Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : “તુ રેડ પડાવે છે”, ખનીજચોરીની બાતમી આપનાર પર હુમલો

02:32 PM May 15, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) માં સરકારી કચેરીમાં ખનીજચોરી અંગેની બાતમી આપનાર પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં સરકારને મદદ કરનાર શખ્સને ઘેરી વળીને ચાર શખ્સો દ્વારા ગેરવર્તણુંક કરીને માર મારવામાં આવ્યો હતો. સમગ્ર મામલે ભાદરવા પોલીસ મથક (BHADARVA POLICE STATION) માં ચાર શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

અગાઉ તે પાંચ લાખનું નુકશાન કરાવ્યું

ભાદરવા પોલીસ મથકમાં મહેશભાઇ તખતસિંહ મહિડા (રહે. નટવરનગર ગામની સીમ, સાવલી) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તે ખાનગી કંપનીમાં વેલ્ડર તરીકે નોકરી કરે છે. 13 મે ના રોજ સવારે તે કામ પતાવી કોઢી ચાર રસ્તા પાસે આવેલી ખાણ-ખનીજની ઓફિસે ગયા હતા. ત્યાં બહીધરા મહિસાગર નદિમાં રેતીનું ખનન થતું હોવાની જાણ કરી હતી. ત્યાર બાદ તે ઘરે બાઇક લઇને આવવા નિકળ્યા હતા. સાંજે ચાર વાગ્યાની આસપાસ રાણીયા-ટુંડાવ ત્રણ રસ્તા પાસે આવતા ગામના હંસરાજ મહિડાએ તેમની બાઇક રોકી હતી. દરમિયાન તેના પિતા હકુભાઇ મહિડા અને અજીતભાઇ મહિડા પાસે આવ્યા હતા. અને કહ્યું કે, તું કેમ ખાણ ખનીજની રેડ પડાવે છે. અગાઉ પણ તે અમોને પાંચ લાખનું નુકશાન કરાવ્યું હતું. તેમ કહીને ગેરવર્તણુંક કરી હતી.

તો તને જાનથી મારી નાંખીશું

દરમિયાન તેમને અટકાવતા હંસરાજ મહિડા, પિતા હકુભાઇ મહિડા અને અજીતભાઇ મહિડાએ છુટ્ટાહાથે મારામારી કરી હતી. તેવામાં રવિભાઇ મહિડા પણ ત્યાં આવી ગયો હતો. અને માર મારવા લાગ્યો હતો. રવિ મહિડાએ હાથનું કડું મારી દીધું હતું. તેથી લોહી નિકળતા તેઓ ત્યાંથી જતા રહ્યા હતા. જતા જતા કહેતા ગયા કે, ફરીવાર ખાણ-ખનીજવાળાને જાણ કરીશ, કે નદીએ ખાણ-ખનીજની ગાડીઓ બોલાવી રેડ પડાવીશ તો તને જાનથી મારી નાંખીશું. બાદમાં તમામ નાસી છુટ્યા હતા. જે બાદ ઇજાગ્રસ્તે પરિચીત વ્યક્તિને ફોન કરીને બોલાવતા તેઓ આવી પહોંચ્યા હતા. અને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવાયા હતા.

ચાર સામે ફરિયાદ

આખરે ઉપરોક્ત મામલે હંસરાજ હકુભાઇ મહીડા, હકુભાઇ મહીડા, અજીતભાઇ મહીડા, અને રવિભાઇ અજીતભાઇ મહીડા (તમામ રહે. નટવરનગર, સાવલી, વડોદરા ગ્રામ્ય) સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે તમામને પકડી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.

આ પણ વાંચો — VADODARA : “જીવતો રહેવા દેવો જ નથી”, પત્નીના પ્રેમીનો હુમલો