Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પાકિસ્તાનમાં એક મહિલાએ વ્હોટ્સએપ પર લખ્યું એવું લખાણ કે, કોર્ટે સંભળાવી દીધી ફાંસીની સજા…!

10:20 PM Apr 25, 2023 | Vipul Pandya

પાકિસ્તાનની રાવલપિંડીની કોર્ટે અનિકા અતીક નામની મહિલાને ઈશનિંદાના આરોપમાં મૃત્યુદંડની સજા સંભળાવી છે.  મહિલા વિરુદ્ધ તેના જૂના મિત્ર દ્વારા ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (FIA)ની સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
આવો જ એક કિસ્સો પાકિસ્તાનમાંથી સામે આવ્યો છે, જેમાં કોર્ટે એક મહિલાને મોતની સજા સંભળાવી છે.  હકીકતમાં આ મામલો ધર્મનિંદાના આરોપ સાથે સંબંધિત છે.  મહિલા પર આરોપ છે કે તેણે વોટ્સએપ પર મોકલેલા મેસેજમાં પયગંબર મહંમદ વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ મામલો થોડો જૂનો છે, પરંતુ ભૂતકાળમાં મહિલાને ફાંસીની સજા થયાને લઇ હાલ તે ચર્ચામાં છે.
મહિલા પર ઈશનિંદાના આરોપ સાથેનો આ કેસ રાવલપિંડી કોર્ટ સાથે સંબંધિત છે. આ કેસમાં રાવલપિંડી કોર્ટે ફારુક હસનાત નામની વ્યક્તિની ફરિયાદ પર સજાની જાહેરાત કરી છે.  ફારુક હસનાતની ફરિયાદ પર કોર્ટે મહિલાને સાયબર કાયદાનું ઉલ્લંઘન, ધર્મનું અપમાન અને પયગંબર મહંમદની અવમાનના માટે દોષી ઠેરવી હતી.
મળતી માહિતી મુજબ, આરોપી અનિકા અતીકે વર્ષ 2020માં ફારુકને વોટ્સએપ પર મોકલેલા મેસેજમાં ઈશનિંદા સાથે જોડાયેલી કેટલીક વાતો શેર કરી હતી.  જેની સામે સવાલ ઉઠાવતા ફારુકે કહ્યું હતું કે, તેણે આવા મેસેજ તાત્કાલિક ડિલીટ કરવા જોઈએ અને માફી માંગવી જોઈએ, પરંતુ મહિલાએ તેમ કરવાનો ઈન્કાર કરી દીધો હતો.  મહિલાએ ના પાડ્યા બાદ ફારુકે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ અનિકા અતીકની ધરપકડ કરવામાં આવી હતી.
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, ફારુક હસનાત અને આરોપી મહિલા બંને એક સમયે મિત્રો હતા.  થોડા વર્ષો પહેલા તેમની વચ્ચે ઝઘડો થયો હતો અને મહિલાએ ગુસ્સામાં ફારુકને વ્હોટ્સએપ પર કેટલાક અપશબ્દોવાળા મેસેજ મોકલ્યા હતા. પહેલા તો મહિલાને તેને ડિલીટ કરવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ તેના ઇનકાર બાદ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. હવે રાવલપિંડી કોર્ટે આ કેસમાં મહિલાને દોષિત ઠેરવીને ફાંસીની સજા સંભળાવી છે.
પાકિસ્તાનમાં ઈશનિંદાનો કાયદો 80ના દાયકામાં ભૂતપૂર્વ સૈન્ય સરમુખત્યાર ઝિયાઉલ હક દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો.  આ કાયદાઓ હેઠળ ઘણી વખત મૃત્યુદંડની સજા આપવામાં આવી છે.  જો કે હજુ સુધી કોઈને ફાંસી આપવામાં આવી નથી.  ગયા વર્ષે જ એક કિસ્સો સામે આવ્યો હતો, જ્યાં શ્રીલંકાના એક નાગરિકને ઈશનિંદાના આરોપમાં ટોળા દ્વારા માર મારવામાં આવ્યો હતો. આ ઘટનામાં માર્યા ગયેલા વ્યક્તિ સિયાલકોટની ફેક્ટરીમાં મેનેજર તરીકે તૈનાત હતા.