Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અસ્પૃશ્યતા નિવારણની વાતો વચ્ચે વધતા ઉંચનીચના કિસ્સા

01:06 PM Apr 18, 2023 | Vipul Pandya

મનુષ્યને નિર્ધારિત કીયે અપને લીયે – ધર્મ, જાતિ, દેશ, વર્ગ, ઓર ફિર વો ભુલ ગયા કિ – ”વો એક મનુષ્ય હૈ”
આઝાદીના સાત દાયકા વીતી ગયા છતા પણ સંકુચિત માનસિકતામાંથી આપણામાંનો મોટો વર્ગ હજુ બહાર નીકળી શક્યો નથી. સાત સાત દાયકા બાદ પણ દેશમાં દલિતો આદિવાસીઓની સતામણીની હિંસક ઘટનાઓ આજે પણ સામે આવે છે અને તેને કારણે આપણી કુંઠિત માનસિકતા અવાર નવાર છતી થતી હોય છે. સમાનતાનો અધિકાર જે આપણને બંધારણે પણ આપ્યો છે તે અધિકાર આજે પણ આપણે જાણે એ બંધારણના પુસ્તકમાં કેદ થયેલો જોવા મળે છે. સમાનતાની વાત માત્ર કહેવા પૂરતી જોવા મળે છે. આજે પણ દેશના અનેક વિસ્તારો એવા છે જ્યાં ઉંચ નીચનો ભેદ આજે પણ જોવા મળે છે. ઉચ્ચ જ્ઞાતિ અને નીચી જ્ઞાતિના વાડા આજે પણ લોકોની માનસિકતામાં ડોકાય છે. વિકાસની વાતો કરનારા આપણે હજુ પણ માનસિક ગુલામી અને માનસિકતાની ગુલામીની કેદમાંથી નીકળી શક્યા નથી. 
છેલ્લા કેટલાય મહિનાઓમાં ન માત્ર ગુજરાતમાં પણ સમગ્ર દેશમાં SC, ST પર અત્યાચાર, હત્યા, દુષ્કર્મ અને જાતીય સતામણીની ઘટનાઓમાં ઉત્તરોત્તર વધારો આવ્યો છે. સરકારના આંકડાઓ પણ આ વાતની પુષ્ટિ કરે છે કે છેલ્લા દાયકામાં સ્થિતી વધુને વધુ વણસી છે. નેશનલ ક્રાઇમ બ્યુરોના આંકડા મુજબ છેલ્લા દસ વર્ષમાં દલિત અત્યાચારની ઘટનાઓમાં 66 ટકાનો વધારો નોંધાયો છે. દેશમાં સરેરાશ 6 દલિત મહિલાઓ પર રોજ દુષ્કર્મની ઘટનાઓ સામે આવે છે. આંકડાઓ મુજબ ભારતમાં દર 15 મિનિટે કોઇ એક દલિત સાથે કોઇને કોઇ હિંસક ઘટના ઘટે છે. 
પાલનપુરના ડીસામાં વરઘોડા પર પથ્થરમારો 
બે દિવસ પહેલા પાલનપુર ડીસામાં પાસે આવેલ મોટા ગામમાં દલિત સમાજના વરઘોડા પર પથ્થરમારાની ઘટના સામે આવી હતી. બંદોબસ્ત વચ્ચે વરઘોડા કાઢવાની ફરજ પડી હતી અને તેમાં દલિત યુવકોએ સાફો બાંધ્યો હતો અને બીજા વર્ગના લોકોએ આનો વિરોધ કર્યો હતો અને તેને કારણે આ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. 
મધ્યપ્રદેશના ગુનામાં માનવતા શર્મસાર
મધ્યપ્રદેશના ગુનામાં માનવતાને શરમાવે એવી એક ઘટના સામે આવી છે. એક દલિત યુવકને મોબાઈલ ચોરીની શંકામાં નગ્ન કરીને સળગતી લાકડીઓ અને ડંડાથી ઢોરમાર મારવામાં આવ્યો છે. ગુનાના લાડપુરા ગામમાં મોબાઈલ ફોનની ચોરીની શંકામાં દલિત યુવકની સાથે બે લોકોએ સળગતા લાકડા અને ડંડાથી મારઝૂડ કરી છે. આરોપીઓએ પીડિત યુવક અરવિંદને બોલાવ્યો અને પોતાની સાથે સૂમસામ જગ્યાએ લઈ ગયા હતા. ત્યાં તેને નગ્ન કરીને તેની સાથે મારઝૂડ શરૂ કરી દીધી હતી તથા યુવકને આગથી દઝાડવાનો પ્રયત્ન પણ કર્યો હતો. આરોપીઓએ યુવક સાથે કરવામાં આવેલી મારઝૂડનો વીડિયો પણ બનાવ્યો હતો અને તેને સોશિયલ મીડિયા પર વાઇરલ કર્યો હતો. 
મંદિરમાં દર્શન કરવાની બાબતે માર મરાયો
ભચાઉના નેર ગામમાં મંદિરમાં દર્શન કરવા મામલે ગામનાં 17 વ્યક્તિઓ દ્વારા દલિત પરિવારનાં 6 સભ્યો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ભચાઉના નેર ગામમાં યોજવામાં આવેલાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ભગવાનનાં આશીર્વાદ લેવા માટે દલિત પરિવાર પણ ગયો હતો. જો કે, ગામના અન્ય સમાજના લોકોને આ વાત પસંદ આવી ન હતી, અને 26 ઓક્ટોબરના રોજ 17 લોકોએ દલિત પરિવારનાં 6 લોકો પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં નેર ગામમાં દલિત પરિવારના વાસમાં પહોંચી તીક્ષ્ણ હથિયારો વડે 6 સભ્યો પર જીવલેણ હુમલો કરીને લોહીલુહાણ કરી દીધા હતા. જે બાદ તેઓને તાત્કાલિક ભૂજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
કોડીનારમાં અમાનવીય હુમલો
કોડીનારમાં અસામાજીક તત્વો દ્રારા અનુસૂચિત જાતિના લોકો પર તલવારો અને સોડાની બોટલો દ્રારા અમાનવીય હુમલો કરવામાં આવ્યો હતો. સામાન્ય ઝઘડાએ ભયંકર રૂપ ધારણ કરી લેતા સમગ્ર મામલો બીચક્યો હતો અને કોડીનારની શાંતિ ભંગ થઇ હતી. ઉના દલિત અત્યાચાર કાંડ તેમજ થાન દલિત અત્યાચાર કાંડ જેવો મામલો સામે આવ્યો હતો. આ બનાવની વિગતો જે સામે આવી તે મુજબ દલિત સમાજના લોકો પર ખુબ ગંભીર હુમલો કરવામાં આવ્યો હતો. 
આ અને આવી અનેક ઘટનાઓ સામે આવે છે તો અનેક ઘટનાઓ સમાજની સમક્ષ આવતી નથી પણ ઘટે છે અને દલિત સમાજ આ પરિસ્થીતીનો સામનો કરવો પડે છે. અસ્પૃશ્યતા નિવારણની વાતો ભલે કરવામાં આવે પણ હકીકત સાવ વિપરીત છે જ. સમાજમાં આજે પણ ઉંચનીચનો ભેદ જોવા મળે છે તે હકીકત છે. આજે પણ ગામડાઓમાં દલિતો સાથે અમાનવીય વર્તન કરવામાં આવે છે અને તેને કારણે દલિતો હજુ પણ દયનીય હાલતમાં જીવવા મજબૂર બન્યા છે.