- સામ પિત્રોડાએ રાહુલ ગાંધીને રાજીવ ગાંધી કરતાં વધુ બુદ્ધિશાળી ગણાવ્યા
- રાહુલ, રાજીવ ગાંધી કરતા વધુ સારા વ્યૂહરચનાકાર છે – સામ પિત્રોડા
- મીડિયામાં રાહુલ ગાંધીની છબી ખોટી રીતે દોરવામાં આવી – સામ પિત્રોડા
Congress Leader Rahul Gandhi : કોંગ્રેસના પ્રતિષ્ઠિત નેતા અને ગાંધી પરિવાર (Gandhi Family) ના લાંબા સમયથી સલાહકાર રહેલા સામ પિત્રોડા (Sam Pitroda) એ આપેલા નિવેદન મુજબ, રાહુલ ગાંધી (Rahul Gandhi) તેમના પિતા રાજીવ ગાંધી (Rajiv Gandhi) કરતાં વધુ બુદ્ધિશાળી અને વ્યૂહરચનાકાર છે. પિત્રોડાએ PTI ને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, રાહુલમાં ભાવિ વડાપ્રધાન તરીકેની તમામ યોગ્યતાઓ છે. તેમણે જણાવ્યું કે, રાહુલ ગાંધી (Rahul Gandhi) લોકસભામાં વિપક્ષના નેતા તરીકેની પોતાની ભૂમિકા ખૂબ સારી રીતે નિભાવી રહ્યા છે અને રાજીવ ગાંધીની તુલનામાં તેઓ વધુ બૌદ્ધિક અને વિચારક છે.
રાજીવ અને રાહુલ ગાંધીનું નેતૃત્વ
સામ પિત્રોડાએ રાજીવ અને રાહુલ ગાંધી (Rahul Gandhi) ની તુલનાને લઈને જણાવ્યું કે, તેઓ બંનેના DNA સમાન છે અને બંનેના મંતવ્યો પણ સમાન છે. પિત્રોડાએ જણાવ્યું કે, તેમણે રાજીવ ગાંધી, પીવી નરસિમ્હા રાવ, મનમોહન સિંહ, વીપી સિંહ, ચંદ્રશેખર અને એચડી દેવગૌડા જેવા અનેક વડાપ્રધાનો સાથે કામ કર્યું છે. પરંતુ તેમણે ખાસ કરીને આંક્યું કે, રાજીવ અને રાહુલ વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે, રાહુલ વધુ બુદ્ધિશાળી અને વ્યૂહરચનાકાર છે, જ્યારે રાજીવ વધુ કામમાં નિષ્ણાત હતા. સામ પિત્રોડાએ કહ્યું કે, રાહુલ તેમના પિતા રાજીવ કરતાં વધુ સારા વ્યૂહરચનાકાર છે. તે તેમના કાર્યમાં મહાન દૃઢતાથી જોડાય છે અને દરેક મુદ્દાને ખૂબ જ સૂઝપૂર્વક હેન્ડલ કરે છે. જ્યારે રાજીવ અને રાહુલની વાત આવે, તો તેમનાં તફાવતો અને સમાનતાઓ બંનેને ધ્યાનમાં રાખવાની જરૂર છે. રાજીવ એ સમયે ના નેતા હતા, જ્યારે દેશના મુદ્દાઓ અલગ હતા, અને રાહુલ હવે આ બદલાતા સમયમાં નેતૃત્વ કરે છે. પિત્રોડાએ ઉમેર્યું કે, રાહુલે તેમના જીવનમાં કેટલાક મોટા વ્યક્તિગત આંચકાઓનો સામનો કર્યો છે, જેમાં તેમને દાદી અને પિતાના મોતનો સમાવેશ થાય છે. આ કારણે, રાહુલની સફળતાઓ અને પડકારો પણ અલગ છે.
રાહુલ વધુ સારા વ્યૂહરચનાકાર છે – સામ પિત્રોડા
સામ પિત્રોડાએ કહ્યું કે, રાહુલ ગાંધી તેમના પિતા રાજીવ ગાંધી કરતાં વધુ સારા રણનીતિકાર છે. બંને અલગ-અલગ યુગના નેતા છે, જેમણે અલગ-અલગ મુદ્દાઓનો સામનો કર્યો હતો અને જેમના અનુભવો પણ અલગ-અલગ છે. બિચારા રાહુલને તેના જીવનમાં બે મોટા આંચકાઓનો સામનો કરવો પડ્યો હતો (તેના દાદી અને તેના પિતાનું મૃત્યુ). તેથી, તેમની સામે વિવિધ પડકારો હતા. તેમણે કહ્યું કે રાહુલ અને રાજીવના સિદ્ધાંતો ખૂબ જ સ્પષ્ટ છે, બંને ભારતના વિચારના રક્ષક છે જેની કલ્પના કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી અને પાર્ટીના દરેક નેતાએ તેમાં વિશ્વાસ કર્યો હતો.
રાહુલ ગાંધીની અમેરિકા મુલાકાત પર સામ પિત્રોડાનું નિવેદન
સામ પિત્રોડાએ રાહુલ ગાંધીની આગામી અમેરિકા મુલાકાત વિશે ચર્ચા કરતાં જણાવ્યું કે, તેઓ 8-10 સપ્ટેમ્બર દરમિયાન અમેરિકાના કેપિટલ હિલમાં વિવિધ વ્યક્તિઓ સાથે સંવાદ કરશે. પિત્રોડાએ જણાવ્યુ કે આ મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી પ્રેસ ક્લબમાં મીડિયાકર્મીઓ સાથે પણ વાતચીત કરશે, થિંક ટેન્ક સાથે મંતવ્યોનું આદાનપ્રદાન કરશે, અને જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં પણ જશે.
મીડિયામાં રાહુલ ગાંધીની છબી અને ભાજપની ટીકા
સામ પિત્રોડાએ મીડિયા વિશે પણ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. તેમણે જણાવ્યું કે, મિડિયામાં રાહુલ ગાંધીની જે છબી ખોટી રીતે દોરવામાં આવી હતી તે સુનિયોજિત અભિયાનનો એક ભાગ હતું, જેમાં ઘણો નાણાકીય ખર્ચ કરવામાં આવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે હવે લોકો જોઇ રહ્યા છે કે આ છબી ખોટી હતી અને સમય સાથે આ વાત સ્પષ્ટ પણ થઇ ગઇ છે. ભારતીય જનતા પાર્ટીના ટીકા પર પિત્રોડાએ જણાવ્યું કે સરકારની ટીકા એ ભારતની ટીકા સમાન નથી. વિપક્ષના નેતાનું કામ સરકારની નીતિઓની સમીક્ષા અને ટીકા કરવાનું હોય છે, અને રાહુલ વિદેશમાં દેશનું નામ કલંકિત કરવાનો ભાજપનો આરોપ સંપૂર્ણપણે પાયાવિહોણો છે.
આ પણ વાંચો: Jammu and Kashmir ના રામબનમાં રાહુલ ગાંધીની રેલી, ભાજપ પર કર્યા પ્રહાર…