Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

મહેસૂલ વિભાગમાં ગોલમાલ : અમદાવાદની કરોડોની જમીનમાં મામલતદારે મલાઈ તારવી ?

01:13 PM Nov 26, 2023 | Bankim Patel

ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ (Revenue Department Gujarat) માં વર્ષે દહાડે કરોડો-અબજો રૂપિયાના કૌભાંડ થાય છે અને આ જગ જાહેર વાત છે. નોંધ પાડવા તેમજ હુકમ કરવા માટે અધિકારીઓ રૂપિયા ભરેલી કોથળી કે કોથળા વિના વાત પણ નથી કરતા. આવો જ એક કિસ્સો છે અમદાવાદ શહેરનો. વટવા મામલતદાર ડી. એ. રવિયા (D A Raviya) એ 12 વર્ષ જૂના અદાલતના આદેશને કેમ આધાર બનાવ્યો ? અદાલતના હુકમ તથા કોર્ટના ઓનલાઈન સ્ટેટસ (Court Online Status) સાથેની વાંધા અરજીને કેમ ગ્રાહ્ય ના રાખી ? કરોડોની કિંમતની જમીનમાં ખેલ કરવા પાછળ અમદાવાદના મામલતદાર ડી. એ. રવિયાનો શું સ્વાર્થ છે કે, તેઓ સુપ્રીમ કોર્ટ (Supreme Court) ના હુકમનો પણ અનાદર કરે છે.

શું છે સમગ્ર મામલો : અમદાવાદ શહેર (Ahmedabad City) ના છેવાડે વટવા ગામે આવેલી દસેક વીઘા જમીનની માલિકી હક્કને લઈને વર્ષ 2008થી લડાઈ ચાલતી હતી. નંદુભાઈ, વિષ્ણુભાઈ, ભાનુબહેન અને મોહનભાઈના ભાગે વડીલોપાર્જિત જમીન વટવા ગામે આવતી હતી. મોહનભાઈ અમદાવાદ અસલાલી ખાતે રહે છે. જ્યારે અન્ય ત્રણ જણાં અમેરિકા (USA) માં રહે છે. જમીન માલિકો પૈકીના એક મોહનભાઈ ગોરધનભાઈ પટેલે વર્ષ 2002માં મહેન્દ્ર ખોડીદાસ ઠાકોરને સંપૂર્ણ જમીનનું બાનાખાત વેચાણ કરી આપ્યું હતું. એટલે કે, USA ખાતે રહેતા નંદુભાઈ, વિષ્ણુભાઈ અને ભાનુબહેનની સહી કે સંમતિ વિના જમીન વેચાણનો બાનાખત કરી દેવાયો. મહેન્દ્રભાઈએ વર્ષ 2008માં ચારેય જમીન માલિક સામે બાનાખત આધારે સિવિલ કોર્ટ (Civil Court) માં દાવો કર્યો હતો. જે દાવામાં અદાલતે વર્ષ 2011ની તારીખ 19 મેના રોજ મનાઈ હુકમ આપ્યો હતો. જેથી અમેરિકા ખાતે રહેતા ત્રણેય જમીન માલિકોએ સિવિલ કોર્ટમાં અપીલ કરી હતી. વર્ષ 2017ની તારીખ 9 નવેમ્બરના રોજ અદાલતે જમીન માલિકોની તરફેણમાં હુકમ કર્યો હતો. વર્ષ 2012ની તારીખ 18 જાન્યુઆરીના રોજ મહેન્દ્ર ઠાકોરે કોઈપણ શરત વિના અદાલતમાંથી પોતાનો દાવો પરત ખેંચી લીધો હતો.

ફરજ નિષ્ઠ મામલતદારની કાર્યવાહી : વટવા સર્વે નંબર 231, 233/2, 233/1/1 અને 233/1/2 ને લઈને અદાલતમાં ચાલતા દાવાને મહેન્દ્ર ઠાકોરે 18 જાન્યુઆરી 2012માં બિનશરતી પાછો ખેંચી લીધો હતો. ત્યારબાદ US રહેતા જમીન માલિકોએ તેમના ભાગની જમીન અલ્પેશકુમાર સી. પટેલ અને અન્યને વેચાણ આપી દેતાં 7/12માં તેમના નામ દાખલ થઈ ગયા છે. આમ છતાં મામલતદાર ડી. એ. રવિયાએ તારીખ 19 મે 2011ના રોજ અદાલતે જમીનની માલિક હક્કની તકરારમાં આપેલા સ્ટેને આધાર બનાવી વાદી મહેન્દ્ર ઠાકોરની અરજીને અંશતઃ મંજૂર કરવાનો તારીખ 16 ઓક્ટોબરના રોજ પ્રતિવાદી મોહનભાઈ વિગેરેએ મિલકતની હાલની સ્થળ સ્થિતિ યથાવત દાવાના આખરી નિકાલ સુધી જાળવી રાખવા પ્રતિવાદીઓ વિરૂદ્ધ હુકમ કર્યો હતો.

આધાર સાથેની વાંધા અરજી ફગાવી : મામલતદાર રવિયાએ કરેલા આદેશ સામે 20 ઓક્ટોબરના રોજ અલ્પેશકુમાર પટેલે અદાલતમાં થયેલા દાવા નિકાલનું ઓનલાઈન કોર્ટ સ્ટેટસ તેમજ મનાઈ હુકમ રદ્દ કરવામાં આવેલો કોર્ટનો હુકમ વાંધા અરજી સાથે રજૂ કર્યો હતો. વાંધા અરજીમાં દર્શાવેલા કોર્ટ હુકમ અને ઓનલાઈન કોર્ટ સ્ટેટસ જોવાની જરા સરખી પણ તસ્દી નહીં લઈ મામલતદાર ડી. એ. રવિયાએ ધાર્યું કામ પાર પાડી દીધું. સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન અનુસાર કોઈપણ મનાઈ હુકમ 6 મહિનાથી વધુ ટકી ના શકે. સુપ્રીમ કોર્ટના હુકમનો અનાદર (Contempt of Court) કરી કરોડોની જમીનમાં વિવાદ નાંખતી કાચી નોંધને વટવા સર્કલ ઓફિસર (Circle Officer Vatva) પી. એમ. પટેલે (P M Patel) ગત 9 નવેમ્બરે પ્રમાણિત કરી દીધી છે.

આ પણ વાંચો : મહેસૂલની માયાજાળ : Ahmedabad ની કરોડોની જમીનમાં મામલતદારે ડખો નાંખ્યો ?