આપણે ત્યાં હિન્દુ ધર્મમાં લગ્નને લગતા ઘણા નિયમો અને પરંપરાઓ છે.જો કે તેમની પાછળ કેટલાક ધાર્મિક, વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક તથ્યો ચોક્કસપણે છુપાયેલા છે. આવી જ એક પરંપરા લગ્ન પહેલા વર-કન્યાને હળદર લગાવવાની છે. જોકે આ પરંપરા સદીઓથી ચાલી રહી છે અને હાલમાં તો તે એકદમ ગ્લેમરસ પણ બની રહી છે. લગ્નના 2 થી 3 દિવસ પહેલા વર અને કન્યાને હળદર લગાવવાની વિધિ કરવામાં આવે છે.જે ઘોડી પર બેસતા પહેલા કરવામાં આવે છે. તો ચાલો આજે જાણીએ આ પરંપરામાં છુપાયેલા તથ્યો વિશે.
જ્યોતિષમાં હળદરને વિશેષ માનવામાં આવે છે
જ્યોતિષ શાસ્ત્રમાં હળદરને ગુરુ સાથે જોડીને જોવામાં આવે છે અને ગુરુની શુભકામના વિના લગ્ન નથી થતા એટલે કે ગુરુ ગ્રહ લગ્ન માટે અનુકૂળ હોવો ખૂબ જ જરૂરી છે. જ્યારે વર-કન્યા પર હળદર લગાવવામાં આવે છે ત્યારે ગુરુ ગ્રહની શુભ અસર તેમના ઉપર પડે છે. લગ્ન જીવનની સફળતા માટે ગુરુ ગ્રહનું શુભ હોવું ખૂબ જ જરૂરી છે. વર-કન્યાને હળદર લગાવવા પાછળ આ પણ એક તથ્ય છે.
આ છે હળદર લગાવવાનું વૈજ્ઞાનિક કારણ
આયુર્વેદ મુજબ હળદરમાં એન્ટિબાયોટિક અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. જ્યારે વર-કન્યા પર હળદર લગાવવામાં આવે છે, ત્યારે આ ગુણોના કારણે ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જાય છે અને ત્વચા પર કોઈપણ પ્રકારનો ચેપ લાગતો નથી. હળદરને કારણે વર-કન્યાનો દેખાવ પણ ચમકે છે. જ્યારે વર-કન્યા પર હળદરનો રંગ લગાવવામાં આવે છે, ત્યારે તેમની સુંદરતા જોવા જેવી હોય છે. વર-કન્યાને હળદર લગાવવાનું આ પણ એક કારણ છે.
હળદર ભગવાન વિષ્ણુને પણ પ્રિય છે
સામાન્ય રીતે ભગવાન વિષ્ણુને પીળા વસ્ત્રો પસંદ છે. તેથી તો તેમને પીળા રંગની વસ્તુઓ પણ અર્પણ કરવામાં આવે છે, જેમ કે પીળા ફળો, પીળી મીઠાઈઓ વગેરે. ભગવાન વિષ્ણુના અભિષેકમાં પણ હળદર અને કેસરનો ઉપયોગ કરવામાં આવે છે.