Kutch East : વર્ષોથી પોલીસ બેડામાં ચાલતી ખાનગી ચર્ચાઓમાં રહેતી કૉન્સ્ટેબલ નીતા ચૌધરી (Nita Chaudhari) આજે મીડિયામાં ચમકી રહી છે. કચ્છ પૂર્વ પોલીસ (Kutch East Police) ના ચોપડે હત્યાનો પ્રયાસ તેમજ દારૂની હેરાફેરી (Liquor Trafficking) ના કેસમાં લાપતા બનેલી સસ્પેન્ડેડ નીતા ચૌધરી ખરેખર ફરાર છે ? વૈભવી જીવનશૈલી ધરાવતી નીતા ચૌધરી ગુનાના કામે કબજે લેવાયેલી થારના કારણે કાયદાની ચૂંગાલમાં ફસાઈ છે. પાંચ દિવસથી ગાયબ નીતા ચૌધરી કેમ પોલીસને મળતી નથી. વાંચો આ અહેવાલમાં…
વૉન્ટેડ બુટલેગર અને નીતા સામે ગુનો કેમ નોંધાયો ?
કચ્છ પૂર્વના કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ જાડેજા હોય કે, અન્ય ગુનેગાર કે પછી પોલીસ અધિકારી કે રાજનેતા નીતા ચૌધરીના સંબંધોની ભૂતકાળમાં ચર્ચા રહી ચૂકી છે. ગત 30 જૂનની મોડી સાંજે નંબર પ્લેટ વિનાની થાર ચલાવી રહેલા યુવરાજ જાડેજા અને બાજુમાં બેસેલી નીતાને રોકવા માટે LCB Kutch East અને ભચાઉ પોલીસે ખાનગી વાહનોમાં ઘેરો નાંખી પકડવાની કોશિષ કરી હતી. ધરપકડના ડરથી લિસ્ટેડ બુટલેગર યુવરાજે પોલીસ જવાનોની બે કારને ટક્કર મારી યુવરાજ અને નીતા ભાગ્યા હતા. આખરે પોલીસે બુટલેગર અને સીઆઈડી ક્રાઈમ (CID Crime) ની કૉન્સ્ટેબલ નીતાને પકડવા થાર પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ બાદ થાર રોકાઈ જતા પોલીસે બંનેને અટકમાં લઈ થારમાં તપાસ કરતા વિદેશી દારૂની 16 બોટલ (For Sale In Rajshthan) અને બીયરના બે ટીન (For Sale in Gujarat) મળી આવ્યા હતા. આ ઉપરાંત થારમાંથી યોગેશ ગણપતભાઇ લીંબાચીયાના નામની આરસી બુક મળી હતી. ભચાઉ પોલીસ સ્ટેશન (Bhachau Police Station) ખાતે બંને આરોપીઓ સામે હત્યાનો પ્રયાસ તેમજ પ્રોહિબીશનનો એમ બે કેસ નોંધવામાં આવ્યા હતા. ફાયરિંગની ઘટના અને નીતા ચૌધરીની બુટલેગર સાથેની હાજરીને લઈને આ સમગ્ર મામલો ચર્ચાના ચગડોળે ચઢ્યો હતો. આ મામલામાં પોલીસ અધિકારીઓ નીતા ચૌધરીને છાવરે તો નોકરી પર મુશ્કેલી આવી પડે તેમ હતી. આથી મોડી રાતે પોલીસને કાર્યવાહી કરવાની ફરજ પડી.
કોની હેલ્થ પરમીટ પર બીયર આવ્યો ?
વિદેશી દારૂના જથ્થા સાથે પકડાયેલી નીતા ચૌધરીએ પૂછપરછમાં કુખ્યાત બુટલેગરને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. ફલેવર્ડ રમ અને બીયર પોતાના માટે લાવી હોવાની વાતનું નીતાએ રટણ કર્યું હોવાનું પોલીસ સૂત્રો કહે છે. ફલેવર્ડ રમના જથ્થા અંગે રાજસ્થાન કે પાડોશી જિલ્લામાં પોલીસની તપાસ ક્યાં અટકી તે એક સવાલ છે. બીયરના ટીન કોની હેલ્થ પરમીટ (Health Permit) પર નીતા લાવી હતી તેનો પોલીસ અધિકારી કોઈ ફોડ પાડતા નથી. સવાલના જવાબમાં માત્ર એક જ વાત, તપાસ ચાલુ છે.
