કોરોના (Corona) મહામારી પહેલાથી જ સરકાર આ વખતે ઓક્સિજનની ઉપલબ્ધિ મામલે સતર્ક છે ત્યારે તેના ભાગરુપે રાજ્યભરની હોસ્પિટલોમાં ઓક્સિજન ડ્રાઈવ યોજાઈ છે. ઓમિક્રોનનો નવો વેરિયન્ટ જાેવા મળ્યો છે જેના પર આરોગ્ય વિભાગ સતત નજર રાખી રહ્યો છે. ખાનગી હોસ્પિટલો પણ અગાઉની માફક કોરોના સંદર્ભે સરકાર સાથે મળીને કામ કરે તે વધારે ઈચ્છનીય છે અને તેના ભાગરુપે ખાનગી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી એક્ટ મુજબના સાધનોની વ્યવસ્થા કરાય તે પણ જરુરી છે. તેમ આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યુ હતુ.
હોસ્પિટલોમાં ઓક્સિજન મોક ડ્રીલ
કોરોના મહામારી માથુ ઊંચકી રહી છે ત્યારે સરકારે અત્યારથી જ સતર્ક બનીને રાજ્યભરની હોસ્પિટલોમાં ઓક્સિજન મોક ડ્રીલ યોજી હતી. અમદાવાદમાં સોલા સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલી મોક ડ્રિલમાં અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ પહોંચ્યા હતા અને તેમની હાજરીમાં મોકડ્રિલ યોજાઈ હતી. આ તકે ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરતા મનોજ અગ્રવાલે જણાવ્યુ હતુ કે, હોસ્પિટલોમાં ઓક્સિજનની ઉપલબ્ધિ, તે કેવી રીતે હોસ્પિટલ સુધી પહોંચશે, તે માટે હોસ્પિટલ અને અન્ય સાધનોની સુસજજતા સહિતના મુદ્દા પર મોકડ્રિલમાં ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. સરકાર પાસે હાલ કોરોના મહામારી ફેલાય તો પુરતો ઓક્સિજન અને પુરતી દવાઓ તેમજ હોસ્પિટલોમાં પુરતા બેડની વ્યવસ્થા સહિતની સુસજ્જતા છે. કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની તંગી વરતાયેલી ત્યારે ઊભા કરાયેલા પીએમએ પ્લાન્ટ, વેન્ટીલેટર સહિતના સાધનોની ચકાસણી કરવામાં આવી રહી છે. હાલ ઓમિક્રોનના સબ વેરિયન્ટ જાેવા મળી રહ્યા છે, જેના જિનોમ સિકવન્સ કરવામાં આવી રહ્યા છે, ઈન્ટરનેશનલ પેસેન્જર્સ જે આવી રહ્યા છે તેમાંથી 2 ટકા પેસેન્જર્સના રેન્ડમ કોવિડ ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે. તમામ પોઝિટિવ કેસને પણ જિનોમ સિકવન્સ માટે મોકલી રહ્યા છીએ. અગાઉની કોરોના લહેરમાં ઓક્સિજન સિલન્ડર સહિતના સાધનો વાપરવા સંદર્ભે તાલીમ પામેલા સ્ટાફની અછત હતી પણ કોરોનાની લહેર પૂર્ણ થયા બાદ સરકારે તરત જ આ પ્રકારની તાલીમ મેડિકલ સ્ટાફને આપવાનું શરુ કરી દીધેલુ જે પૈકી તમામ સ્ટાફને એક વખત આ પ્રકારની તાલીમ આપી ચુક્યા છીએ.
સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી માટે જરુરી વ્યવસ્થા
અગાઉની કોરોના લહેર વખતે ખાનગી હોસ્પિટલોમાં કોરોના વોર્ડમાં આગ લાગવાની ઘટનાઓ બની હતી જેના સંદર્ભમાં મનોજ અગ્રવાલે જણા્વ્યુ કે, આ ઘટનાઓ બાદ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી માટે જરુરી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. ખાનગી હોસ્પિટલોને આ માટે કોર્પોરેશન તરફથી નોટિસ પણ આપવામાં આવી છે. હવે જ્યારે કોરોના ફરીથી માથુ ઊંચકી રહ્યો છે ત્યારે મોકડ્રિલ અંતર્ગત ફાયર સેફ્ટી અંગે પણ હોસ્પિટલોમાં ચકાસણી કરાશે. કોરોના સામે લોકજાગૃતિ પણ એટલી જ જરુરી છે. હાલ પરિસ્થિતિ તમામ રીતે કાબુમાં છે. સ્ટાફ સુસજજ છે અને દવાઓ પણ પુરતા પ્રમાણમાં છે માટે લોકોએ પેનિક થવાની જરુર નથી તેમ મનોજ અગ્રવાલે જણાવ્યુ હતુ.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.