આ વર્ષે ઉનાળાની ગરમીએ લોકો ખૂબ જ પરેશાન કર્યા છે. સવારથી જ ગરમી વધી જતા લોકો કામ વિના ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ત્યારે ગરમીની આ પરિસ્થિતિ વચ્ચે જામનગર શહેરના 90 જેટલા વિસ્તારોમાં આજે વીજકાપ રાખવામાં આવ્યો છે.
જામનગરમાં સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી વીજકાપ રહેશે. જેના પરિણામે લોકો ભારે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. વીજકંપની દ્વારા પ્રિમોન્સુન અને મેઇનટેનન્સ કામગીરી હેઠળ આજે અડધા જામનગરમાં વીજકાપ મુકવામાં આવ્યો છે. ચોમાસું નજીક આવી રહ્યું હોય ત્યારે વૃક્ષ કાપવાની કામગીરી, વીજલાઇનો, ટ્રાન્સફોર્મરનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. જેના પરિણામે આજે 7 કલાકનો વીજકાપ ઝીંકી દેવામાં આવ્યો છે. જામનગરમાં આજે 90 જેટલા વિસ્તારો જેમાં લખપતી કોલોની, એસ્સાર હાઉસ, સદગુરૂ કોલોની, વાલકેશ્વરી નગરી, સનસાઇન સ્કૂલ રોડ, વિગ્સ ટાવરથી તુલશીશ્યામ એપાર્ટમેન્ટ આજુબાજુ વિસ્તાર, ટીવી રીલે કેન્દ્ર, ડીવાયએસપી બંગલો, આરટીઓ ઓફીસ, ટીંકુ નર્સરી, શાલીભદ્ર એપાર્ટમેન્ટ, પંચેશ્વર ટાવર, તીર્થ એપાર્ટમેન્ટ, ગોવાળ મસ્જીદ, સત્યનારાયણ મંદિર, પૂજા એપાર્ટમેન્ટ, હવાઇચોક, વૈજનાથ એપાર્ટમેન્ટ, જી.ડી.શાહ હાઇસ્કૂલ, નાગરચકલો, પરિવાર એપાર્ટમેન્ટ, સત્યમ શિવમ સુદરમ, ઓશવાળ તથા સત્યમ કોલોની, ગુરૂદ્રાર સેન્ટર પોઇન્ટ સહિતનો આજુબાજુનો વિસ્તાર, ગર્વમેન્ટ કોલોની, પંચાયત ભવન, કોર્ટ કમ્પાઉન્ડ, જજ કર્વાટર, આયુર્વેદ હોસ્ટેલ, મંગલબાગ, પોલીસ હેડકર્વાટર, શરૂ સેકશન રોડ, જનતા સોસાયટી, કૃષ્ણનગર, ખોડીયાર કોલોની, જય કો.ઓ.સોસાયટી, રાજનગર, આરામ કોલોનીમાં બપોરે 2 વાગ્યા સુધી વિજકાપ રહેશે.
ઉલ્લેખનીય છે કે, ગરમીનો પારો 44-45 અડી રહ્યો છે. ત્યારે દિવસ દરમિયાન હીટવેવના કારણે રોડ-રસ્તાઓ સૂમસાન થઇ જાય છે. ખાસ કરીને બપોરના સમયે તો એવું જ લાગે કે જાણે કર્ફ્યુ લાગી ગયો છે. હવે આવી પરિસ્થિતિમાં જામનગરમાં વીજકાપ રાખવામાં આવ્યો હોય ત્યારે લોકોની હાલત શું થઇ શકે તે કહેવાની પણ જરૂર નથી.