આરોપી ફરાર કે ફાર્મમાં ?
વિદેશી દારૂની હેરાફેરી અને Kutch East ના પોલીસ જવાનની હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનામાં તપાસ અધિકારીએ અદાલતમાં નીતા ચૌધરીના રિમાન્ડ માગ્યા હતા. સ્થાનિક અદાલતે રિમાન્ડ અરજી ફગાવી આરોપી નીતા ચૌધરીને જામીન મુક્ત કરવા હુકમ કર્યો હતો. આ મામલાને સરકાર તરફથી જિલ્લા કોર્ટમાં પડકારવામાં આવતા નીતા ચૌધરીના જામીન રદ કરવાનો હુકમ થયો. જામીન રદ થયાની જાણ થતાંની સાથે જ નીતા ચૌધરી ધરપકડથી બચવા ભૂર્ગભમાં ઉતરી ગઈ છે. સૂત્રોના જણાવ્યાનુસાર નીતા ચૌધરીએ મોટા ગજાના એક નેતા પાસે કાયદાકીય લડતમાં મદદ કરવા હાથ લંબાવ્યો છે. રાજકીય નેતાએ નીતાને સંતાડવા રાજસ્થાન સરહદ પાસેના ફાર્મ હાઉસ (Farm House) માં વ્યવસ્થા ગોઠવી આપી હોવાની બનાસકાંઠા જિલ્લા (Banaskanth District) માં ભારે ચર્ચા છે.
પોલીસની ભૂમિકાને લઈને અનેક સવાલ
કચ્છના ચર્ચાસ્પદ સોપારી તોડકાંડમાં જેવી રીતે આરોપી પોલીસવાળા ફરાર હતા તેવી જ સ્થિતિ નીતા ચૌધરીના કેસમાં છે. Gujarat Police રિઢા અપરાધીઓને ગણતરીના કલાકોમાં શોધી નાંખતી હોય તો નીતા ચૌધરી તો એક સામાન્ય આરોપી ગણાય. સરકારના મોટા નેતા અને IPS અધિકારી સુધીના સંપર્ક ધરાવતી નીતા ચૌધરી હાઇકોર્ટ (Gujarat High Court) માંથી રાહત મેળવવા પ્રયત્નશીલ છે. રાજ્યમાં જ છુપાયેલી નીતા ચૌધરી હાલ કોના સંપર્કમાં અને કોની શરણમાં છે તે પોલીસ વિભાગના કેટલાંક અધિકારીઓ સારી રીતે વાકેફ છે. નીતાને શોધવા પોલીસ ટીમો કાર્યરત છે, પરંતુ ત્રણ દિવસ બાદ પણ આરોપી લાપતા છે.
થારની માલિકીનો સવાલ પોલીસને સતાવે છે
ભચાઉ પોલીસે કબજે લીધેલી થારમાંથી મળી આવેલી આરસી બુક અનુસાર માલિક યોગેશ લીંબાચીયા છે. યોગેશ લીંબાચીયા કચ્છના એક અખબારમાં ફોટોગ્રાફર (Media Photographer) તરીકે ફરજ બજાવે છે. લાખો રૂપિયાની કિંમતની થાર કોઈ સામાન્ય પ્રેસ ફોટોગ્રાફર કોઈ મહિલા પોલીસ કર્મચારીને કેમ આપે તે સવાલ પોલીસને સતાવી રહ્યો છે. નંબર પ્લેટ વિનાની થારની પાછળના ભાગે ચૌધરી લખેલું સ્ટીકર વાસ્તવમાં થારની માલિકી કોની છે તે સ્પષ્ટ રીતે દર્શાવે છે. જો કે, ભચાઉ પોલીસે કાર્યવાહીના ભાગરૂપે યોગેશ લીમ્બાચીયાને પૂછપરછ માટે નોટિસ પાઠવી છે.
આ પણ વાંચો – Cricket Betting : કરોડોના ખેલનો પર્દાફાશ, 1.50 કરોડની પોર્શ કાર પોલીસે કબજે લીધી
આ પણ વાંચો – Ambalal Patel : Z+ સિક્યુરિટી ધરાવતા નિવૃત્ત જજને સરકારે Director of Prosecution બનાવ્યા
આ પણ વાંચો – Tarun Barot : એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરૂણ બારોટે મહિલાનો જીવ બચાવ્યો