+

ડામ દેવાનું દૂષણ ક્યારે ડામી શકાશે?

આપણા દેશમાં સવાસો કરોડથી વધુ લોકો પાસે મોબાઈલ ફોન છે. તેમાંથી 75 કરોડ લોકો સ્માર્ટ ફોન વાપરે છે. દેશના છેવાડાના માનવી સુધી વીજળી અને મોબાઈલ ફોનના ટાવર પહોંચી ગયા છે. ટેલિવિઝન અને ઈન્ટરનેટ સાથેનો ફોન ગામડાં ગામના માણસો માણે છે. તેમ છતાં માનસિકતા કેમ સીક છે? એક તરફ આધુનિકતાની દોટ છે તો એક તરફ એવો વર્ગ છે જે અંધશ્રદ્ધામાં માને છે. ગામમાં ડૉક્ટર હોય તો પણ ભૂવા પાસે સારવાર કરાવવા જાય છે. વà
આપણા દેશમાં સવાસો કરોડથી વધુ લોકો પાસે મોબાઈલ ફોન છે. તેમાંથી 75 કરોડ લોકો સ્માર્ટ ફોન વાપરે છે. દેશના છેવાડાના માનવી સુધી વીજળી અને મોબાઈલ ફોનના ટાવર પહોંચી ગયા છે. ટેલિવિઝન અને ઈન્ટરનેટ સાથેનો ફોન ગામડાં ગામના માણસો માણે છે. તેમ છતાં માનસિકતા કેમ સીક છે? એક તરફ આધુનિકતાની દોટ છે તો એક તરફ એવો વર્ગ છે જે અંધશ્રદ્ધામાં માને છે. ગામમાં ડૉક્ટર હોય તો પણ ભૂવા પાસે સારવાર કરાવવા જાય છે. વળી, પાછી એ અપોઈન્ટમેન્ટ મોબાઈલ ફોન ઉપર લેવાય! આ સિનારીયો ક્યારે બદલાશે એવો વિચાર આવ્યા વગર નથી રહેતો.  
આજે સવારે એક સમાચાર આવ્યા. બે મહિનાની માસૂમ બાળકીને હૉસ્પિટલમાં દાખલ કરાઈ. એને થોડાં સમય પહેલાં તાવ આવ્યો અને આંચકી આવી. મધ્યપ્રદેશના વતની અખિલેશ ભૂરીયા બે મહિનાની માસૂમ બાળકીને દવાખાને લઈ જવાને બદલે દાહોદ નજીકના કટવાડા ગામે ભૂવા પાસે લઈ ગયા. એ ભૂવાએ ડામ આપ્યો. દીકરી સાજી થઈ જશે એ વિચારે આ પરિવાર પરત ગોંડલ આવી ગયો. દિવસે ને દિવસે એ દીકરીની તબિયત બગડતી ગઈ. સરકારી હૉસ્પિટલ અને બાદમાં ખાનગી હૉસ્પિટલમાં એની અત્યારે સારવાર ચાલી રહી છે. માસૂમ બાળકીના ફોટા અને વિડીયો જોઈને દિલ દ્રવી જાય એમ છે. ભૂવાની વાત તો જવા દો સગા મા-બાપનો જીવ કેમ ચાલ્યો હશે આ કુમળી બાળકીને ભૂવાને હવાલે કરી દેતાં?  
નજર લાગવી, તાવ આવવો, આંચકી આવે, ગળું પડી જાય, સંતાનમાં દીકરાનો જન્મ થાય એ માટે, પેટના રોગોમાં હાલત બગડે ત્યારે ભારતના ગામડાંમાં રહેતો એક વર્ગ ગામના ભૂવાને શરણે જાય છે. અંધશ્રદ્ધાળુ લોકો પેઢી દર પેઢી મળતાં રહે છે આથી આવા ભૂવા-ભારાડીના દોરા-ધાગા અને ડામ દેવાની દુકાન ચાલતી રહે છે. જેને સંતાનમાં દીકરો હોય એવી સ્ત્રીનું કપડું એની જાણ બહાર ફાડીને લઈ લેવું, આંખોમાં વસી જાય એવો દીકરો હોય તો એની ચડ્ડી કે શર્ટના થોડા ભાગને કાપીને સંતાનમાં દીકરો આવે એવું માનીને એ ટુકડાને  મંત્ર-ધાગા કરવા ભૂવા પાસે લઈ જવું આવી માન્યતા તો આપણે ત્યાં સાવ સામાન્ય છે.  
તબિયત થોડી નરમ હોય બાળક જમી ન શકે કે બાળક મજામાં ન રહે તો પૈસાદાર પરિવારોમાં પણ નજર ઉતારવાનું ચલણ છે. જો કે, અંધશ્રદ્ધાની વાત આવે ત્યારે પૈસાદાર કે તવંગર કે ભણેલાં કે અભણનો બહુ ભેદ દેખાતો નથી. ભણેલાં-ગણેલાં લોકોમાં પણ અમુક પ્રકારના ટોટકા – વશી કરણનું દૂષણ જોવા મળે છે. લીંબુ, મરી, લવિંગથી નજર ઉતારવી, કોળામાં કંકુ ભરીને ચાર રસ્તે મૂકી આવવું આપણને આધુનિક શહેરમાં પણ જોવા મળે છે. કોળાનો બલિ આપવો, ચોકમાં ચાર માટલીઓ મંત્રીને મૂકી આવવી, ચાર રસ્તે  કાળા કપડાંમાં ભરેલા કાળા અડદ મળી આવવા એ પણ સામાન્ય  બાબત છે. મજાની વાત એ છે કે, આવું કર્યાં પછી કોણ જાણે કેમ જે-તે ભોગ બનનાર વ્યક્તિ હોય એને સારું પણ લાગતું હોય છે. આ વળી એક જુદા જ પ્રકારનું વશીકરણ હોય એવું લાગે.  
