Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : ખંડેરાવ માર્કેટ પાસે ભારે ગંદકી દેખાતા કોર્પોરેટર રોષે ભરાયા

06:18 PM Jul 05, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરા મહાનગર પાલિકાની (VADODARA – VMC) વડી કચેરી પાછળ ખંડેરાવ માર્કેટમાં શહેરનું સૌથી જુનું અને સૌથી મોટું શાક-ફળોનું માર્કેટ ભરાય છે. આજે સવારે માર્કેટ પાસે કચરાની ગંદકી, કાદવ-કીચડ જોતા કોંગ્રેસના કોર્પોરેટર રોષે ભરાયા હતા. અને આ વિસ્તારમાં રોજ સવારે સફાઇ થવી જોઇએ તેવી માંગ કરી હતી. જરૂર પડ્યે અહિંયા ત્રણ-ચાર વખત સફાઇ કરાવો તેવી માંગ કરી હતી. ખંડેરાવ માર્કેટમાં રોજ મોટી સંખ્યામાં શાકભાજી-ફળો તથા અન્ય વસ્તુઓની ખરીદી કરવા માટે લોકો આવે છે. ત્યારે તેઓ ગંદકીમાંથી પસાર થવા મજબુર થતા કોર્પોરેટર અકળાયા હતા.

એક ભાઇને ઇજા થઇ

આ તકે કોર્પોરેટર બાળુ સુર્વે જણાવે છે કે, ખંડેરાવ માર્કેટ વડોદરા શહેરનું સૌથી મોટામાં મોટું અને જુનુ માર્કેટ છે. પણ તમે ખંડેરાવ માર્કેટની પરિસ્થીતી જુઓ તો, કચરાના ઢગલા છે, દુર્ગંધ મારી રહી છે. કોઇ વાહન ચાલકે તેમાંથી પસાર થવું પડે તેવી સ્થિતી છે. આ કીચડની પરિસ્થિતીમાંથી પસાર થતા ટુ વ્હીલર ચાલક લપસી પણ પડે છે. હમણાં જ એક ભાઇને ઇજા થઇ છે. જે કામગીરી વહેલી તકે સવારે કરવાની હોય ત્યાં બપોરના બાર વાગ્યા સુધી કચરાના ઢગલા દુર કરવાની કામગીરી કરવામાં આવી નથી. લોકો દુરદુરથી શાકભાજી વગેરે લેવા માટે આવતા હોય, એટલે તેમણે દુર્ગંધમાંથી પસાર થવાનું, કીચડમાંથી પગ મુકીને જવાનું, નાના બાળકો- સિનિયર સીટીઝન પણ આવે છે.

લોકોને પરેશાન કરવા માટે આપણે નથી

વધુમાં તેમણે જણાવ્યું કે, અધિકારીઓ બતાવે છે કે, અમે સ્માર્ટ સિટીના નામે ખુબ ચોખ્ખાઇ કરી દીધી છે. તે બધું કાગળ પર છે. વોર્ડ ઓફીસર લારી ઉઠાવવામાં બહાદુરી બતાવે છે, તેણે આ કામગીરી પણ કરાવવી જોઇએ. ખરેખર લોકોને મુશ્કેલી ન પડે તેવું કામ કરવાનું હોય, લોકોને પરેશાન કરવા માટે આપણે નથી. લોકોના વેરાના પૈસાથી અધિકારીઓના પગાર થાય છે. આ સફાઇ કાર્ય વહેલી સવારે થવી જોઇએ. અને જરૂર પડ્યે એક દિવસમાં ત્રણ-ચાર વખત પણ સફાઇ થાય તેવી મારી માંગ છે.

આ પણ વાંચો — VADODARA : ખુલ્લી કાંસ પશુ માટે આફતરૂપ બન્યું