Surat : નકલી નોટો સાથે ઓલપાડ (Allpad) ટાઉન પાસેથી એક ઇસમને ઓલપાડ પોલીસની મહિલા ટીમે ઝડપી પાડ્યો છે. ઝડપાયેલ ઇસમ પાસેથી રૂ. 100 ની 97 નકલી નોટો મળી આવી હતી. પોલીસે નકલી નોટો સહિતનો મુદ્દામાલ કબજે કરીને અત્યાર સુધીમાં માર્કેટમાં કેટલી નકલી નોટો ફરતી કરી છે ? કેટલા ઈસમો આ ગુનામાં સંડોવાયેલા છે ? એ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
બાતમીના આધારે પોલીસે શખ્સની ધરપકડ કરી
નકલી ચલણી નોટો (Duplicate Indian Currency) અર્થતંત્ર માટે એક મોટી સમસ્યા છે. જે ભારત સહિત વિશ્વનાં ઘણા દેશોની અર્થવ્યવસ્થાને અસર કરે છે. નકલી ચલણી નોટો માત્ર લોકોને આર્થિક નુકસાન જ નથી પહોંચાડતી પણ બ્લેક માર્કેટિંગ અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ ફાળો આપે છે. વધુ એકવાર પોલીસે બજારમાં નકલી નોટો ફરતી કરી દેશનાં અર્થતંત્રને (Indian Economy) નુકસાન પહોંચાડતા ઇસમને ઝડપી લીધો હતો. ઓલપાડ પોલીસની (Olpad Police) મહિલા ટીમને બાતમી મળી હતી કે ઓલપાડના પરાં વિસ્તારથી ઓલપાડ તરફ આવતા મેઈન રોડ પર સેના ખાડીનાં બ્રિજ પાસે અલ્તાફ દીવાન નામનો ઇસમ જેણે વાદળી કલરનો શર્ટ અને ભૂરા ક્લરનું પેન્ટ પહેરેલ છે. તે કથ્થઈ કલરનાં લેધર બેગમાં નકલી ચલણી નોટો લઇને આવી રહ્યો છે અને ઓલપાડ બજારમાં નકલી નોટો વટાવવાની ફિરાકમાં છે. બાતમીનાં આધારે પોલીસે વોચ ગોઠવી દીધી હતી.
બેગમાંથી 100 નાં દરની 97 નોટો મળી આવી
રૂ. 100 નાં દરની 97 નકલી નોટો મળી
બાતમીનાં આધારે વોચમાં રહેલ સુરતની (Surat) ઓલપાડ પોલીસે (Olpad Police) ઇસમ આવતા જ તેણે દબોચી લીધો હતો અને તેઓની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ અલ્તાફ અહેમદ દીવાન (ઉ.42) હોવાનું જણાવ્યું હતું. તેની પાસે રહેલ બેગ ચેક કરવામાં આવતા બેગમાંથી 100 નાં દરની 97 નોટો મળી આવી હતી, જે નોટો સાચી છે કે ખોટી એ તપાસ કરવા સાયન્ટિફિક ઓફિસરની મદદ લેવાઇ હતી, જેમાં આ તમામ 97 નોટો નકલી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે નકલી નોટો, મોબાઈલ, બેગ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. નકલી નોટો સાથે ઝડપાયેલ ઇસમ અલ્તાફ અહેમદ દીવાન જાતે નોટો છાપતો હોવાનું હાલ પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આરોપી નકલી નોટો છાપવાનું મટિરિયલ ક્યાંથી લાવ્યો, કેટલી નકલી નોટો અત્યાર સુધીમાં માર્કેટમાં ઘુસાડી, અન્ય કેટલા ઈસમો સંડોવાયેલા છે ? અગાઉ કોઈ ગુનાનાં શામેલ છે કે નહિ એ દિશામાં તપાસ હાથ ધરી હતી.
અહેવાલ : ઉદય જાદવ, સુરત
આ પણ વાંચો – Mehsana : ધો. 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ શાળામાં જ ગળેફાંસો ખાદ્યો
આ પણ વાંચો – Dwarka : પરિવારનાં સામૂહિક આપઘાત કેસમાં વધુ 2 ની ધરપકડ, SIT ની રચના કરાઈ
આ પણ વાંચો – Rajkot : રાજકોટવાસીઓ માટે ખુશખબર! આ મહિનાથી શરૂ થશે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