હજુ પણ ઘણાં રાજ્યોમાં અંધશ્રદ્ધામાં માનનારા વર્ગની કમી નથી. ભણેલાં પરિવારોમાં પણ આવું જોવા મળે ત્યારે થોડી નવાઈ લાગે. સંતાનમાં દીકરો ન જન્મતો હોય તો સૌથી નાની દીકરીને ડામ દેવાનો, બાળક બહુ બીમાર રહેતું હોય તો એને ડામ આપવાનો આવી પ્રથા ઘણાં પરિવારોમાં છે. શહેરમાં રહેતો પરિવાર ભૂવા પાસે ન જઈ શકે તો પરિવારના નજીકની સંબંધી સ્ત્રીઓને એકઠી કરવામાં આવે અને ટાઢા આપવાની વિધી કરવામાં આવે. ઘીનો ડામ, તેલનો ડામ અપાય છે. લોખંડના સળિયાને કે તાંબાના સળિયાને ભઠ્ઠામાં ગરમ કરીને બાળકને કાળજાભેર ડામ અપાય. સગી માનો જીવ ન ચાલે એ કિસ્સામાં નજીકની સ્ત્રીઓ આ વિધી કરે છે. પેટમાં કે કાંડા ઉપર પણ ડામ અપાય. કુમળી વયના બાળકને રુઝ આવે એ માટે ઘરના ઉપચાર જ કરવામાં આવે છે. ડામ આપ્યા પછી જો તબિયત બગડે તો જ દવાખાને જવાય છે. મોટાભાગના કિસ્સાઓમાં રુઝ ન આવે અથવા વધુ તબિયત બગડે તો જ વાત બહાર આવે છે. વળી, ગામડાં ગામના હેલ્થ સેન્ટરમાં કામ કરનારા લોકો પણ આ પ્રકારના કિસ્સાથી ટેવાયેલાં હોય છે. બાળકોને અપાતાં ડામનો સાચો આંકડો તો ક્યારેય બહાર નથી આવવાનો પણ સમજદારીનો આંક, મેડીકલ સાયન્સમાં ભરોસો મૂકવાની ટકાવારી વધે એ જોવું વધુ જરુરી છે.  
બાળક બીમાર ન પડે એની તકેદારી સ્વરુપે એના પેટ ઉપર સાત ચાંદલા કરવામાં આવે છે. આ ચાંદલા એટલે ગરમાગરમ ધીની કડાઈમાં એક સળિયાને બોળીને એ ધગધગતાં ઘી કે તેલના ફળફળતાં ટીપાં બાળકના પેટ ઉપર મૂકવા. કણસતાં બાળકના સારા માટે થઈ રહ્યું છે એમ માનીને કેટલીય માતાઓ આ અત્યાચાર થવા દે છે. કેટલીક ભણેલી માતાઓ આ વાતમાં ન માને તો એના ઘરના વડીલો છેવટે કંકુના ચાંદલા બાળકના પેટ ઉપર કરાવે. મેલું છે, વળગાડ છે એવું કહીને પણ ડામ ચાંપી દેવાય છે. કોઈ પણ પીડા ધગધગતાં સળિયાથી કેવી રીતે દૂર થઈ શકે એ વાત સમજતાં કોણ જાણે કેટલી પેઢીઓ લાગશે? પેઢી દર પેઢીથી ચાલી આવતી માન્યતામાં ભણેલી વ્યક્તિનું પણ કંઈ ન ચાલે એના જેવી કરુણતા અને લાચારી બીજી કોઈ ન હોય શકે.  
આફ્રિકાના કેમરુન દેશના કેટલાક ભાગમાં દીકરી અમુક ઉંમરની થાય એટલે એની છાતીનો ઉભાર વિકસે નહીં એ માટે સગી મા જ એને તવીથાથી ડામ આપે છે. આ પરંપરા હજુ ત્યાં સચવાયેલી છે. ડામને કારણે પીડાથી કણસતી દીકરી ભાગી ન જાય એ માટે અંતરિયાળ જગ્યાઓએ આ ડામ આપવાની વિધી થાય છે. એના પેટ ઉપર બેસીને ડામની તીવ્રતા જળવાઈ રહે એ માટે સૂકાં નાળિયેળના છોડાં છાતી ઉપર દબાવી દેવાય છે. પુરુષોને આકર્ષણ ન થાય એ માટે નાની ઉંમરની કુમળી બાળકીઓ ઉપર આજની તારીખે આ અત્યાચાર થાય છે.  
આપણે ત્યાં પણ કેટલાંક વિસ્તારોમાં ડામ આપવાનું, મેલી વિદ્યાનું દૂષણ ટકી રહ્યું છે. જેની સામે એ પ્રદેશના સરપંચ કે ડૉક્ટરનું કંઈ ચાલતું નથી. પરિવારમાં થોડીઘણી ભણેલી વ્યક્તિ હોય તો એની વાતને ધ્યાને લેવામાં પણ નથી આવતી. કોઈ કડક સજાનો કાયદો અમલમાં મૂકાય તો જ આ અંધશ્રદ્ધાનું દૂષણ ડામી શકાય. બાકી તો આવા કિસ્સા બને, દવાખાના સુધી પહોંચે ત્યારે આપણી સામે આ વાત આવે છે. ધરમૂળથી આ ગેરમાન્યતા, અંધશ્રદ્ધા દૂર કરવા માટે લાંબો સમય થશે પણ માસૂબ બાળકોને આ પીડાથી બચાવવા માટે દાખલારુપ સજા થવી તો અત્યંત જરુરી છે.
Whatsapp share
facebook twitter