- ભાજપના કાર્યકરોએ ટ્રેન, બસ, અને બજારોને બંધ કરાવવાની કામગીરી શરૂ કરી
- બંગાળ બંધમાં BJP નેતા પર હુમલો થયો હોવાનો દાવો
- હુમલામાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનો દાવો
Bengal Bandh : પશ્ચિમ બંગાળમાં રાજકીય તણાવ દિવસને દિવસે વધી ગયો છે કારણ કે ભારતીય જનતા પાર્ટી (BJP) એ રાજ્યમાં 12 કલાકના બંધની જાહેરાત કરી છે. ભાજપના કાર્યકરોએ ટ્રેન, બસ, અને બજારોને બંધ કરાવવાની કામગીરી શરૂ કરી છે, જેનાથી રાજ્યના અનેક વિસ્તારો, ખાસ કરીને કોલકાતા અને સિલીગુડી જેવા સ્થળોએ બંધની અસર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. આ બંધ નબન્ના માર્ચ દરમિયાન બનેલી એક ઘટના પર આધારિત છે, જ્યાં વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીએ મોટો વિવાદ ઊભો કર્યો છે. આ ઘટનાની પૃષ્ઠભૂમિમાં, રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓ પર કરાયેલી પોલીસીય કાર્યવાહી સામે વિરોધ નોંધાવવા માટે ભાજપા દ્વારા આ બંધનું આયોજન કરવામાં આવ્યું છે.
પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે તણાવ વધ્યો
બંધ દરમિયાન, પોલીસ અને ભાજપના કાર્યકરો તેમજ પ્રદર્શનકારીઓ વચ્ચે તણાવ સતત વધી ગયો છે. પોલીસે પ્રદર્શનકારીઓને વિખેરવા માટે પાણી અને ટીયર ગેસના શેલનો ઉપયોગ કર્યો છે, જેનાથી પરિસ્થિતિ વધુ તંગ બની ગઈ છે. આ દરમિયાન, પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે સીધી અથડામણ જોવા મળી અને પોલીસને લાઠીચાર્જ કરવાનો પણ ઓર્ડર મળ્યો હતો. આ દરમિયાન ભાજપના સ્થાનિક નેતા પર હુમલો થયો હતો. આ હુમલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે એક અજાણ્યો વ્યક્તિ સ્થાનિક BJP નેતા પ્રિયંગુ પાંડેની કાર પર ફાયરિંગ કરી રહ્યો છે.
હુમલામાં 2 લોકો ઈજાગ્રસ્ત
BJP નેતા અર્જુન સિંહે ANIને જણાવ્યું કે કાર પર 7 ગોળીઓ ચલાવવામાં આવી. તેમણે દાવો કર્યો કે, આ હુમલો બંગાળના એક વરિષ્ઠ પોલીસ અધિકારીની હાજરીમાં થયો હતો. સિંહે દાવો કર્યો કે, તે પાંડેના જીવન પર એક પ્રયાસ હતો. તેમણે કહ્યું, ‘પ્રિયંગુ પાંડે અમારી પાર્ટીના નેતા છે. આજે તેમની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો અને ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ડ્રાઇવરને ગોળી વાગી છે. 7 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ બધુ જ ACPની હાજરીમાં કરવામાં આવ્યું હતું. અર્જુન સિંહે દાવો કર્યો હતો કે પ્રિયંગુ પાંડેની હત્યા કરવાની યોજના બનાવવામાં આવી હતી. TMC પાસે કોઈ સમસ્યા નથી તેથી તેઓ આવી વસ્તુઓ કરી રહ્યા છે. 2 લોકો ઘાયલ છે જેમાંથી એકની હાલત ગંભીર છે. અર્જુન સિંહે આ હુમલા પાછળ તૃણમૂલ નેતા તરુણ સાઓ અને ધારાસભ્ય સોમનાથ શ્યામનો હાથ હોવાનો આક્ષેપ કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે બદમાશોને કાકીનારાથી લાવવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, 9 ઓગસ્ટના રોજ કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી ડૉક્ટરની સાથે દુષ્કર્મ અને હત્યાને લઈને ભાજપ રાજ્યની તૃણમૂલ સરકાર સામે વિરોધ કરી રહી છે. પશ્ચિમ બંગાળ પોલીસે રાજ્યમાં હિંસા રોકવા માટે મોટા પાયે સુરક્ષા વ્યવસ્થા કરી છે. જેનુ ઉદાહરણ તાજેતરમાં જોવા મળી રહી ત્યાની પરિસ્થિતિ છે.
આ પણ વાંચો: Bengal Bandh Today : ભાજપની બંધની ઘોષણા, મમતાની સરકારી કર્મચારીઓને ચેતવણી