Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ઉત્તર પ્રદેશના ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યની હાર, કાલે દિલ્હીમાં ભાજપની મહત્વની બેઠક

04:17 AM Apr 23, 2023 | Vipul Pandya

જયંત ચૌધરીએ શું કહ્યું?
આરએલડી પ્રમુખ જયંત ચૌધરીએ યુપીના પરિણામો પર કહ્યું કે ‘હું લોકોના મતનું સન્માન કરું છું. જીતેલા તમામ ધારાસભ્યોને અભિનંદન. આશા છે કે તેઓ લોકોના ભરોસા પ્રમાણે કામ કરશે. કાર્યકરોએ સખત મહેનત કરી છે. આગળ પણ સંઘર્ષ ચાલુ રહેશે’

કેશવ મૌર્યએ હાર સ્વીકારી
કેશવ પ્રસાદ મૌર્યએ સિરાથુ વિધાનસભા સીટ પર પોતાની હાર અંગે ટ્વીટ કર્યું અને કહ્યું ‘હું સિરાથુ વિધાનસભા મત વિસ્તારના લોકોના નિર્ણયને નમ્રતાથી સ્વીકારું છું, દરેક કાર્યકરની મહેનત માટે આભારી છું. જે મતદારોએ મત સ્વરુપે મને આશીર્વાદ આપ્યા છે હું તેમનો આભાર વ્યક્ત કરું છું.”

મણિપુરના સીએમ એન બિરેન સિંહે શું કહ્યું?
મણિપુરના સીએમ એન બિરેન સિંહે કહ્યું કે ‘ભાજપને ફરીથી બહુમતી અપાવવા માટે હું મણિપુરના લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું. તેમજ પાર્ટીના સૌથી મોટા નેતાઓ જેમ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી, રક્ષામંત્રી અને અન્યોનો પણ આભાર માનુ છું. તેમના માર્ગદર્શન સાથે અમને બહુમતી મળી છે.’

કાલે દિલ્હીમાં ભાજપની બેઠક
આવતી કાલે દિલ્હીમાં ઉત્તર પ્રદેશ ભાજપની મોટી અને મહત્વની બેઠક યોજાશે. યુપીના ચૂંટણી પરિણામોને લઈને દિલ્હીમાં બેઠક યોજાશે. આ બેઠકમાં સીએમ યોગી આદિત્યનાથ, સ્વતંત્ર દેવ સિંહ અને સંગઠન મંત્રી સુનીલ બંસલ હાજરી આપશે.

લોકશાહીમાં જનાદેશ સર્વોપરી છે – પ્રિયંકા ગાંધી
કોંગ્રેસના નેતા અને મહાસચિવ પ્રિયંકા ગાંધીએ યુપી ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન વિશે ટ્વિટ કરતા કહ્યું, ‘લોકશાહીમાં લોકોના મત સર્વોપરી છે. અમારા કાર્યકરો અને નેતાઓએ સખત મહેનત કરી, સંગઠનો બનાવ્યા, જાહેર મુદ્દાઓ પર લડ્યા. પરંતુ અમે અમારી મહેનતને મતમાં રૂપાંતરિત કરવામાં સફળ ના થયા. કોંગ્રેસ પાર્ટી સકારાત્મક એજન્ડા અને જવાબદારી સાથે યુપી અને જનતાના ભલા માટે લડતા વિપક્ષની ફરજ નિભાવતી રહેશે.


આ 80-20ની જીત છે – ઓવૈસી
અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, ‘ઉત્તર પ્રદેશના લઘુમતીઓનો વોટ બેંક તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભાજપે લખીમપુર ખેરીમાં પણ જીત મેળવી છે, તેથી હું કહું છું કે તે 80-20ની જીત છે. આ 20- 80ની સ્થિતિ વર્ષો સુધી રહેશે. લોકોએ આ સમજવું પડશે. અમારો ઉત્સાહ હજુ પણ ઘણો ઉંચો છે.’

વારાણસીમાં ભાજપની જીત
ભારતીય જનતા પાર્ટીએ વારાણસીની તમામ આઠ વિધાનસભા બેઠકો જીતી લીધી છે. યુપીમાં ભાજપ મોટી જીત તરફ આગળ વધી રહ્યું છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર સાંજે લગભગ 7 વાગ્યા સુધી ભાજપે 109 સીટો જીતી છે, જ્યારે તે 143 સીટો પર આગળ ચાલી રહી છે.

