Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Heavy Rain : બોરસદ 14 ઇંચ, વડોદરા સાડા ઇંચ, 51 ડેમ હાઇ એલર્ટ પર…

07:39 AM Jul 25, 2024 | Vipul Pandya

Heavy Rain : ગુજરાતમાં સાર્વત્રિક અતિ ભારે વરસાદ (Heavy Rain) થી જળબંબાકારની સ્થિતી સર્જાઇ છે. રાજ્યમાં વીતેલા 22 કલાકમાં 236 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં આણંદના બોરસદમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો છે જ્યારે વડોદરામાં સાડા આઠ ઇંચ વરસાદ વરસ્યો છે. નર્મદાના તિલકવાડામાં સવા 8 ઇંચ વરસાદ અને વડોદરાના પાદરામાં 8 ઇંચ વરસાદ વરસ્યો છે.

ભરૂચમાં પોણા 8 ઇંચ વરસાદ

આ સાથે ભરૂચમાં પોણા 8 ઇંચ વરસાદથી પાણી-પાણી થઇ ગયું છે અને નવસારીના ખેરગામમાં સાડા 6 ઇંચ વરસાદ પડ્યો છે. છોટા ઉદેપુરના નસવાડીમાં 6 ઇંચ વરસાદ અને નર્મદાના નાંદોદ તથા વડોદરાના શિનોરમાં 6 ઇંચ વરસાદ પડ્યો છે. આ સિવાય રાજ્યના અન્ય તાલુકામાં અડધાથી સાડા 5 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે.

મુખ્યમંત્રીએ કરી સમિક્ષા

બીજી તરફ બુધવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકમાં હાલ સમગ્ર રાજ્યમાં વ્યાપક અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. જે સંદર્ભે વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ભારે વરસાદને પરિણામે જે જિલ્લાઓ-વિસ્તારોમાં પાણી ભરાવાની અને માલ-મિલકતને નુકસાન થવાની વિકટ સ્થિતિ થઈ છે ત્યાં બચાવ રાહત કામગીરીમાં જિલ્લા તંત્રના માર્ગદર્શન માટે સંબંધિત જિલ્લાના પ્રભારી મંત્રીઓને પહોંચી જવાની સૂચનાઓ મુખ્યમંત્રીએ આપી હતી આ ઉપરાંત રોડ-રસ્તા, ડેમ, વીજળી, પાણી પુરવઠો, ખેતીવાડીને થયેલ નુકસાન સહિતની બાબતોની તલસ્પર્શી સમીક્ષા મંત્રીમંડળની બેઠકમાં થઈ હતી.

રાજ્યમાં 52.23 ટકા વરસાદ

રાજ્યમાં બુધવારે સાંજના ૦૬ વાગ્યા સુધીમાં ૪૬૧.૨૨ મી.મી. વરસાદ વરસ્યો છે. જે સરેરાશ વરસાદની સામે ૫૨.૨૩ ટકા વરસાદ છે. રાજ્યમાં કચ્છ રીજીયનમાં સૌથી વધુ ૭૫.૫૦ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં ૨૬.૭૧ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૩૧.૩૮ ટકા, સૌરાષ્ટ્રમાં ૭૩.૩૬ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૬૨.૦૪ ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યના ૭૪ તાલુકાઓમાં ૫૦૦ મી.મી.થી વધુ વરસાદ વરસ્યો છે.

અત્યાર સુધી 9ના મોત

ચોમાસાની સિઝન દરમિયાન અત્યારસુધીમા રાજ્યના ૭ જિલ્લાઓમાંથી કુલ ૪,૨૩૮ નાગરિકોનું સ્થળાંતર તથા ૫૩૫ નાગરિકોનું રેસ્ક્યુ કરાયું છે. રાજ્યમાં એન.ડી.આર.એફ.ની ૧૩ અને એસ.ડી.આર.એફ.ની ૨૦ ટીમો તૈનાત કરાઇ છે તથા એન.ડી.આર.એફ.ની બે ટીમો રિઝર્વ રાખવામાં આવી હોવાનું પ્રવક્તા મંત્રી એ જણાવ્યું હતુ. ૨૩ જુલાઇના રોજ દેવભૂમિ દ્વારકામાં ૦૩, બનાસકાંઠામાં ૦૨, કચ્છ ૦૨, રાજકોટ ૦૧, અને સુરત ૦૧ એમ કુલ ૦૯ માનવ મૃત્યુ નોંધાયા છે.જેમાં કેટલાક વીજળી પડવાથી અને કેટલાક પાણીમાં તણાઇ જવાના કારણે નિપજ્યાં છે.

રસ્તાઓ બંધ

વરસાદને પગલે વીજળીના કારણે ૫૮૧૭ ગામડાઓ પૈકી ૫૭૯૬ , ૧૧૩૫૮ ફીડર પૈકી ૧૧૦૩૭, ૫૨૫૫ પોલ પૈકી ૪૨૧૧ અને ૩૧૭ ટ્રાન્સફોર્મર સેન્ટર પૈકી ૧૮૪ પૂર્વવત કરાયા છે . વરસાદને પગલે અસર પામેલા માર્ગો પૈકી ૩૦ ને પૂર્વવત કરાયા છે જેમા ૦૨ રાજ્યના માર્ગો, ૨૩ પંચાયત ના અને ૫ અન્ય માર્ગો છે.

6 જળાશયોમાં ૪૨.૨૮ ટકા પાણી

રાજ્યના વિવિધ ડેમમાં પાણીની સ્થિતિ અંગેની વિગતો આપતા મંત્રીએ જણાવ્યું હતુ કે, હાલ રાજ્યમાં સરદાર સરોવર નર્મદા લિ. હેઠળ ૧૮૨૪૪૪ એમ.સી.એફ.ટી. પાણીનો જથ્થો સંગ્રહ થયેલ છે. જે કુલ ક્ષમતાના ૫૪.૬૧ ટકા છે. રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં સંગ્રહાયેલ કુલ પાણીનો જથ્થો ૨,૩૬,૮૪૯ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ ૪૨.૨૮ ટકા છે. જેમાં કુલ ક્ષમતાના ૧૦૦ ટકા ભરાયેલ ડેમની સંખ્યા ૪૬ , ૭૦ થી ૧૦૦ ટકા ભરાયેલ ડેમની સંખ્યા ૨૫, ૫૦ થી ૭૦ ટકા ભરાયેલ ડેમની સંખ્યા ૪૧, ૨૫ ટકા થી નીચે ભરાયેલ ડેમની સંખ્યા ૬૯ છે.

206 ડેમ પૈકી 51 ડેમને હાઇ એલર્ટ પર

રાજ્યના ૨૦૬ ડેમ પૈકી ૫૧ ડેમને હાઇ એલર્ટ પર , ૮ ડેમને એલર્ટ અને ૧૨ જેટલા ડેમને વોર્નીંગ સ્ટેજ પર રાખવામાં આવ્યા છે. રાજ્યમાં ભારે વરસાદને પગલે જે રસ્તાઓ અને ક્રોઝ-વેનું ધોવાણ થયું છે તે પાણી ઓસરતા સત્વરે મરામત કરીને સમગ્ર પરિસ્થિતીને પૂર્વવત કરવા મુખ્યમંત્રી એ સૂચન કર્યું હોવાનું પ્રવક્તા મંત્રી એ જણાવ્યું હતુ.

આ પણ વાંચો—-Rain in Gujarat : આ જિલ્લાઓ માટે આગામી 3 કલાક અતિ ભારે! મેઘરાજા બોલાવશે ધબધબાટી!