Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : પત્નીના અવસાનના ત્રીજા દિવસે ફરજ પર જોડાયા ચૂંટણી અધિકારી

10:36 AM May 03, 2024 | PARTH PANDYA

VADODARA : ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા વડોદરાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી (ELCTION OFFICER – VADODARA) વિવેક ટાંકે ફરજ પ્રત્યેની નિષ્ઠા અને સેવા પ્રત્યે સમર્પણભાવ દાખવી ફરજપરસ્તીનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. હાલમાં સમગ્ર દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણી ચાલી રહી છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે,ચૂંટણી મતદાન માટેની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે, ત્યારે વિવેક ટાંક વડોદરામાં લોકસભા સામાન્ય ચૂંટણીમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે. માત્ર છ દિવસ પહેલા કેન્સરમાં પોતાના ધર્મપત્નીને ગુમાવનાર વડોદરાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંક આ દુ:ખદ પળોમાં પણ તેમના કર્તવ્યથી પાછળ નથી હટ્યા.

લૌકિક ક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ જોડાયા

વિવેક ટાંકના ધર્મપત્ની પ્રજ્ઞાબેન ટાંક છેલ્લા દોઢ વર્ષથી કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. પરંતુ, દુર્ભાગ્યવશ ગત શનિવારે કેન્સરની ભયાવહ બિમારી સામે હારી જતા તેઓનું દુ:ખદ નિધન થયું હતું. આવા કપરા કાળમાં પણ વિવેક ટાંક પોતાનું અંગત જીવન સંભાળવાની સાથે સાથે પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા દાખવી રહ્યા છે. પત્નીના અવસાન બાદની લૌકિક ક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ પત્નીના અવસાનના ત્રીજા જ દિવસે ટાંક ફરી પોતાની ફરજ પર હાજર થઈ ગયા હતા. ફરજનિષ્ઠાનું આનાથી મોટું ઉદાહરણ શું હોય શકે !

સસ્મિત ચહેરા પાછળ છુપાવી

વિશેષ વાત તો એ છે કે, જ્યારથી ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી તેઓ પોતાની પત્નીની સેવા અને સારવાર સાથે ફરજને પણ નિષ્ઠાથી નિભાવી છે. પત્નીને આવા રોગની પીડા પોતાના સસ્મિત ચહેરા પાછળ છુપાવી ચૂંટણી તૈયારી કરી છે.

પોસ્ટલ બેલેટ થકી મતદાન

વિવેક ટાંક મૂળ જૂનાગઢના વતની છે. તેઓ ગુજરાત વહીવટી સેવાના ૨૦૧૭ની બેચના વર્ગ-૧ના અધિકારી છે. ઓક્ટોબર-૨૦૨૩માં વડોદરામાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક થઈ, ત્યારથી તેઓ અહીં તેમના પત્ની સાથે રહેતા હતા. વિવેક ટાંકે પોતાની ફરજનો કાર્યભાર તો સંભાળી લીધો છે, પરંતુ પોસ્ટલ બેલેટ થકી મતદાન કરીને તેમણે અન્ય મતદારોને લોકશાહીના પર્વમાં મતદાન થકી પોતાની પ્રાથમિક અને પવિત્ર ફરજ અદા કરવાનો સંદેશ પણ આપ્યો છે.

આ પણ વાંચો — Weather Forecast : સાચવજો ! આજથી 4 દિવસ સુધી યલો એલર્ટ, આ શહેર સૌથી વધુ ગરમ