Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Omens : સફળતાના શિખર સર કરનાર પણ શુકન-અપશુકનમાં માને ?

11:54 AM Aug 10, 2024 |

Omens-સફળ થયેલ શુકન-અપશુકનમાં માનવાથી વ્યક્તિ અંધશ્રદ્ધાળુ કે જૂનવાણી થઈ જતી નથી અને ન માનવાથી મૉડર્ન બની જતી નથી. દરેકની પોતપોતાની માન્યતા હોવાની. ક્યારેક એવું પણ બને કે અમુક બાબતમાં તેઓ આવી માન્યતા રાખે, અમુકમાં ન રાખે. Sachin Tendulaker  સહિતના અનેક ક્રિકેટરો પહેલાં કયા પગ પર પૅડ બાંધવું એની રસમને અનુસરતા હોય છે.

મનમાં જાતજાતના વહેમ

લતાજીએ બે સામસામા છેડાના કિસ્સા આ વિશે કહ્યા છે. એક વખત અમેરિકાની ટુર હતી. કુલ ૯ કન્સર્ટ કરવાની હતી. પહેલે દિવસે જે સાડી પહેરીને ગાયું એ શો સુપર હિટ થયો. એ પછીના આઠેય શોઝમાં લતાજીએ ડ્રાયક્લીન કરાવી કરાવીને એ જ સાડી પહેરીને ગાયું. બાકીની જેટલી સાડી લઈને અહીંથી ગયા હતા તે બધી ગડી ખોલ્યા વિના અકબંધ પાછી આવી. બે-ત્રણ કાર્યક્રમ પછી આયોજકોએ પૂછ્યું પણ ખરું કે તમે દર વખતે એકની એક સાડી કેમ પહેરો છો?

લતાજી કહેતાઃ ‘એનાથી પ્રોગ્રામ સારો થાય છે!’

આવું ઘણા લોકો કરતા હોય છે. લતાજી કહે છેઃ ‘હું પણ આમાંથી બાકાત નહોતી.’

…..પણ આના કરતાં એક તદ્દન સામા છેડાનો કિસ્સો જુઓ, જે લતાજીએ જ કહ્યો છે.

‘ચલી ચલી રે પતંગ’થી લઈને ‘તુમ્હી હો માતા, પિતા તુમ્હી હો’ સુધીનાં અનેક હિટ ગીતો લતાજીએ જેમના માટે ગાયાં તે સંગીતકાર ચિત્રગુપ્ત સાથેનો આ કિસ્સો છે. {ચિત્રગુપ્તનાં સંતાનો આનંદ-મિલિન્દે ‘કયામત સે કયામત તક’ (પાપા કહતે હૈ બડા નામ કરેગા), ‘દિલ’ (મુઝે નીંદ ન આયે) અને ‘બેટા’ (ધક ધક કરને લગા) જેવું હિટ સંગીત સર્જ્યું હતું }.

લતાજી એક વખત ચિત્રગુપ્ત માટે રેકૉર્ડિંગ કરવા ગયાં. જોયું કે ચિત્રગુપ્ત લંગડાઈને ચાલી રહ્યા હતા.

લતાજીએ પૂછ્યું કે, ‘શું થયું? કંઈ વાગ્યું?’

ચિત્રગુપ્તે કહ્યું, ‘કંઈ નથી થયું, લતા. મારી ચંપલની પટ્ટી તૂટી ગઈ છે અને હું ઘરેથી એ જ પહેરીને આવ્યો છું.’

આ સાંભળીને લતાજી કહે, ‘અરે, તમે તૂટેલી ચંપલ પહેરીને કેમ આવ્યા. ચાલો, પહેલાં નવાં ચંપલ ખરીદી લાવીએ.’

ચિત્રગુપ્ત જરા ઝંખવાણા પડી ગયા. બોલ્યા, ‘ એમાં એવું છે ને કે આ ચંપલ કોઈ મામૂલી નથી. એકદમ સ્પેશ્યલ ચંપલ છે. બહુ સંભાળીને હું રાખું છું. જે દિવસે પહેરું છું ત્યારે રેકૉર્ડિંગ સરસ થઈ જાય છે.’

હવે વારો લતાજીનો હતો ! અમેરિકામાં નવે નવ કન્સર્ટમાં એક જ સાડી પહેરી હતી એ ભૂલી જઈને લતાજી કહેઃ ‘તમને ચંપલ પર આટલો વિશ્વાસ છે, મારા ગાવા પર નથી!’ અને બેઉ જણા હસી પડ્યા.

