળવા માટે અલગ વ્યવસ્થા
UP અને બિહાર જનાર ટ્રેનમાં અગાઉથી લાઇન કરાવવા નિર્ણય
ગુ.પોલીસ અને રેલવે પોલીસના જવાનો તહેવાર દરમ્યાન ખડે પગે
દિવાળીના તહેવારોનો પ્રારંભ થઇ ચુક્યો છે ત્યારે વતનમાં જવા માટે ઉત્સુક મુસાફરોનો રેલવે સ્ટેશનો અને બસ સ્ટેશનો પર ભારે ધસારો જોવા મળી રહ્યો છે. શનિવારે સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ ઉમટ્યા બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જેમાં 1 મુસાફરનું મોત થયું હતું. આ ઘટનાનાના પગલે પશ્ચિમ રેલવે પોલીસે નિર્ણય કર્યો છે કે તહેવારોના આ સમયમાં કોઇ પણ મુલાકાતીઓને રેલવે સ્ટેશનો પર પ્રવેશ નહીં મળે.
સુરતમાં શનિવારે સવારે બનેલી ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું
રેલવે સ્ટેશનો અને બસ સ્ટેશનો પર હાલ લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે અને અવ્યવસ્થાના દ્રષ્યો પણ જોવા મળી રહ્યા છે. સુરતમાં શનિવારે સવારે બનેલી ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. અમદાવાદ ઝોન પશ્ચિમ રેલવે પોલીસે નિર્ણય કર્યો છે કે તહેવારો દરમિયાન કોઇ પણ વ્યક્તિ પોતાના સ્વજનને મુકવા માટે રેલવે સ્ટેશન પર જઇ નહીં શકે. તહેવારના સમયમાં મુલાકાતીઓ મુસાફરોને મુકવા નહિ આવી શકે તેવો નિર્ણય કરાયો છે.
મુલાકાતીઓ માટે હવે પાસ વ્યવસ્થા બંધ કરવામાં આવી
મુલાકાતીઓ માટે હવે પાસ વ્યવસ્થા બંધ કરવામાં આવી છે કારણ કે ઘણા લોકો પોતાના સ્વજનોને મુકવા માટે રેલવે સ્ટેશ પર આવતા હોય છે અને તેના કારણે પણ રેલવે સ્ટેશનો પર ધસારો હોય છે. અંદાજે એક દિવસમાં 5 થી 6 હજાર પ્લેટફોર્મ પાસ માત્ર મુલાકાતીઓ માટે વપરાય છે.
મુસાફરોની અગાઉથી લાઇન કરાવવાશે
આ ઉપરાંત દરેક રેલવે સ્ટેશન પર પ્રવેશ માટે અને બહાર નિકળવા માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવશે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહાર જઇ રહેલા મુસાફરોની અગાઉથી લાઇન કરાવવા માટેનો નિર્ણય કરાયો છે.
પોલીસ કર્મીઓ ખડેપગે
આ ઉપરાંત દિવાળીના તહેવારો દરમિયાન હવેથી દરેક રેલવે સ્ટેશનો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે. ગુજરાત રેલવે પોલીસના 5500 જેટલા કર્મચારીઓ તહેવાર દરમિયાન ખડેપગે રહેશે.