Rituals.. ધાર્મિક વિધિવિધાનોમાં આજકાલ એક મૂંઝવણ અવારનવાર લોકોમાં જોઈ છે.
ખાસ કરીને નવી પેઢી માને છે કે ક્રિયાકાંડની જરૂર જ નથી. ધર્મ એટલે માત્ર નીતિમત્તા.
તમે મંદિરે ન જાઓ તો ચાલે, પણ તમારા ભાવ સારા હોવા જોઈએ. એટલે પ્રશ્ન થાય કે શું મંદિરે ન જવું? ઇષ્ટદેવના નામનું રટણ ન કરવું?
બીજો એક વર્ગ એવો પણ છે જે કોઈનું દિલ દુભાતું હોય તો ભલે દુભાય પણ પોતે પોતાનાં દર્શન માટે ગમે તે કરવા તૈયાર થઈ જાય. મંદિરમાં દર્શન માટેની લાગેલી કતારમાં વચ્ચે ઘૂસીને દર્શન કરવાનું છળ તે કરી શકે.
કોણ ધર્મી ગણાય?
ઘરમાં મા-બાપને ધૂત્કારતો વેપારી મંદિરમાં લાખો રૂપિયાનું દાન આપે. હવન અને યજ્ઞમાં કરોડો રૂપિયા ખર્ચી નાખનાર વ્યક્તિ ઘરમાં કામ કરતા નોકરને બીમારીમાં ઉપાડ આપવામાં વાંધાવચકા કરે. તો આમાં કોણ ધર્મી ગણાય?
મંદિરમાં સવાર-સાંજ મંગળાનાં દર્શન કરીને મૂલ્યોને રહેંસી નાખનારો કે ભાવ સારા રાખો એવું કહીને શિસ્ત વિનાનું જીવન જીવનારો?
ધર્મનાં બે સ્વરૂપ-બાહ્ય અને આંતરિક
પ્રશ્ન વાજબી છે અને મૂંઝવણ સાચી છે, પરંતુ જવાબ બન્ને અવસ્થાની વચ્ચે છુપાયેલો છે.
ધર્મનાં બે સ્વરૂપ છે, બાહ્ય અને આંતરિક. ક્રિયાકાંડ, બાહ્યપૂજા, તીર્થયાત્રા અને ઇષ્ટદેવનો જપ એ ધર્મના બાહ્ય સ્વરૂપમાં આવે.
પૂરા ભાવ, શ્રદ્ધા અને જાગૃતિ સાથે બાહ્યધર્મ થાય ત્યારે જ એનું સકારાત્મક પરિણામ આવે. ભાવ સાથે થતા ધર્મમાં વ્યક્તિનો અધ્યાત્મિક વિકાસ થાય એ ધર્મનું આંતરિક પરિણામ છે.
સરળ ભાષામાં સમજાવું તો જો નિયમિત વ્યાયામ કરો તો શરીરમાં શક્તિનો સંચાર થાય, આપણી ઇમ્યુનિટી વધે અને આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થવાથી ઘણાબધા રોગથી આપણું રક્ષણ થાય. સ્ફૂર્તિને કારણે મન પ્રસન્ન રહે. કસરતને કારણે મળતી ઊર્જા જીવનમાં આગળ વધવાનો ઉત્સાહ વધારે. મનને પ્રસન્ન રાખે.
ભાવ અને શ્રદ્ધા તથા સમર્પણ
બાહ્યધર્મ પણ જો પૂરા ભાવ અને શ્રદ્ધા તથા સમર્પણ સાથે થાય તો આવાં સકારાત્મક પરિણામ આપનારો હોય, પરંતુ જો તમે મન કે શ્રદ્ધા વિના માત્ર ટેવથી ક્રિયાકાંડમાં ફસાઈ ગયા તો એ ધર્મ નથી.
તમારા પ્રાણ જો ધર્મક્રિયામાં નથી ઉમેરાયા તો એનું પરિણામ નહીં આવે અને ત્યારે એની આદત કહી શકાય, પણ ધર્મ તો નહીં જ.
આ પણ વાંચો- Hindu Dharma-બોલો, આપણા કરતાં હિન્દુઓ વધુ સારા છે કે નહીં ?!