લતા મંગેશકર માટે રેડિયો અપશુકનિયાળ નીકળ્યો

1947ના જાન્યુઆરી મહિનાની વાત. લતાજીએ માંડ માંડ પૈસા જમા કરીને મોંઘો રેડિયો ખરીદ્યો. દુકાનેથી નવો નક્કોર રેડિયો લઈને ઘરે આવીને ચટાઈ પાથરીને માથે ઓશિકું મૂકીને આડા પડ્યાં અને ત્યાં જ રેડિયો પર સમાચાર આવ્યા કે કુન્દનલાલ સહગલનું 43 વર્ષની ઉંમરે અવસાન થયું છે.

લતાજીના એ સૌથી પ્રિય ગાયક. લતાજીને એમના માટે ખૂબ આદર. લતાજીને મોટો આઘાત લાગ્યો. આંખમાં આંસુ સાથે રેડિયો ઉપાડીને એ જ દુકાનમાં પાછા ગયાં અને સાવ સસ્તામાં વેચી દીધો. આવો અપશુકનિયાળ રેડિયો ઘરમાં નથી જોઈતો.

કોઈ દિવસ સરખું કામ ના થાય તો પહેરેલી ચંપલ પર વહેમ?

લતાજી કહે છે કે આમ તો પોતે શુકન-અપશુકનમાં માને નહીં પણ જો  કોઈ દિવસ પહેલી જ વાર નવી સાડી પહેરીને કે નવું પર્સ લઈને કે નવું ઘરેણું પહેરીને રેકૉર્ડિંગ સ્ટુડિયોમાં ગયાં હોય અને જો કામ બરાબર ન થયું હોય તો મનમાં વહેમ ભરાઈ જાય અને ફરી ક્યારેય એ સાડી, પર્સ કે ઘરેણું વપરાય નહીં!

સંજોગો જ સારું કે ખરાબ પરિણામ કારણભૂત

Lata Mangeshaker ની જેમ આપણે પણ ઘણીવાર આવું બધું કરતાં હોઈશું. પણ એને કારણે આપણે લતાજી બની શકવાના નથી. શુકન-અપશુકનને બાજુએ રાખીએ. છેવટે તો માણસમાં રહેલી પ્રતિભા, એનો રિયાઝ, એની એકાગ્રતા તથા તે વખતે ઊભા થયેલા સંજોગો જ સારું કે ખરાબ પરિણામ લાવતાં હોય છે.

આગ્રહો ઇગો(ને કારણે કે ઘમંડને કારણે સર્જાય

પોતાના આગ્રહો અને Ego સાચવીને પણ ખૂબ મોટી ઊંચાઈએ પહોંચી શકાતું હોય છે. પણ એ આગ્રહો ઇગોને કારણે કે ઘમંડને કારણે સર્જાયેલા ન હોવા જોઈએ.

તમારી કળાના કે પછી કોઈ પણ ક્ષેત્રના તમારા કામ માટે તમે નક્કી કરેલા આદર્શો સાથે તમે બાંધછોડ નથી કરવા માગતા ત્યારે તમારી સાથે કામ કરતા લોકો સાથે તમને સંઘર્ષ થતો હોય છે. થવાનો જ છે. પણ એવા વખતે તમારું બાકીનું કામ અટકી ન જવું જોઈએ – તમે ડિસ્ટ્રેક્ટ થઈ જાઓ, તમારી ગાડી પાટા પરથી ખડી ન પડે એનું તમારે ધ્યાન રાખવું જોઈએ.

બીજું ધ્યાન એ રાખવાનું કે જેની સાથે જે મુદ્દા પર બહસ થઈ હોય એ સિવાયના બીજા કોઈ જ મુદ્દાઓ તમારા ચિત્તમાં ઉભરવા ન જોઈએ. એટલું જ નહીં, તમારા મતભેદની વાતો તમારી ઑફિસમાં કે તમારા ફિલ્ડમાં થતી હશે, લોકો તમારા પર કાદવ ઉછાળવાની કોશિશ કરશે —આવો ડર રાખીને તમે જ્યાં ને ત્યાં ખુલાસાઓ કરીને પેલી વ્યક્તિની બુરાઈ કરવામાં લાગી જશો તો લાંબા ગાળે તમારું જ નુકસાન થવાનું છે.

કોઈકની સાથે કોઈક બાબતે અણબનાવ થયો? નથી સૉલ્વ થતો? આગળ વધી જાઓ. દુનિયા ખૂબ મોટી છે. આવાં વિઘ્નોને કારણે કામમાં એક દિવસ પણ ખલેલ પડવી ન જોઈએ.

આ પણ વાંચો-Laapata Ladies ના સ્ક્રીનીંગ દરમિયાન DY Chandrachude આમિર ખાનનું કર્યું સ્વાગત