જૂનાગઢના ભવનાથમાં 2 વર્ષ બાદ યોજાશે મહાશિવરાત્રીનો મેળો. આ વર્ષે ગુજરાતીઓ મહત્વના ઉત્સવો ધામધૂમથી ઉજવવા આતુર છે ત્યારે જૂનાગઢના ભવનાથના મેળાને મંજૂરી મળી જતા ભાવિકોમાં અનેરો ઉત્સાહ છે. દેશભરમાંથી લાખો ભાવિકો ભવનાથના મેળામાં આવે છે. ત્યારે આ વર્ષે કોરોનાનો કહેર હળવો થતા ભવનાથમાં મહાશિવરાત્રી દરમિયાન યોજાતા મેળાને પરવાગી આપવામાં આવી છે. કોવિડ ગાઈડલાઈન સાથે ભવનાથનો મેળો યોજાશે. કોરોનાના લીધે બે વર્ષથી ભવનાથનો મેળો યોજાતો ન હતો. 2 વર્ષથી મર્યાદિત સાધુ-સંતોની ઉપસ્થિતિમાં જ પંરપરાગત રીતે ભગવાન શિવની અરાધના કરવામાં આવતી હતી. પરંતુ આ વર્ષે કોરોના કેસમાં ઘટાડો થતા ભવનાથના મેળાને મંજૂરી આપવામાં આવી છે.
ભવનાથના મેળાને લઈને જૂનાગઢના ગિરનાર તળેટીમાં આવેલા મહાદેવ મંદિરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.સાધુ સંતો ઉપરાંત રાજકીય આગેવાનોએ ભવનાથનો મેળો યોજવાની માંગ કરી હતી. ત્યારે શિવરાત્રીના મેળાને લઈને કલેક્ટર એલ.બી બાંભણીયાની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. જેમાં કલેક્ટર, શહેર કમિશનર, મેયર તથા સાધુ-સંતો અને પોલીસ અધિકારીઓ ઉપરાંત સામાજિક સંસ્થાના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મેળાના આયોજન અંગે ચર્ચા થઈ હતી અને મેળો યોજાશે તેવો નિર્ણય લેવાયો હતો. મેળાના આયોજન માટે અલગ-અલગ સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં કોવિડની ગાઈડલાઈન મુજબ મેળો યોજાશે.
ભવનાથમાં યોજાતા મહાશિવરાત્રીના મેળાને લઈને સ્થાનિકો અનેરો ઉત્સાહ છે. આ મેળામાં સાધુ-સંતો ભવનાથના મુખ્ય રસ્તાઓ પર ડમરૂ યાત્રા કાઢે છે અને રસ્તાઓ બમબમ ભોલે અને હરહર મહાદેવના નારાથી ગૂંજી ઉઠે છે. આ યાત્રામાં સાધુઓ સાથે અનેક શ્રદ્ધાળુઓ પણ ડમરુ યાત્રામાં જોડાય છે.