GONDAL : ગોંડલ (GONDAL) શહેરમાં સામાન્ય વરસાદ હોય કે ભારે વરસાદ હોય શહેરની અંદર પ્રવેશતા મુખ્ય અંડરબ્રિજો નીચે વરસાદી પાણી ભરાતા હોય છે. પરંતુ આજરોજ રેલવે તંત્રની બેદરકારીના કારણે વગર વરસાદે ઉમવાડા અંડરબ્રિજ નીચે એક થી બે ફૂટ પાણી ભરાય જવા પામ્યા હતા.
વરસાદમાં અંડરબ્રિજ સ્વિમિંગ પુલ બની જાય છે
શહેરમાં સામાન્ય એક થી બે ઈંચ કરતા વધુ વરસાદ આવે છે ત્યારે શહેરના મુખ્ય આશાપુરા – લાલપુલ અને ઉમવાડા અંડરબ્રિજ નીચે વરસાદી પાણી ભરાતા હોય છે અને જાણે ત્રણેય અંડરબ્રિજ સ્વિમિંગ પુલ બની જતા હોય છે. ત્યારે વાહનચાલકો અને આસપાસની સોસાયટીના રાહદારીઓને બ્રીજ નીચે પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવતો હોય છે અને વાહનચાલકો 3 થી 4 કિલોમીટર ફરી શહેરમાં પ્રવેશતા હોય છે.
રેલવેની મોટર ખરાબ થતા સ્થિતિ સર્જાઈ હતી
શહેરમાં આજરોજ સવારે ઉમવાડા અંડર બ્રીજ નીચે વગર વરસાદે પાણી ભરાયા હતા અને જણવા મળતી માહિતી મુજબ રેલવે તંત્રની પાણીની મોટર ખરાબ થતા પાણી ભરાયા હતા. અને નગરપાલિકા કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજાએ રેલવે ના અધિકારીઓને ફોન પર ઉધડા લીધા હતા તાત્કાલિક રેલવે તંત્રના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને ખરાબ થયેલ પાણી ની મોટરનું રિપેરીંગનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. અંદાજે 2 થી 3 કલાક જેટલો સમય પાણી મોટર રિપરિંગ લાગશે તેવું જણાવ્યું હતું. ત્યારે રેલવે તંત્રની બેદરકારીને કારણે રાહદારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
ગુંદાળા ફાટક બંધ થતાં ટ્રાફિક ડાયવર્ટ કરાયો હતો
ગુંદાળા રોડ પર રેલવે તંત્ર દ્વારા કરોડોના ખર્ચે ફ્લાય ઓવરબ્રિજની કામગીરી બે દિવસ પહેલા શરૂ કરવામાં આવી હતી અને ગુંદાળા રોડ પર આવેલ ફાટક ઓવરબ્રિજની કામગીરીને લઈને બંધ કરવામાં આવ્યું હતું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને સાંઢિયા પુલ ઓવરબ્રિજ અને ઉમવાડા અંડરબ્રીજ પર ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો હતો ત્યારે આજરોજ ઉમવાડા અંડરબ્રિજ નીચે એક થી બે ફૂટ પાણી ભરાતા રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.
અહેવાલ – વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો — GONDAL : સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીઅક્ષર મંદીર ગોંડલમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ અને વિરાટ વૈદિક મહાપૂજા યોજાશે