સુરત: દારૂના નશામાં માતા સાથે મારઝૂડ બાદ નાના ભાઈએ સગા મોટા ભાઈની હત્યા નીપજાવી હતી, જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આ પહેલા ડિંડોલી પોલીસને હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.
લોહીવાળા કપડા અને મોટર સાયકલ ધોઈ નિરાંતે સુઈ ગયો
કડોદરા સ્થિત બહેનના ઘરે જવાનું છે કહી હત્યારા ભાઈએ મોટા ભાઈને ફોન કર્યો હતો. ત્યારબાદ ડીંડોલી ખાતે બોલાવી ડીંડોલી-કડોદરા કેનાલ રોડ પર આવેલ અવાવરું જગ્યાએ લઈ જઈ મોતને ઘાત ઉતારી દીધો હતો. એટલું જ નહીં હત્યા બાદ ઘરે જઈ લોહીવાળા કપડા અને મોટર સાયકલ ધોઈ નિરાંતે સુઈ ગયો હતો. મૃતકના હાથ પર રહેલા બુદ્ધ ભગવાનના ટેટુ પરથી હત્યાના ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં પોલીસને સફળતા મળી હતી.
બુદ્ધ ભગવાનના ટેટુ પરથી હત્યાનો ભેદ ઉકેલાયો
ડીંડોલી પોલીસના જણાવ્યાનુસાર, મંગળવારના રોજ વહેલી સવારે સુરતના ડીંડોલી-કડોદરા કેનાલ રોડ પર આવેલ અવાવરું જગ્યાએથી અજાણ્યા યુવકની લાશ મળી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી. પોલીસે લાશની ઓળખ મેળવવા માટે અલગ અલગ ટિમો બનાવી હતી. મૃતકના હાથ ઉપર બુદ્ધ ભગવાનનું ટેટુ ચિતરેલું મળી આવ્યું હતું. જેથી ઉધના અને પાંડેસરા ખાતે રહેતા બૌદ્ધ સમાજના લોકોનો સંપર્ક કરી ઓળખ મેળવવા માટેના પ્રયાસ હાથ ધર્યા હતા. દરમિયાન મૃતકનું નામ બચછાવ હોવાનું અને વેસુ સ્થિત સુડા આવાસમાં રહેતો હોવાની માહિતી સામે આવી હતી.
કિશોરના જવાબથી પોલીસને શંકા ગઈ
પોલીસે મૃતકના ઘરે પોહચી માતાની પુછપરછ કરી હતી. જ્યાં મૃતક ગોવિંદ તેણીને મારઝૂડ કરતો હોવાથી તેના નાના ભાઈ કિશોર જોડે ઝઘડો થયો હોવાની હકીકત જણાવી હતી. જેથી પોલીસે કિશોરનો સંપર્ક કરી પોલીસ મથકે બોલાવ્યો હતો. ડીંડોલી પોલીસનો સંપર્ક કરી કિશોર પોલીસ મથકે આવ્યો હતો. જ્યાં પોલીસ દ્વારા કિશોરની ઊંડાણપૂર્વકની પુછપરછ હાથ ધરવામાં આવી હતી. જો કે કિશોરના જવાબથી પોલીસને શંકા ગઈ હતી. જ્યાં ઊંડાણપૂર્વકની પુછપરછમાં તેણે જ પોતાના મોટા ભાઈ ગોવિંદની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. હત્યામાં મદદરૂપ તેનો પિતરાઈ ભાઈ પણ શામેલ હતો. જે હત્યાની ઘટના બાદ પોતાના વતન નાસી છૂટ્યો હતો. તેની પણ મહારાષ્ટ્ર ખાતેથી પોલીસે ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: SURAT : ડીંડોલી -કડોદરા કેનાલ રોડ ઉપર અજાણ્યા યુવકની હત્યા કરાયેલી લાશ મળતા પોલીસ થઈ દોડતી
આ પણ વાંચો: Surat news: સ્લીપર પહેરવા પર વિદ્યાર્થીને બેભાન થવા સુધી શિક્ષકે માર માર્યો
આ પણ વાંચો: Surat news: આમાંના કોઈ પણ હથિયાર રાખવા પહેલા વિચારજો, ચુંટણીપંચનું જાહેરનામું