બાગપતમાં RLD કાર્યકર્તાઓ પર લાઠીચાર્જ
બાગપતથી RLD કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યો હોવાના સમાચાર સામે આવી છે. બાગપતમાં મતગણતરી સ્થળની બહાર હોબાળો મચાવતા આરએલડી કાર્યકરો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. જે બાદ રોષે ભરાયેલા કાર્યકરો તરફથી પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં મતદાન મથકની બહાર અરાજકતાનો માહોલ જોવા મળ્યો હતો.
એસપી બાગપત નીરજ કુમારે પોતાના નિવેદનમાં કહ્યું છે કે આરએલડી કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલા પથ્થરમારાને કારણે ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. ઘાયલ પોલીસકર્મીઓની મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે. આ સિવાય તેમણે જણાવ્યું કે પોલીસના લાઠીચાર્જમાં ઘણા આરએલડી કાર્યકર્તાઓને નાની-મોટી ઈજાઓ પણ થઈ છે.

ઉત્તર પ્રદેશમાં વિજયોત્સવ શરુ, યોગી ભાજપ કાર્યાલય પહોંચ્યા
યુપીમાં ફરી એક વખત ભાજપ સત્તામાં આવી છે. જેને લઇને કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અત્યારે ઉત્તર પ્રદેશમાં ભાજપના વિજયોત્સવની શરુઆત થઇ ચુકી છે. યોગી આદિત્યનાથ પણ આ ઉજવણીમાં ભાગ લેવા પહોંચ્યા છે. તેમણે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓને સંબોધન કર્યુ હતું. જેમાં આ પ્રચંડ જીત બદલ જનતાનો આભાર પણ માન્યો હતો.


યુપીના ગોરખપુરમાં બુલડોઝર રેલી
ઉત્તર પ્રદેશમાં ભરી એક વખત ભગવો લહેરાયો છે. ગોરખપુરમાં યોગી આદિત્યનાથે પ્રચંડ બહુમત સાથે જીત નોંધાવી છે. ત્યારબાદ ગોરખપુરમાં ભાજપ કાર્યકરો દ્વારા જીતની ઉજવણી શરુ કરાઇ છે. જે અંતર્ગત બુલડોઝર રેલી યોજવામાં આવી હતી.


કેપ્ટન અમરિન્દર સિંહે ભાજપ અને આમ આદમી પાર્ટીને અભિનંદન પાઠવ્યા છે
પંજાબ ચૂંટણીમાં હારેલા કેપ્ટન અમરિંદર સિંહે ચાર રાજ્યોમાં ચૂંટણી જીતવા બદલ ભાજપને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વિટ કર્યું કે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં વિધાનસભા ચૂંટણી જીતવા માટે ભાજપને શુભેચ્છા. મને ખાતરી છે કે પાર્ટી આ રાજ્યો અને તેના લોકોના સર્વાંગી વિકાસ અને સમૃદ્ધિ માટે કામ કરતી રહેશે.
આ સિવાય અન્ય એક ટ્વીટમાં તેણે કહ્યું કે હું લોકોના નિર્ણયને પૂરી નમ્રતાથી સ્વીકારું છું. લોકશાહીનો વિજય થયો છે. પંજાબીઓએ સાંપ્રદાયિક અને જાતિવાદથી ઉપર ઊઠીને અને મતદાન કરીને પંજાબિયતની સાચી ભાવના બતાવી છે.

યોગી આદિત્યનાથ ગોરખપુરથી જીત્યા
ગોરખપુર સદર બેઠક પરથી પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડી રહેલા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પ્રચંડ બહુમત સાથે જીત્યા છે. તેમણે એક લાખ કરતા પણ વધારે મતથી વિજય મેળવ્યો છે.


‘ચૂંટણી હાર્યો છુ, હિંમત નહીં’: સ્વામી પ્રસાદ મૌર્ય
ભાજપ છોડીને સમાજવાદી પાર્ટીમાં સામેલ થયેલા સ્વામી પ્રસાદ મૌર્ય ફાઝિલનગર બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. તેઓ ભાજપના સુરેન્દ્ર કુશવાહાથી હાર્યા છે. આવી સ્થિતિમાં તમામ વિજેતા ઉમેદવારોને ટ્વીટ કરીને અભિનંદન આપતાં સ્વામી પ્રસાદે કહ્યું કે હું ચૂંટણી હાર્યો છું, હિંમત નહી. સંઘર્ષનું અભિયાન ચાલુ રહેશે.

