Cricket Betting : ગુજરાત પોલીસ (Gujarat Police) એક પછી એક કરોડો-અબજો રૂપિયાના ક્રિકેટ સટ્ટા બેટિંગ (Cricket Betting) ના કેસ કરી રહી છે. સટ્ટા બજારનો ગઢ બની ગયેલા પાટણ શહેર (Patan City) માં બોર્ડર રેન્જ સાયબર સેલની ટીમે દરોડો પાડી ચર્ચાસ્પદ બુકી સૌરભ ચંદ્રાકર ઉર્ફે મહાદેવ (Saurabh Chandrakar alias Mahadev) ના ભાગીદારને પકડી પાડી હજારો કરોડ રૂપિયાના સટ્ટાકાંડનો પર્દાફાશ કર્યો છે. ભરત ચૌધરીને પોલીસે અદાલતમાં રજૂ કરી 1 ઑગસ્ટ સુધીના રિમાન્ડ મેળવ્યા છે. ભરતના મોબાઈલ ફોનમાંથી સૌરભ ઉર્ફે મહાદેવ, દિલીપ પ્રજાપતિ, રવિકુમાર સિંગ અને રોનક પ્રજાપતિના પાસપોર્ટના ફોટો મળી આવ્યા છે. પકડાયેલા ભરત ચૌધરી કોનો-કોનો ભાગીદાર છે અને Dubai થી કેવી રીતે હવાલા રેકેટ ચલાવતો. વાંચો આ અહેવાલમાં…
બુકી દુબઈથી વતનમાં આવતા ઝડપાયો
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા (Chirag Koradia IPS) ને બાતમી મળી હતી કે, ભરત ચૌધરી વતન પાટણમાં આવ્યો છે અને મળતીયાઓ સાથે ગ્લોબલ ટી 20 કેનેડાની મેચ પર સટ્ટો રમાડે છે. આ હકિકતના આધારે બોર્ડર રેન્જ સાયબર સેલ (Border Range Cyber Cell) ના પીએસઆઈ વાય. કે. ગોહિલે સ્ટાફ સાથે વોચ ગોઠવી પાટણ શહેરમાંથી ભરત ચૌધરીને ઝડપી લીધો હતો. ભરત મુમજીભાઇ ચૌધરીના મોબાઈલ ફોનમાંથી જુદીજુદી 23 ID ને 68 ખાતા મળી આવ્યા હતા. દુબઈ સ્થિત સૌરભ ચંદ્રાકર ઉર્ફે મહાદેવ (Bookie Saurabh Chandrakar) અને અતુલ અગ્રવાલ સાથે મળીને ભાગીદારીમાં ચલાવતો હોવાની કબૂલાત કરી છે. ભરત ચૌધરી પાસેથી એક મોબાઈલ ફોન અને એક કાર કબજે લેવામાં આવી છે. કારની માલિકી ભરતના ભાગીદાર રોનક પ્રજાપતિની હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
કોની-કોની સામે ફરિયાદ નોંધાઈ
પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશન (Patan Police Station) ખાતે જુગાર અટકાયતી અધિનિયમ 12, BNS 65 અને IT Act હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદમાં ધરપકડ કરાયેલા ભરત ચૌઘરી (મૂળ રહે. કમાલપુર, તા. રાધનપુર, જિ. પાટણ અને અમદાવાદ) ઉપરાંત સૌરભ ચંદ્રાકર, અતુલ અગ્રવાલ, દિલીપકુમાર માધવલાલ પ્રજાપતિ, ઝારખંડનો રવિકુમાર સિંગ અને રોનકકુમાર રમેશભાઇ પ્રજાપતિ (તમામ. રહે. દુબઈ)ને આરોપી દર્શાવવામાં આવ્યા છે.
દુબઈમાં થતા હવાલાનો પર્દાફાશ
ભરત ચૌધરી (Bookie Bharat Chaudhary) ના મોબાઈલ ફોનમાંથી જુદીજુદી મીડિયા લિંક્સ અને ડોક્યુમેન્ટ ફાઈલમાંથી 10-20 રૂપિયાના દરની ચલણી નોટોના ફોટા મળી આવ્યા છે. આ ઉપરાંત WA Business માં પોલીસે પંચ રૂબરૂ તપાસ કરતા deltin brijesh ના વૉટ્સએપ એકાઉન્ટમાં 1 રૂપિયાની ચલણી નોટનો ફોટો મળી આવ્યો છે. જેની નીચે 5 પેટી આપેલ છે તેવું લખાણ મળી આવ્યું હતું. ભરત ચૌધરી દુબઈ ખાતેથી અલગ અલગ પાર્ટીના Cricket Betting માં રૂપિયાના હવાલા કરાવતો હતો.
Cricket Betting માં મોટાપાયે ભાગીદારી
ભરત ચૌધરીના ફોનમાંથી મળેલા હવાલા રેકેટ (Hawala Racket) ના પૂરાવાઓને લઈને પૂછપરછ કરાતા તેણે Mahadev Book ના સૌરભ ચંદ્રાકર અને અતુલ અગ્રવાલ ભાગીદારીમાં ધંધો કરી રહ્યા હોવાનું જણાવ્યું છે. Reddy Anna, Gajanan, Appa Book, Rajvir Online, Sunny Online, Fairplay, Lotus365, Jannat Book અને Lion Book થકી મોટાપાયે ક્રિકેટ બેટિંગનો ગેરકાયદેસર ધંધો દુબઈ સ્થિત સૌરભ અને અતુલ ભાગીદારીમાં ચલાવી રહ્યાં છે.
એક વર્ષમાં 5215 કરોડનું ટર્નઓવર
પોલીસના હાથમાં આવેલા ભરત ચૌધરીના મોબાઈલ ફોને તમામ રાઝ ખોલી નાંખ્યા છે. ભાગીદાર અતુલ અગ્રવાલ સાથે મળેલા ફાઈનલ હિસાબમાં 5215 કરોડ રૂપિયાનું વર્ષ 2023માં ટર્નઓવર કર્યું હોવાનું એટલે કે, 5215 કરોડ રૂપિયાની સટ્ટામાં હાર-જીત થઈ છે.
IT કંપની થકી બેનંબરી નાણાની હેરફેર
ભરત ચૌધરીની ત્રણ આઈટી કંપની (IT Company) થકી ક્રિકેટ સટ્ટા બેટિંગની મોટી રકમની હેરાફેરી થતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. GCT Software Solution Pvt Ltd, UGC word Trading અને LLC Ashu Technology LLC નામની ત્રણ કંપનીઓ ભરત ચલાવે છે. જીસીટી સોફ્ટવેર અમદાવાદ સ્થિત કંપની છે. જ્યારે યુજીસી અને આશુ દુબઈ બેઝ કંપનીઓ છે. આ ત્રણ કંપનીઓ થકી Cricket Betting ના આઈડી ધારકોને રૂપિયાની ચૂકવણી થતી હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : LOC છતાં બુકી પાર્થ દોશીને એરપોર્ટથી બહાર કાઢનાર પ્રવીણ ઠક્કર કોણ ?