- ઉત્તર પ્રદેશના બહરાઈચમાં હિંસા અને આગચંપી
- મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી
- હિંસાવાળા વિસ્તારોમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
ઉત્તર પ્રદેશના બહરાઈચમાં હિંસા (Bahraich Violence) અને આગચંપી બાદ મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી છે. હિંસાવાળા વિસ્તારોમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત SSP અને SP રેન્કના અધિકારીઓને ફિલ્ડમાં તૈનાત કરવામાં આવ્યા છે. ભીડ અને હિંસા જોઈને એડીજી (કાયદો અને વ્યવસ્થા) અમિતાભ યશ પણ સ્થળ પર ચાર્જ સંભાળતા જોવા મળ્યા હતા. અમિતાભ યશ પોતે પિસ્તોલ સાથે ભીડનો પીછો કરતા જોવા મળ્યા હતા. સોમવારે વિરોધીઓએ ટુ-વ્હીલરના શોરૂમ સહિત અનેક મિલકતોને આગ ચાંપી દીધી હતી. જ્યારે પ્રદર્શનકારીઓએ હિંસાનો આશરો લીધો ત્યારે પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના શેલ છોડ્યા. વાસ્તવમાં, હિંસા ત્યારે શરૂ થઈ જ્યારે બહરાઈચ (Bahraich)ના હરડી પોલીસ સ્ટેશનના મહસી વિસ્તારમાં દુર્ગા મૂર્તિ વિસર્જન શોભાયાત્રા દરમિયાન અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું.
શું છે સમગ્ર મામલો?
અથડામણ રવિવારે સાંજે શરૂ થઈ જ્યારે કેટલાક સ્થાનિકોએ કથિત રીતે મુસ્લિમ વિસ્તારમાંથી દુર્ગા મૂર્તિની શોભાયાત્રા દરમિયાન સંગીત બંધ કરવા કહ્યું. પોલીસે જણાવ્યું કે, ઉગ્ર બોલાચાલી બાદ બંને જૂથો વચ્ચે અથડામણ અને પથ્થરમારો થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે કથિત રીતે ગોળી ચલાવવામાં આવી હતી અને સ્થાનિક યુવક રામ ગોપાલ મિશ્રાને ગોળી વાગી હતી ત્યારે પરિસ્થિતિ વધુ વણસી હતી. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું મૃત્યુ થયું. હિંસામાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે.
આ પણ વાંચો : Jharkhand માં ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો, મોટા નેતા સહિત સેંકડો સમર્થકો ભાજપમાં જોડાયા
દરેક ખૂણે-ખૂણે પોલીસ તૈનાત…
બહરાઈચ (Bahraich)ના પોલીસ અધિક્ષક વૃંદા શુક્લાએ જણાવ્યું કે, જ્યારે જુલૂસ મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે અન્ય સમુદાયના વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો, જેના કારણે તેનું મોત થયું. ઘટના બાદ પોલીસે 30 જેટલા લોકોની અટકાયત કરી છે. તેમણે કહ્યું કે આ વિસ્તારમાં પૂરતો પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યો છે અને હિંસા પ્રભાવિત વિસ્તારના CCTV ફૂટેજ જોયા બાદ બેકાબૂ તત્વોની ઓળખ કરવામાં આવશે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ઘટના બાદ વિસ્તારમાં તંગદિલીનો માહોલ…
મહસી વિધાનસભા ક્ષેત્રના BJP ધારાસભ્ય સુરેશ્વર સિંહે કહ્યું, ‘અમે મૃતકોના અંતિમ સંસ્કારની તૈયારી કરી રહ્યા છીએ. ચાર મહિના પહેલા જ તેના લગ્ન થયા હતા. મૃતકના પરિજનોની માંગ છે કે આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવે અને તેમની ધરપકડ કરવામાં આવે અને SHO અને પોલીસ ચોકીના ઈન્ચાર્જને સસ્પેન્ડ કરવામાં આવે. બહરાઈચ (Bahraich) જિલ્લાના મહસીમાં વાતાવરણ બગાડનારાઓને બક્ષવામાં આવશે નહીં.
આ પણ વાંચો : Delhi-NCR માં વધશે ઠંડી, આ 5 રાજ્યોમાં વરસાદની ચેતવણી…
‘ગુનેગારોને છોડવામાં નહીં આવે’
ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથે હિંસાની નિંદા કરી અને કહ્યું કે દોષિતોને છોડવામાં આવશે નહીં. CM યોગી આદિત્યનાથે ટ્વીટ કર્યું, ‘બહરાઈચ (Bahraich) જિલ્લાના મહસીમાં વાતાવરણ બગાડનારાઓને બક્ષવામાં આવશે નહીં. તમામને સુરક્ષાની ખાતરી આપવામાં આવી છે, પરંતુ બદમાશો અને જેમની બેદરકારીના કારણે આ ઘટના બની છે તેમની ઓળખ કરી લેવામાં આવી છે અને કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. મૂર્તિ વિસર્જન ચાલુ રહેશે. પ્રશાસન અને પોલીસ અધિકારીઓને સ્થળ પર હાજર રહેવા અને મૂર્તિનું વિસર્જન સમયસર કરાવવા માટે ધાર્મિક સંસ્થાઓ સાથે વાતચીત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
મૃતકના ભાઈની ફરિયાદનું શું?
પોલીસને આપેલી ફરિયાદમાં મૃતકના ભાઈ હરિમિલને જણાવ્યું કે 13 ઓક્ટોબરે તેનો ભાઈ રામ ગોપાલ મૂર્તિ વિસર્જન જોવા મહારાજગંજ ગયો હતો. અબ્દુલ હમીદના ઘર આગળ ચાર અજાણ્યા લોકો બેઠા હતા. તેઓએ ભાઈ રામ ગોપાલને પકડી લીધો, તેને ઘરમાં ઘસડી ગયો અને તલવાર વડે અનેક વાર માર્યા બાદ તેને ગોળી મારી દીધી. આ તેમના મૃત્યુનું કારણ હતું. મૃતકના ભાઈની ફરિયાદના આધારે પોલીસે 10 લોકો સામે ગુનો નોંધ્યો છે. આ મામલામાં એસપી વૃંદા શુક્લાએ બેદરકારીના આરોપસર સ્થાનિક પોલીસ સ્ટેશનના એસએચઓ અને આઉટપોસ્ટ ઈન્ચાર્જને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.
આ પણ વાંચો : Delhi-NCR માં પ્રદૂષણને જોતા GRAP-1 લાગુ, જાણો કઈ વસ્તુઓ પર પ્રતિબંધ?