ચરણજીત સિંહ ચન્નીએ AAPને જીત માટે અભિનંદન આપ્યા
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત ચન્નીએ ટ્વિટ કરીને કહ્યું કે, હું પંજાબના લોકોના નિર્ણયને નમ્રતાથી સ્વીકારું છું અને જીત માટે આમ આદમી પાર્ટી અને તેમના ચૂંટાયેલા મુખ્યમંત્રી ભગવંત માનને અભિનંદન આપું છું. મને આશા છે કે તેઓ લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરશે.

પાંચ રાજ્યોના મુખ્યમંત્રીઓની સ્થિતિ
પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે અને મોટા નેતાઓને હારનો સામનો કરવો પડી રહ્યો છે. પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ પોતાની બંને બેઠકો ગુમાવી છે. જ્યારે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ હારી ગયા છે. જો અન્ય ત્રણ રાજ્યોના મુખ્યમંત્રીઓની વાત કરીએ તો મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહ જીત્યા છે, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત પણ જીત્યા છે. તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ પોતાની બેઠક પર આગળ ચાલી રહ્યા છે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી ચૂંટણી હારી ગયા
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી તેમની સીટ ખાતિમાથી લગભગ 6000 મતોથી ચૂંટણી હારી ગયા છે. કોંગ્રેસના ઉમેદવાર ભુવન કાપરીએ સીએમને હરાવ્યા છે. તમને જણાવી દઈએ કે ભલે મુખ્યમંત્રી ચૂંટણી હારી ગયા હોય, પરંતુ રાજ્યમાં ભાજપ સરકાર બનાવી રહી છે. ભાજપને લગભગ 48 બેઠકો મળી રહી છે અને કોંગ્રેસને 20થી ઓછી બેઠકો મળી રહી છે.

ઉત્તર પ્રદેશના ગૌતમબુદ્ધ નગર જિલ્લામાં ભાજપનો ડંકો
ગૌતમ બુદ્ધ નગરની ત્રણેય બેઠકો પર ભાજપ આગળ છે. નોઈડા સીટ પર બીજેપીના પંકજ સિંહ 1 લાખ વોટથી આગળ છે જ્યારે દાદરી સીટ પર તેજપાલ નાગર 80 હજાર વોટથી આગળ છે. જેવરમાં ભાજપના ધીરેન્દ્ર સિંહ 40 હજાર મતોથી આગળ છે.
નવજોત સિંહ સિદ્ધુ ચૂંટણી હારી ગયા
નવજોત સિંહ સિદ્ધુ અમૃતસર પૂર્વથી ચૂંટણી હારી ગયા છે. સિદ્ધુ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ હતા અને મુખ્યમંત્રી પદની રેસમાં પણ આગળ હતા. અમૃતસર પૂર્વમાં આમ આદમી પાર્ટીના જીવનજ્યોત કૌરની જીત છે, જ્યારે નવજોત સિંહ સિદ્ધુ અને અકાલી દળના બિક્રમ સિંહ મજીઠિયા હારી ગયા છે. પંજાબમાં મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની પણ બંને બેઠકો પરથી ચૂંટણી હારી ગયા છે, તેમની સાથે સુખબીર બાદલે પણ પોતાની હાર સ્વીકારી લીધી છે.

પંજાબમાં આમ આદમી પાર્ટીની ઉજવણી શરુ
પંજાબમાં જીત બાદ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ દ્વારા ઉજવણી શરુ કરવામાં આઆવી છે. જેમાં આપના મુખ્યમંત્રી ઉમેદવાર ભગવંત પણ સામેલ થયા હતા. તેમણે આ તકહે સંબોધન પણ કર્યુ છે. જેમાં કહ્યું કે આપણે બધા સાથે મળીને સેવા કરીશું, પંજાબને એક થઈને ચલાવીશું. પહેલા પંજાબ મહેલોમાંથી ચાલતું હતું, હવે પંજાબ ગામડાઓથી જ ચાલશે. જે મોટા નામો હતા તે બધા હારી રહ્યા છે. અમે લેખિતમાં કહ્યું હતું કે ચન્ની સાહેબ હારી રહ્યા છે, એવું જ થયું છે.
આ સિવાય ભગવંત માને જાહેરાત કરી છે કે તેઓ રાજભવન નહીં પણ ખટકર કલાં ખાતે શપથ લેશે. ઉલ્લેખનીય છે કે ખટકર કલાં શહીદ-એ-આઝમ ભગત સિંહનો જિલ્લો છે.

