Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : ભાજપના પંચાયત સભ્ય દ્વારા તલાટીને માર મરાતા રોષ

04:49 PM Jun 24, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરા ગ્રામ પંચાયતમાં ભાજપના સભ્ય રોહન નિશાળીયાની તલાટી જોડે કોઇ મામલે રકઝક થઇ હતી. ત્યાર બાદ તેઓએ તલાટીને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં તલાટીઓએ એકત્ર થઇને તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપ્યું છે. અને આ મામલે ન્યાયની માંગ કરવામાં આવી છે.

ઘટનાના વિરોધમાં મોરચો

આજે વડોદરા જિલ્લા તલાટી મંડળના નેજા હેઠળ તલાટીઓનો મરોચો જિલ્લા વિકાસ અધિકારીની કચેરીએ આવ્યો છે. ગત ગુરૂવારે પંચાયતના સભ્ય દ્વારા તલાટીને માર મારવાની ઘટના સામે આવતા તેના વિરોધમાં મોરચો આવ્યો છે. આ અંગે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે.

કાંઠલો પકડીને ઝાપટ મારવામાં આવી

ભોગબનનાર તલાટી ભાવેશ અસારી જણાવે છે કે, ગયા ગુરૂવારની વાત છે, તે વખતે અમે મીટિંગમાં આવ્યા હતા. ત્યારે એક અરજદારનું કામ કરવાનું હતું. દરમિયાન અન્ય એક અરજદાર વચ્ચે આવી ગયા હતા. તેનું નાનું કામ હોવાથી તે પતાવીને પહેલા અરજદારનું કામ કરવાનું નક્કી કર્યું હતું. તેવામાં તેમણે (ભાજપના પંચાયત સભ્ય રોહન નિશાળીયા) ઉશ્કેરાઇને મને માર માર્યો હતો. મને કાંઠલો પકડીને ઝાપટ મારવામાં આવી હતી. આ અંગે પોલીસ ફરિયાદ કરી છે. અત્યાર સુધી તેમને પકડવામાં નથી આવ્યા. અમને ન્યાય જોઇએ છે. આ ઘટના શર્મજનક છે. સરકારી કર્મચારી પ્રજાની સહાય કરવા માટે છે. તે લોકોએ અમારી જોડે રહીને કામ કરવાનું હોય છે.

તે ભાજપનો સભ્ય છે

વડોદરા જિલ્લા તલાટી મંડળના પ્રમુખ ભાવિકાબેન પ્રજાપતિ જણાવે છે કે, વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં ગુરૂવારે તલાટીની અઠવાડીક મિટીંગ બોલાવી હતી. તે મિટીંગમાં તલાટી બેઠા હતા. તે પૂર્ણ થયા બાદ સ્થાનિક તાલુકા પંચાયતના સભ્ય રોહન નિશાળીયા જોડે બિનજરૂરી દાખલામાં સહી કરવા બાબતે રકઝક થઇ હતી. બાદમાં તલાટીનો ઢોરમાર મારવામાં આવ્યો હતો. તે ભાજપનો સભ્ય છે. આજે અમે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. નિંદનીય ઘટના એક પદાધિકારીને શોભતું નથી. તેમણે અશોભનીય વર્તન કર્યું છે. બિનજરૂરી દાખલામાં સહી કરવા માટે રાજકીય પ્રેશર લાવીને તલાટીને નિયમ વિરૂદ્ધ માર મારવામાં આવ્યો છે. તેનો વિરોધ દર્શાવવા અમે ભેગા થયા છીએ.

આ પણ વાંચો — VADODARA : BJP કોર્પોરેટરના ભાઇને ધમકી, “રૂ. 1 કરોડ તૈયાર રખના, નહી તો….”