VADODARA : વડોદરા (VADODARA) માં સ્માર્ટ વિજ મીટર (SMART ELECTRICITY METER) મુક્યા બાદ વધુ બિલ આવવાનું શરૂ થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે સુભાનપુરા વિજ કંપનીની પેટા કચેરી ખાતે મોટી સંખ્યામાં પીએમ આવાસ, સ્વામી વિવેકાનંદ હાઇટ્સના લોકો એકત્ર થયા હતા. મોટી સંખ્યામાં લોકો આવી પહોંચતા વિજ કંપનીના કર્મચારીઓ ધૂંઆપૂંઆ થઇ ગયા હતા. આખરે કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસે દરમિયાનગીરી કરીને સ્થિતી થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસ પણ દોડી
વડોદરામાં સ્માર્ટ વિજ મીટર (VADODARA – SMART ELECTRICITY METER) લગાડવાનું શરૂ થતા જ વધુ બીલો આવવાના શરૂ થઇ ગયા છે. જેને લઇને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલી વિજ કંપનીની પેટા કચેરીએ મોટી સંખ્યામાં સ્થાનિકો પહોંચ્યા હતા. અને વિરોધ નોંધાવ્યો હતો. મોટી સંખ્યામાં લોકો પહોંચતા પોલીસ પણ દોડી હતી. અને સ્થિતી થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.
કમાઇ કમાઇને બીલ જ ભરીશું
ભૂમિકા વાળંદ જણાવે છે કે, અમને જુના મીટર પાછા આપો, પબ્લીકને લુંટવાનું બંધ કરો. અમે આમ પબ્લીક છીએ. અમે આવાસ યોજનામાં રહીએ છીએ. બંગ્લાઓમાં કોઇ સ્માર્ટ મીટર નથી લાગ્યા. અઠવાડિયાથી મારો દિકરો એડમિટ હતો. આજે જે રજા લઇને ઘરે આવ્યો છે, જોયું તો લાઇટ નથી. પછી ખબર પડી કે, રીચાર્જ પતી ગયું છે. 12 દિવસમાં રૂ. 2 હજારનું રીચાર્જ પતી જાય તો અમારે ક્યાં જવું. આજે રજૂઆત કરવા આવ્યા તો અધિકારીઓએ દરવાજો ખોલ્યો નથી. મીટર પબ્લીકને લુંટવાનો ધંધો છે. અમારૂ બે મહિનાનું બીલ 800 જેટલું આવતું હોય તો, 12 દિવસમાં રૂ. 2 હજારનું બીલ આવે તો અમારે મરી જવાનું છે, કમાઇ કમાઇને વિજ કંપનીના બીજ જ ભરીશું. અમારે ત્યાં સ્માર્ટ ફોન નથી, અને ત્યાં સ્માર્ટ મીટર લગાડી દીધા છે.
કોઇ પણ પ્રકારના રિસર્ચ કર્યા નથી
હલ્લાબોલ કરનાર ધર્મેન્દ્રભાઇ જણાવે છે કે, અમે વિજ કંપનીની સુભાનપુરા કચેરીએ રજૂઆત કરવા આવ્યા છીએ. અમે સુભાનપુરા હાઇટ્સ ગોરવા સુભાનપુરા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોમાં રહીએ છીએ. આ જગ્યાએ વિજ કંપનીના કર્મચારીઓ આવ્યા, તેમની સ્માર્ટ મીટરની એજન્સીના લોકો આવ્યા હતા. તેમણે કોઇ પણ પ્રકારની પરમિશન લીધી નથી. અમારી 750 મકાનો આવેલા છે. તેમણે કોઇ પણ પ્રકારની લેખિત મંજૂરી લીધી નથી. અમારી માંગ છે કે, પબ્લીકને છેતરવાનો ધંધો છે, સ્માર્ટ મીટર બોગસ છે, તેમણે કોઇ પણ પ્રકારના રિસર્ચ કર્યા નથી. પહેલા રૂ. 2 હજારનું બીલ 2 મહિને આવતું હતું. હવે એક મહિનામાં જ આટલું બીલ આવે છે. આખા વડોદરામાં સ્માર્ટ મીટર લગાડ્યા હોય ત્યાં પુરેપુરી રીસર્ચ કરવામાં આવે.યા તો પછી ન લગાવે. જે વ્યક્તિ બે મહિનાનું બીલ એક મહિના માટે કેમ ભરે, સ્માર્ટ મીટર હોય તો લોકોને ફાયદો થવો જોઇએ.
કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ
PI કીરીટ લાઠીયા જણાવે છે કે, વિજ કંપનીની સુભાનપુરા ખાતેની કચેરી છે. સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા હોવાથી તેમના બીલ વધારે આવી રહ્યો છે, તેવી રજૂઆત સાથે 50 – 100 લોકો આવ્યા છે. તેમની રજૂઆત ધ્યાને લઇ વિજ કંપનીના અધિકારીઓ યોગ્ય કાર્યવાહી કરશે. જ્યારે કોઇ પણ 4 થી વધુ માણસો ટોળું બનીને આવે, તેમાં લો એન્ડ ઓર્ડરની કોઇ પરિસ્થીતી ન સર્જાય તે માટે અમે અહિંયા આવ્યા છીએ. અમે તેમના કાયદાઅનુસાર રજુઆત યોગ્ય અધિકારી સુધી પહોંચાડવામાં મદદ કરી રહ્યા છીએ. જે કોઇ કાર્યવાહી થશે તે વિજ કંપની કરશે. અમે ફક્ત કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે અહિંયા આવ્યા છીએ.
આ પણ વાંચો — VADODARA : સગીરાના સ્નેપચેટમાં I LOVE YOU નો મેસેજ જોતા જ ભડકો