મતગણતરી વચ્ચે સપાનું ટ્વિટ
મત ગણતરી વચ્ચે સમાજવાદી પાર્ટી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે કે 100 કરતા પણ વધારે સીટો પર મતનો તફાવત 500 કરતા પણ ઓછો છે. સપાએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના ટ્રેન્ડમાં 100 સીટો પર 500 મતનો જ તફાવત છે. સમાજવાદી પાર્ટી ગઠબંધનના કાર્યકરો, પદાધિકારીઓ અને નેતાઓને સતર્ક રહેવાની અપીલ કરે છે.
કેપ્ટન અમરિંદરની પટિયાલાથી હાર
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ પંજાબની પટિયાલા અર્બન સીટ પરથી હારી ગયા છે. આમ આદમી પાર્ટીના અજીતપાલ સિંહ કોહલીએ અમરિંદર સિંહને 19 હજાર મતોથી હરાવ્યા છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પહેલા અમરિંદર સિંહે કોંગ્રેસ છોડીને પોતાની પાર્ટી બનાવી હતી.

પંજાબના પરિણામો બાદ અરવિંદ કેજરીવાલનું ટ્વિટ
પંજાબમાં ચૂંટણી પરિણામો આવ્યા બાદ અરવિંદ કેજરીવાલનું પહેલું ટ્વિટ આવ્યું છે, તેમણે ભગવંત માન સાથેની એક તસવીર શેર કરી અને લખ્યું કે આ ક્રાંતિ માટે પંજાબના લોકોને ખૂબ ખૂબ અભિનંદન.
37 વર્ષ બાદ તૂટ્યો રેકોર્ડ
ઉત્તર પ્રદેશમાં 37 વર્ષનો રેકોર્ડ તૂટવા જઇ રહ્યો છે. યુપીમાં 37 વર્ષ બાદ એવું થઇ રહ્યું છે કે, જ્યારે સંપૂર્ણ બહુમતી સાથે બનેલી સરકારનું પુનરાવર્તન થઈ રહ્યું છે. 2017ના વર્ષમાં પૂર્મ બહુમતિ સાથે સત્તામાં આવ્યા બાદ 202માં પણ ભાજપની જ સરકાર બનવા જઇ રહી છે. આ પહેલા 1980, 1985ના વર્ષમાં આવું થયું હતું. જ્યારે પૂર્ણ બહુમતી સાથેની કોઇ સરકારનું પુનરાવર્તન થયું હોય. 1980માં કોંગ્રેસને ઉત્તર પ્રદેશમાં 309 સીટો મળી હતી અને તેમણે સરકાર બનાવી હતી, જ્યારે ફરી 1985માં 269 સીટો સાથે કોંગ્રેસ સરકારમાં આવી હતી.
પાંચ રાજ્યોની ચૂંટણીની મતગણતરી આજે સવારે 8 વાગ્યાથી શરૂ થઇ. જે બાદથી પંજાબને છોડી તમામ 4 રાજ્યોમાં ભાજપ આગળ દેખાઇ રહ્યું છે. દેશનું વસ્તીની દ્રષ્ટીએ સૌથી મોટું રાજ્ય ઉત્તર પ્રદેશમાં 403 બેઠકો પર ભાજપ તાજેતરના વલણ મુજબ 250 બેઠકથી પણ વધુ મેળવી રહી હોય તેવુ દેખાઇ રહ્યું છે. વળી આ ઉપરાંત ઉત્તરાખંડની 70 બેઠકો પૈકી ભાજપ 46 બેઠકો પર  આગળ ચાલી રહી છે. જ્યારે મણિપુર અને ગોવામાં પણ ભાજપ સરકાર બનાવે તેવા વલણો તાજેતરમાં સામે આવી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસના આ પાંચ રાજ્યોમાં સૂપડા સાફ થઇ ગયા છે. 
