Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

લતા દીદીને સંગીતની સાથે શાનદાર કાર રાખવાનો હતો શોખ, પોતાની પાછળ છોડી ગયા કરોડની સંપતિ

06:00 PM May 17, 2023 | Vipul Pandya

લતા મંગેશકરજીના નિધનથી સંગીતના સુવર્ણ યુગનો અંત આવ્યો છે. સૂર સામ્રાજ્ઞી લતા મંગેશકરજીનું જીવન પ્રેરણાદાયી હતું. લાખો-કરોડો ચાહકોના દિલમાં વસનારા લતાજીની વિદાયથી સમગ્ર દેશ શોકમાં છે.
લતા દીદી સંગીતની સાથે કારના પણ શોખીન 
લતાજીને સંગીત સિવાય અન્ય વસ્તુઓનો પણ શોખ હતો. જોકે ઘણા ઓછા લોકો લતાજીના શોખ વિશે જાણતા હશે. લતાજીને કાર કલેક્શન અને ક્રિકેટનો પણ શોખ હતો. લતાદીદી, અને તાઈના હુલામણા નામથી પ્રખ્યાત હતા લતા મંગેશકર. સાઉથ મુંબઈના પોશ વિસ્તાર પેડર રોડ સ્થિત પ્રભુકુંજ ભવનમાં તેઓ રહેતા હતા. લતાજી પાસે શાનદાર કારોનું કલેક્શન હતું. તેમને પોતાના ગેરેજમાં સ્ટાઈલિશ અને શાનદાર કાર રાખવાનો શોખ હતો. અગાઉ પોતાના ઇન્ટરવ્યૂમાં લતાજીએ કહ્યું હતું કે, તેમને સ્ટાઈલિશ કાર રાખવાનો શોખ છે. તેમણે સૌથી પહેલા Chevrolet કાર ખરીદી હતી. આ કારને લતાજીએ તેમની માતાના નામે લીધી હતી. ત્યાર બાદ Buick અને Chrysler કાર પણ તેમણે ખરીદી હતી.  
યશ ચોપરાએ આપી હતી મોંઘીદાટ કાર
યશ ચોપરાએ લતાજીને મર્સિડીઝ કાર ભેટમાં આપી હતી. લતાજીએ તેમના એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે દિવગંત યશ ચોપરા તેમને પોતાની બહેન માનતા હતા અને ખૂબ જ સ્નેહ કરતા હતા. વીર-ઝારાની રિલિઝ વખતે યશ ચોપરાએ મર્સિડીઝ કારની ચાવી તેમના હાથમાં આપી અને કહ્યું કે, આ કાર તેઓ તેમને ગિફ્ટમાં આપી રહ્યા છે. 
લતાજીની પ્રથમ કમાણી 25 રૂપિયા
લતા મંગેશકરે માત્ર 13 વર્ષની વયે ડેબ્યું કર્યું હતું. અને તે વખતે તેમની કમાણી ફક્ત 25 રૂપિયા હતી. તેમની લાઈફ સ્ટાઈલ એકદમ સિમ્પલ હતી. પણ તેમને કાર કલેક્શન કરવાનો શોખ હતો. મીડિયા રિપોર્ટ પ્રમાણે તેમની પાસે અંદાજે 370 કરોડની સંપત્તિ છે. તેમણે ગાયેલા ગીતોની રોયલ્ટી એ જ તેમની કમાણી હતી. લતા દીદીએ પોતાની કમાણીનો મોટો હિસ્સો ઈન્વેસ્ટ કર્યો હતો.
લતાજીની વિદાયથી આજે દરેક દેશવાસીઓની આંખો નમ છે. તેમના કરોડો ફેન્સ બોલિવૂડ કલાકારો અને સંગીતકારોમાં શોકની લાગણી છે. આજે લતાજી નથી રહ્યા, પણ તેમની સૂરીલી અવાજ અને તેમના ગીતો ચાહકોના હ્રદયમાં હંમેશા ગુંજતા રહેશે.