IMFL Theft : પોલીસ સ્ટેશનમાં ગુનાના કામે કબજે લેવાતા મુદ્દામાલમાં સૌથી વિશાળ સંખ્યા વિદેશી દારૂ (IMFL) ની હોય છે. વર્ષે દહાડે ગુજરાત પોલીસ (Gujarat Police) કરોડો રૂપિયાનો દારૂ પકડે છે અને મુદ્દામાલ તરીકે જપ્ત પણ કરે છે. સામાન્ય રીતે જપ્ત કરાયેલા વિદેશી દારૂનો અદાલતમાંથી હુકમ મળ્યા બાદ તેનો નાશ કરવાનો હોય છે. જો કે, ચોપડે દર્શાવાયેલા મુદ્દામાલમાંથી મોંઘો દારૂ ખુદ ભ્રષ્ટ પોલીસ અધિકારી-કર્મચારીઓની ટોળકી જ ચોરી કરી લે છે. આવા જ એક કિસ્સામાં અમદાવાદ ગ્રામ્ય પોલીસ (Ahmedabad Rural Police) ના એક પીએસઆઈને ફરજ મોકૂફી (PSI Suspended) હેઠળ ઉતારી દેવાયાં હોવાની ચર્ચા ઉઠી છે. ચોરી કરાયેલો દારૂ ક્યાં પહોંચ્યો અને પછી શું થયું તે જાણવા અહેવાલ વાંચો…
શું છે સમગ્ર મામલો
અમદાવાદ શહેર (Ahmedabad City) ના છેવાડે આવેલા કણભા પોલીસ સ્ટેશન (Kanbha Police Station) વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન (Vivekanand nagar Police Station) સહિત ત્રણેક સ્ટેશનમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં જપ્ત કરાયેલો IMFL (ભારતીય બનાવટનો વિદેશી દારૂ) નાશ કરવાની અદાલતે મંજૂરી આપી હતી. પોલીસ બેડામાં ચાલતી ચર્ચા અનુસાર કણભા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જયેશ કલોતરા (PSI Jayesh Kalotra) અને કેટલાંક મળતીયાઓએ દારૂના વિશાળ જથ્થામાંથી 200 પેટી જેટલો માલ ચોરી (IMFL Thef) લીધો હતો. દારૂની પેટીઓ ગાયબ કરતા ત્યાં હાજર કર્મચારીઓ પૈકી એક GRD જવાન જોઈ ગયો અને તેણે બે બોટલ પોતાના માટે પણ કાઢી. GRD જવાનને બે બોટલ દારૂ કાઢતા જોઈને PSI જયેશ કલોતરા ગુસ્સે થઈ ગયા હતા અને બંને બોટલ પાછી મુકાવી દીધી. આ ઘટના ઈન્ચાર્જ જિલ્લા પોલીસ વડા મેઘા તેવર (Megha Tewar IPS) અને રેન્જ DIG પ્રેમવીરસિંઘ (Prem Veer Singh IPS) પાસે પહોંચતા મામલાની તપાસ શરૂ થઈ. મામલો ગરમાતા પીએસઆઈ જે. યુ. કલોતરા (PSI J U Kalotara) બે સપ્તાહ અગાઉ દસેક દિવસની હક્ક રજા (Earned Leave) પર ઉતરી જતાં પીએસઆઈ એમ. એચ. ઘાસુરા (PSI M H Ghasura) ને ચાર્જ સોંપાયો હતો.
ચોરીનો દારૂ કોની પાસે પહોંચ્યો ?
મુદ્દામાલમાંથી નાશ કરવાના બહાને ચોરી કરાયેલો 200 પેટી વિદેશી દારૂ પૈકી મોટાભાગનો માલ બે બુટલેગરો પાસે પહોંચ્યો હતો. IMFL Theft બાદ કોણે બુટલેગરો સુધી દારૂ પહોંચાડ્યો તેની કોઈ જાણકારી પ્રાપ્ત થઈ નથી, પરંતુ ચર્ચા અનુસાર વહેલાલનો દિનેશ અને રામોલનો સલીમ નામના બે બુટલેગર પાસે મોટાભાગનો માલ પહોંચ્યો હતો. દોઢસોથી વધુ પેટીના વેચાણ પેટે કયા પોલીસ અધિકારી-કર્મચારી પાસે કેટલાં રૂપિયા આવ્યાં તેની કોઈ જાણકારી નથી.
ચોરીના દારૂ પૈકીની 35 પેટીનો કરાયો નાશ
એક અન્ય ચર્ચા અનુસાર સમગ્ર મામલાની તપાસ કરી રહેલા એક પોલીસ અધિકારીને કણભા પોલીસ લાઈનમાં ચોરીનો દારૂ (IMFL Theft) પડ્યો હોવાની જાણકારી મળી હતી. પોલીસ લાઈનના એક રૂમમાંથી 35 જેટલી દારૂની પેટી બિનવારસી મળી હતી. જો કે, આ મામલાને દબાવી દેવા માટે અગાઉથી અધિકારીઓ પ્રયત્નશીલ હતા અને એટલે જ બિનવારસી દારૂના જથ્થાનો કોઈ ઠેકાણે નાશ કરી દેવાયો.
ઈન્ચાર્જ જિલ્લા પોલીસ વડાએ શું કહ્યું ?
Gujarat First સાથે થયેલી વાતચીતમાં Incharge SP મેઘા તેવરે જણાવ્યું છે કે, પીએસઆઈ જે. યુ. કલોતરા હક્ક રજા પરથી હાજર થતાં તેમને કોરાણે બેસાડી દેવાયા (Leave Reserve) બાદ સસ્પેન્ડ કરી દેવાયા છે. હાલમાં કણભા પીએસઆઈ તરીકે વી. આર. દેસાઈ (PSI V R Desai) ને મુકાયા છે. દારૂનો મુદ્દામાલ નાશ કરવા માટે થયેલી કાર્યવાહીનો PSI કલોતરા હિસાબ આપી શકતા નથી એટલે તેમને સસ્પેન્ડ કરાયા હોવાનું ઈન્ચાર્જ જિલ્લા પોલીસ વડાએ કહ્યું છે. આ સમગ્ર મામલે કલોતરા સામે ખાતાકીય તપાસ (Departmental Inquiry) શરૂ કરી દેવામાં આવી છે. દારૂ ચોરી (IMFL Theft) મામલે થઈ રહેલી ચર્ચાઓ અંગે પૂછતાં મેઘા તેવરે જણાવ્યું કે, જો પૂરાવાઓ મળશે તો ગુનો નોંધવામાં આવશે.
આ પણ વાંચો –TRAGEDY : દુર્ઘટના બાદ POLICE ને FIR નોંધવાની કેમ ઉતાવળ?