Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

વધતી ઉંમર તો અનુભવોની સમૃધ્ધિનું પ્રતિબિંબ છે !

05:03 AM Apr 17, 2023 | Vipul Pandya

લહઝે કો ઝરા દેખ જવાં હૈ કિ નહીં ?
બાલો કી સફેદી કો બુઢાપા નહીં કહેતે !
થોડા દિવસ પહેલા બીગ બોસના શો માં એક ઝઘડો ખુબ ચર્ચાયો હતો. બીગ બોસ 15 ના બે કન્ટેસ્ટન્ટ તેજસ્વી અને શમિતા શેટ્ટી વચ્ચે શોની શરૂઆતથી જ મતભેદો જોવા મળી રહ્યા હતા અને તેમાં પણ આ ઝઘડાએ સાવ અલજ જ સ્તર પર આખા મામલાને પહોંચાડી દીધો હતો. તેજસ્વી પ્રકાશે શમિતાને આંટી કહીને સંબોધિત કરતા જ આખો મામલો બિચક્યો હતો. શમિતા શેટ્ટી કે તેજસ્વી પ્રકાશ વચ્ચે એક શોમાં થયેલી આ ઝઘડાની વાત આજે કરવાનો ઉદ્દેશ્ય એજ છે કે કે કોઇ પણ વ્યક્તિને તેની ઉંમર સાથે કોઇ પ્રકારની ટિપ્પણી કરવી કેટલી યોગ્ય કહેવાય? 
ઉંમર વધુ હોય એ મજાકનો મુદ્દો બની શકે?
આ કે આ પ્રકારના જે બનાવો સામે આવે છે તે આજની સમાજની વિચારસરણીને છતી કરવા માટે પુરતા છે. સમય જતા કોઇની પણ ઉંમર વધતી જવી એ તો સ્વાભાવિક ઘટના છે તો એજશેમિંગ કરતા લોકોની માનસિકતા શું હોય છે ? આમ કરવામાં લોકોને આખરે શું મજા આવતી હશે?
સામાન્ય રીતે સ્ત્રીઓ જ બને છે ભોગ? 
બોડી શેમિંગનો આ પહેલો કિસ્સો નથી, જો બારીકાઇથી વિચારવામાં આવે તો આ પ્રકારની ટિપ્પણી એક ઉંમરે પહોંચેલી કોઇને કોઇ સ્ત્રીને સહન કરવાનો વારો આવ્યો જ હશે. તેમાં પણ એક ચોક્કસ પ્રકારના વ્યવસાય સાથે જોડાયેલી સ્ત્રીઓએ આ પ્રકારની ટિપ્પણી વધુ ભોગવવી પડે છે. તેમાં પણ પુરુષોની ઉંમર પર સામાન્ય રીતે ટિપ્પણી નથી થતી જેટલી ટિપ્પણી સ્ત્રીઓની કરવામાં આવે છે. સ્ત્રી માટે ક્યારેક કંઇ લખવામાં પણ આવે તો પણ જાણે કે તે ચોક્કસ ઉંમરની જ હોવી જોઇએ, તે સુંદર જ હોવી જોઇએ, તેની કાયા સપ્રમાણ જ હોવી જોઇએ, તેનો રંગ ગોરો જ હોવો જોઇએ. આવું શા માટે? 
વાળમાં આવતી સફેદીની પોતાની આગવી સુંદરતા છે, ચહેરા પરની કરચલી પણ તેના અનુભવોનો એક સુંદર નિચોડ વર્ણવે છે. તેના દેહ પર જો વળાંકો ન પણ હોય પણ તેના શરીર પર દેખાતા થર તેની જવાબદારીઓનો ભાર જે તેણે ઉચક્યો છે તે દર્શાવે છે. કેમ આ વાત આજનો સમાજ નથી સ્વીકારતો ? 
વધુ ઉંમર – વધુ અનુભવ એમ ન માની શકાય?
એક ફિલ્મનો અભિનેતા ગમે તે ઉંમર સુધી હિરો રહી શકે પણ એક અભિનેત્રી લગ્ન બાદ કે એક સંતાનના જન્મ પછી મુખ્ય અભિનેત્રી ન રહીને હિરોની માતાના રોલમાં કેમ જોવા મળતી હશે? એક ઉંમરે પહોંચ્યા પછી એક સ્ત્રી અમુક પ્રકારના વ્યવસાય સાથે જોડાયેલી ના રહી શકે, માત્ર એક સ્ત્રીની આવડત તો જ સ્વીકારવામાં આવે જો એ સ્ત્રી યુવાન હોય અને સુંદર હોય. ઉંમર વધી તેમ તેનો અનુભવ પણ સમૃધ્ધ થયો હોય તો એ અનુભવની સમૃધ્ધિની કોઇ કિંમત જ નહીં?
બ્યુટી પ્રોડક્ટ્સનું એટલે જ છે માર્કેટ ! 
આજકાલ જ્યાં જુઓ ત્યાં અને જ્યારે જુઓ ત્યારે તમને બ્યુટી પ્રોડક્ટ્સની જાહેરાતો જોવા મળશે, એની પાછળ પણ લોકોની માનસિકતા જ જવાબદાર છે. સુંદરતાને ચોક્કસ પેરામીટર્સ આપી દેવામાં આવ્યા છે અને તેને કારણે લોકો આજે આ વિચારસરણીમાં બંધાઇ ગયા છે, કહો કે જકડાઇ ગયા છે. સમાજે આ વિચારસરણી બદલવાની જરૂર છે કારણકે આ માનસિકતાને કારણે લોકો જડ થતા જઇ રહ્યા છે અને જો આ નહીં બદલાય તો ફરીએકવાર ભોગવવાનો વારો તો સ્ત્રીઓને જ આવશે.