VADODARA A : વડોદરામાં વાહન ચેકીંગ દરમિયાન સમા પોલીસ મથક (SAMA POLICE STATION) વિસ્તારમાંથી શંકાસ્પદ પશુ માંસના જથ્થા સાથે બે શખ્સોને દબોચી લેવામાં આવ્યા છે. સમગ્ર મામલે એક શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. સાથે જ શંકાસ્પદ પશુ માંસના જથ્થાનું પશુ ચિકિત્સક પાસેથી સેમ્પલ લેવડાવી તેને એફએસએલ પરિક્ષણ કરવા માટે સુરત ફાલસાવાડી ખાતે મોકલી આપવામાં આવ્યું છે.
પોલીસની ટીમને બાતમી મળી
વડોદરામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી તથા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા વાહનચેકીંગની કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન સમા પોલીસની ટીમને બાતમી મળી કે, હાથીખાના મહાવત ફળિયુ, છત્રીસ ક્વાટર્સમાં રહેતા સમીર શેખ પોતાની રીક્ષામાં શંકાસ્પદ પશુ માંસનો જથ્થો ભરીને દુમાડ ચોકડીથી આવી રહ્યો છે. જેને આધારે વોચ ગોઠવવામાં આવી હતી.
પ્લાસ્ટીકની થેલી મળી આવી
દરમિયાન બાતમીથી મળતી આવતા રીક્ષા આવતા સ્ટાફના માણસોએ તેનો રોકવાનો ઇશારો કર્યો હતો. જો કે, ભનક આવી જતા એક શખ્સ નાસી છુટ્યો હતો. તેવામાં પોલીસે રીક્ષા પકડી પાડી હતી. અને તેમાં પાછળ બેઠેલા શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો. પાછળ બેઠેલા શખ્સની ઓળખ જાફર વહિદ કુરેશી (રહે. અહેમદરજા નગર, રસુલજી ચાલી, નવાયાર્ડ) હોવાની થઇ હતી. તેના પર નીચે અને રીક્ષાના આગળના ભાગે પ્લાસ્ટીકની થેલીમાંથી દુર્ગંધ મારતા શંકાસ્પદ પશુ માંસને પકડી પાડવામાં આવ્યો હતો.
સેમ્પલ સુરત મોકલાયા
જેનું વજન 70 કિલોગ્રામ હોવાનું જણાઇ આવ્યું હતું. આ પશુ માંસ તે મહેબુબભાઇ (રહે. આસોજ ગામ) પાસેથી લઇને આવ્યો હોવાનું તેણે જણાવ્યું હતું. પોલીસે પશુ ચિકિત્સક ડોક્ટર પાસેથી સેમ્પલ લેવડાવી શંકાસ્પદ માંસને પરીક્ષણ અર્થે સુરતની ફાલસાવાડી ખાતે મોકલી આપ્યા છે.
એક આરોપી સામે અગાઉ પણ ગુનો નોંધાયો
ઉપરોક્ત કાર્યવાહીમાં પોલીસે સમીર અબ્દુલ ગફાર શેખ (રહેય મહાવત ફળિયુ, હાથીખાના) અને જાફર વહીદ કુરેશી (રહે. અહેમદરજા નગર, નવાયાર્ડ) ને દબોચી લીધા છે. જ્યારે મહેબુબભાઇને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. જાફર વહીદ કુરેશી સામે અગાઉ ડભોઇ પોલીસ મથકમાં ગુનો નોંધાઇ ચુક્યો છે.
આ પણ વાંચો — VADODARA : ઇમર્જન્સી ટાણે 108 એમ્બ્યુલન્સ નહિ પહોંચ્યાનો આરોપ