મતગણતરીના એક-બે દિવસ પહેલા એક્ઝિટ પોલમાં ભાજપને જે પ્રમાણે બેઠકો મળી રહી હતી તે બતાવવામાં આવી રહ્યું હતુ તેવું જ હાલમાં ચિત્ર દેખાઇ રહ્યું છે. પાંચ રાજ્યોના આંકડા જોઇએ તો ઉત્તર પ્રદેશમાં વલણો મુજબ ભાજપ 262 બેઠકો મેળવી રહી છે. વળી સપા 100 પાર બેઠકો મેળવી રહી છે. જ્યારે કોંગ્રેસ પાર્ટીની વાત કરીએ તો તે હાંસિયા મુકાઇ ગઇ છે. 
પંજાબની વાત કરીએ તો અહી આમ આદમી પાર્ટી સૌથી વધુ બેઠકો મેળવી રહી છે. વલણો મુજબ પંજાબમાં AAP 90 બેઠકો મેળવી રહી છે. જ્યારે કોંગ્રેસ 17 બેઠકો સાથે આગળ ચાલી રહી છે. ભાજપને અહી મોટો ફટકો પડ્યો છે. અહી પાર્ટી માત્ર 2 બેઠકો સાથે આગળ ચાલી રહી છે. 
ઉત્તરાખંડમાં જ્યા 70 બેઠકો પૈકી ભાજપને 46 બેઠકો મળતી દેખાઇ રહી છે. અહી કોંગ્રેસ 20 બેઠકો સાથે આગળ ચાલી રહી છે. જ્યારે AAP પાર્ટી અહીં  ખાતું પણ ખોલી શકી નથી. 
મણિપુરમાં 60 વિધાનસભાની બેઠકો પૈકી ભાજપને 30 તો કોંગ્રેસને 6 બેઠકો મળતી દેખાઇ રહી છે. વળી અહી અપક્ષની સ્થિતિ કોંગ્રેસ કરતા ઘણી સારી દેખાઇ રહી છે. અહી અપક્ષને 24 બેઠકો મળતી દેખાઇ રહી છે. 
ગોવા કે જ્યા ભાજપ, કોંગ્રેસ, આપ અને TMC પોતાની પાર્ટીને જીત મળે તે માટે ઘણી મહેનત કરી રહ્યા હતા. પરંતુ અહીં પણ ભાજપ સૌથી આગળ દેખાઇ રહી છે. અહીં ભાજપને 19 બેઠકો, કોંગ્રેસ 12 બેઠકો, TMC 2 અને AAP 3 બેઠકો સાથે આગળ ચાલી રહી છે. 

ઉલ્લેખનીય છે કે, પરિણામની જાહેરાત પહેલા જ ઉત્તર પ્રદેશમાં EVMને લઈને સતત વિવાદ ચાલી રહ્યો છે. વારાણસી સહિત આસપાસના વિસ્તારોમાં EVM, બેલેટ પેપર શંકાસ્પદ સ્થળોએ મળી આવ્યા બાદ હોબાળો મચી ગયો છે. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે રાજ્ય અને કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે, સાથે જ ચૂંટણી પંચને પરિણામોમાં નિષ્પક્ષ રહેવાની અપીલ કરી છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા વર્ષ 2017માં ઉત્તર પ્રદેશમાં ભાજપને સૌથી વધુ 312 બેઠકો મળી હતી. જે દરમિયાન કોંગ્રેસને સૌથી ઓછી 7 બેઠકો મળી હતી. સપાને 47, બસપાને 19 અને અન્યને 18 બેઠકો મળી હતી. જોકે, આ વખતનું સમીકરણ થોડું અલગ છે. આ વખતે એક્ઝિટ પોલમાં કોઇ પાર્ટીને 300+ બેઠકો મળી રહી નથી. વળી ગોવાની વાત કરીએ તો વર્ષ 2017માં ભાજપને અહી 13 તો કોંગ્રેસને 17 બેઠકો મળી હતી તેમ છતા ભાજપ સરકાર બનાવવામાં સફળ રહી હતી. વળી અન્યને અહી 10 બેઠકો મળી હતી.